વાંકાનેરમાં જૂની અદાવતમાં રિક્ષાચાલકને આંતરી ત્રણ શખ્સોનો ધારિયા-પાઇપ વડે હુમલો

વાંકાનેરમાં જુની અદાવતનો ખાર રાખી કારમાં આવેલા ત્રણ શખ્સોએ રિક્ષાચાલકને આંતરી ધારીયા અને પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો…

વાંકાનેરમાં જુની અદાવતનો ખાર રાખી કારમાં આવેલા ત્રણ શખ્સોએ રિક્ષાચાલકને આંતરી ધારીયા અને પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં આવેલા શક્તિ પ્લોટમાં રહેતા અલ્તાફભાઈ અબ્દુલભાઈ મુંડ નામનો 35 વર્ષનો યુવા રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાની રીક્ષા લઈને જઈ રહ્યો હતો ત્યારે જુની અદાલતનો ખાર રાખી કારમાં ધસી આવેલા રાજુ રબારી, ગોપાલ રબારી અને શૈલેષ રબારીએ અલ્તાફ મુંડને આંતરી ધારીયા અને પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં લોધિકાના મેટોડામાં રહેતા સબીરભાઈ કાસમભાઇ કુરેશી નામના 36 વર્ષના યુવાને દારૂૂના નશામાં ગાળો બોલતા ચાર શખ્સોને ગાળો બોલવાની ના પાડતા ચારેય નસેડીઓએ સબીરભાઈ કુરેશીને માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.