રાજકોટ શહેરના અમદાવાદ હાઈવે પર આવેલા કુવાડવા ગામની વાંકાનેર ચોકડી નજીક, બાલગોપાલ હોટલની સામે આવેલી શ્રમિકોની ઝૂંપડપટ્ટીમાંથી અજાણ્યો ચોર ઇસમ ત્રણ શ્રમિકોના કિંમતી મોબાઈલ ફોનની ચોરી કરીને ફરાર થઈ ગયો છે. આ ઘટના અંગે મૂળ બિહારના અને હાલ રાજકોટમાં મજૂરી કામ કરતા 21 વર્ષીય યુવાન સંજયભાઈ શંકરભાઈ ઋષીએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં વિધિવત રીતે લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી સંજયભાઈ અને તેમની સાથે કામ કરતા અન્ય શ્રમિકો મોનાઝીર મનઝર શેખ તેમજ શનીદેવ પાસવાન રાજકોટ-અમદાવાદ હાઈવે રોડ પર ચાલી રહેલા પુલના કામમાં મજૂરી કરે છે અને ત્યાં જ પતરાની આડસવાળી ખુલ્લી ઓરડીમાં સાથે રહે છે. ગત તારીખ 16 મે 2026ના રોજ રાત્રિના આશરે સાડા અગિયાર વાગ્યે આ તમામ મિત્રો પોતાના મોબાઈલ ફોન બાજુમાં મૂકીને ઓરડીમાં સુઈ ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 17 મે 2026ની વહેલી સવારે પાંચ વાગ્યે જ્યારે તેઓ જાગ્યા, ત્યારે ત્રણેય મિત્રોના મોબાઈલ ફોન ગાયબ હતા. આજુબાજુમાં ઘણી શોધખોળ કરવા છતાં અને ફોન બંધ આવતા હોવાને કારણે આખરે શ્રમિકોને ખાતરી થઈ હતી કે રાત્રિના સમયે કોઈ અજાણ્યો ચોર ઓરડીમાં ઘૂસીને ફોન ચોરી ગયો છે.આ ચોરીના બનાવમાં ચોર ઈસમ કુલ રૂૂપિયા 23,000ની કિંમતના ત્રણ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ચોરી ગયો હોવાનું સામે આવ્યું છે.
જેમાં ફરિયાદી સંજયભાઈનો રૂૂપિયા 6,000ની કિંમતનો વિવો ફોન, સાહેદ શનીદેવ પાસવાનનો રૂૂપિયા 5,000ની કિંમતનો ઑપ્પો ફોન અને અન્ય સાહેદ મોનાઝીર શેખનો રૂૂપિયા 12,000ની કિંમતનો કિંમતી વિવો મોબાઈલ ફોન સામેલ છે. ચોરીના આ બનાવ બાદ શ્રમિકોએ ભેગા મળીને સૌપ્રથમ ઓનલાઈન ઈ-અરજી કરી હતી અને તેના આધારે રવિવારે રાત્રે નવ વાગ્યે પોલીસ સ્ટેશને રૂૂબરૂૂ જઈને અજાણ્યા શખ્સ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી હતી.કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.આર. કુમરખાણીયાએ ફરિયાદ નોંધી હતી. આ ઘટનામાં બી ડીવીઝન પોલીસે મિલન ઉર્ફે ગંજેરી ઉર્ફે બાવલીયો બાલરાને ઝડપી તેની પાસેથી છ મોબાઇલ અને બાઇક કબજે કર્યું છે.
