શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા ખોડલમાના ત્રણ રથડા રવાના

19 થી 21 જાન્યુઆરી 2027 દરમિયાન ઐતિહાીસક શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવ યોજાશે, 1008 કુંડી મહાયજ્ઞ તેમજ મહારાસ યોજાશે; સામૂહિક મહાઆરતી અને ધ્વજારોહણનું આયોજન સમગ્ર ગુજરાતના…

19 થી 21 જાન્યુઆરી 2027 દરમિયાન ઐતિહાીસક શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવ યોજાશે, 1008 કુંડી મહાયજ્ઞ તેમજ મહારાસ યોજાશે; સામૂહિક મહાઆરતી અને ધ્વજારોહણનું આયોજન

સમગ્ર ગુજરાતના 3500થી વધુ ગામડાઓના રથ પરિભ્રમણ કરશે, છ મહિના સુધી મહોત્સવનું આમંત્રણ આપશે, ગામે-ગામ આરતી અને રંગોળીઓ પૂરાશે, લેઉવા પાટીદાર સમાજને એકતાના સૂત્રે બાંધશે

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી તારીખ19 થી 21 જાન્યુઆરી 2027 દરમિયાન શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. આ ઐતિહાસિક મહોત્સવનું ગામડે ગામડે જઈને આમંત્રણ પાઠવવા માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા મા ખોડલના ત્રણ રથ તૈયાર કરવામાં આવ્યા છે. 23 મે નેશનિવારના રોજ રાજકોટ સ્થિત શ્રી સરદાર પટેલ ભવન ખાતેથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના વરદ હસ્તે ભક્તિમય વાતાવરણમાં આ ત્રણેય રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સાહેબે પણ પ્રેરક હાજરી આપી હતી.

રથ પ્રસ્થાન વિધિ પ્રસંગે સૌપ્રથમ રથ પ્રસ્થાન તથા રથ પરિભ્રમણ અંગેની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ તકેશ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનાચેરમેન નરેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, શ્રી ખોડલધામની શરૂૂઆતથી લઈને અત્યાર સુધીની સફરમાં અનેક નવા લોકો જોડાયા. લોકો એકજૂટ થઈને સાથે રહે તે ખૂબ જ જરૂૂરી છે. 2017ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, સ્વયંસેવકોએ ખૂબ જ તન,મન, ધનથી વ્યવસ્થા સંભાળી હતી. તે સમયે દરેક સમાજે ખોડલધામનું સન્માન કર્યું હતું અને સ્વયંસેવકોની સેવાને સલામ કરી હતી. લોકોમાં દિવસે દિવસે ખોડલધામ પત્યેની લાગણી અને ભાવ વધ્યો છે. 2027માં યોજાનાર દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા મા ખોડલના ત્રણ રથ પ્રસ્થાન કરી રહ્યા છે. જેનાથી ગુજરાતભરમાં વિશેષ માહોલ બનશે.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબે જણાવ્યું હતું કે, રથ પરિભ્રમણ દ્વારા ફરી એક વખત એકતા, સામૂહિકતાનો સંદેશ લઈને આપણે જઈ રહ્યા છીએ. આ માત્ર રથ નથી ફરતો પરંતું વિચારોનું સંકલન અને સંવર્ધન થઈ રહ્યું છે. અનેક લોકો એક વિચાર સાથે કામ કરે ત્યારે એકતા આવે છે. નવા વિચારોનો સમન્વય થાય છે જે નવી ઉર્જા અને પ્રેરણા આપે છે. નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કેન્સર હોસ્પિટલનું ઉમદા કાર્ય થઈ રહ્યું છે. નરેશભાઈ પટેલના વિચારોને આપણે વધુ મજબૂત બનાવીએ. સંસ્થાના વિચાર અને એકતાને મજબૂત બનાવીએ તેવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના.

સંગઠન અધ્યક્ષ અનારબેન પટેલે જણાવ્યું હતું કે, દરેક ગામમાં સંગઠનની ટીમ ખૂબ જ સારું કામ કરી રહી છે. 2017થી લઈને અત્યાર સુધી આપણી ઘણી પ્રગતિ થઈ છે. મા ખોડલ રથમાં બિરાજમાન થઈ આમંત્રણ આપવા જઈ રહ્યા છે જે આપણા સૌ માટે આનંદની વાત છે. નાનામાં નાના વ્યક્તિ સુધી આપણે પહોંચીને દશાબ્દી મહોત્સવનું આમંત્રણ પાઠવીશું. રમેશભાઈ ટીલાળાએ પણ પ્રાસંગિક ઉદબોધનમાં દશાબ્દી મહોત્સવને ભવ્યાતિભવ્ય રીતે ઉજવવા આહવાન કર્યું હતું.

મંચ કાર્યક્રમ બાદ ત્રણેય સુશોભિત રથની પ્રસ્થાન વિધિ યોજાઈ હતી. રથ પ્રસ્થાન સ્થળ પર શ્રી ખોડલધામ મહિલા સમિતિની બહેનો દ્વારા કલાત્મક રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી અને રંગબેરંગી ફૂલોથી સુશોભન કરવામાં આવ્યું હતું. રથમાં બિરાજમાન મા ખોડલની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ રથનીપૂજન વિધિ કરીને શ્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે ફ્લેગ ઓફ કરીને ઢોલ-નગારાના તાલ સાથે રથનું વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રથ પ્રસ્થાન સમયે મા ખોડલના નાદ ગુંજી ઉઠ્યા હતા. ત્રણેય રથ પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.

મા ખોડલના આ રથ સમગ્ર ગુજરાતના ચારેય ઝોન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ગામડાઓ અને શહેરોમાં પરિભ્રમણ કરશે. રથ પરિભ્રમણ દરમિયાન લેઉવા પટેલ સમાજની વસતી ધરાવતા કુલ 3500થી વધુ ગામોની રૂૂબરૂૂ મુલાકાત લઈ શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવામાં આવશે. આ રથ પરિભ્રમણ પૂર્ણ કરવા માટે રથ અંદાજિત 180 દિવસથી વધુ ફરશે.જે દરમિયાન શ્રદ્ધાળુઓને દશાબ્દી મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ અપાશે.

23 મેના રોજ રાજકોટથી રથ પ્રસ્થાન બાદ ત્રણેય રથ અલગ અલગ ઝોનમાં જશે. જેમાં એક રથ ઉત્તર ગુજરાત ઝોનમાં બનાસકાંઠા જિલ્લામાં જશે, બીજો રથ દક્ષિણ ગુજરાત ઝોનમાં વલસાડ જિલ્લામાં જશે, અને ત્રીજો રથ મધ્ય ગુજરાત ઝોનમાં દાહોદ જશે. આ ત્રણેય જિલ્લામાંથી પ્રથમ તબક્કામાં મા ખોડલનો રથ પરિભ્રમણ કરશે. ત્યારબાદ અલગ અલગ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રથ પરિભ્રમણ કરશે.

શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવનું આમંત્રણ પાઠવવા મા ખોડલનો રથ વિશેષ રૂૂપે તૈયાર કરવામાં આવ્યો છે. રથમાં મા ખોડલની મૂર્તિ બિરાજમાન છે. આ ઉપરાંત રથ એલઈડી ટીવી અને સાઉન્ડ સિસ્ટમથી સજ્જ છે. આરથજ્યાં જ્યાં જશે ત્યાં શ્રી ખોડલધામ સમિતિ દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. લોકો દ્વારા રંગોળીઓ અને તોરણો બાંધી મા ખોડલના વધામણાં કરવામાં આવશે. સાથે જ ગામે-ગામ મા ખોડલની મહાઆરતી અને સમૂહ ભોજન સહિતના કાર્યક્રમો યોજાશે.જેનાથી ભક્તિમય માહોલ સર્જાશે અને લોકોમાં સંગઠન ભાવના વધુ મજબૂત બનશે.રથ પરિભ્રમણના માધ્યમથી લાખો શ્રદ્ધાળુઓ સુધી શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવનો સંદેશ પહોંચાડવામાં આવશે.

શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવ અંગેની માહિતી
ત્રિ-દિવસીય શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવની વાત કરીએ તો, તારીખ 19 જાન્યુઆરી 2027 ને મંગળવારના રોજ શ્રી ખોડલધામ મંદિરે દશાબ્દી મહોત્સવનો શુભારંભ થશે. જેમાં સવારે 1008 કુંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. ચારેય દિશાઓમાંથી શોભાયાત્રા શ્રી ખોડલધામ મંદિરે પહોંચશે. જેના સામૈયા થશે અને પુષ્પવર્ષા થશે. બપોર બાદ ભવ્ય સાંસ્કૃતિક લોક ડાયરો યોજાશે. બીજા દિવસે તારીખ 20 જાન્યુઆરી 2027 ને બુધવારના રોજ સવારે શાસ્ત્રોક્ત વિધિથી મહાયજ્ઞ થશે. બપોર બાદ મહારાસ યોજાશે. જેમાં દરેક જિલ્લા, તાલુકાઓ, શહેરો અને ગામડે ગામડેથી ભાઈઓ-બહેનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ઉપસ્થિત રહેશે અને મહારાસમાં જોડાશે. અંતિમ દિવસે તારીખ 21 જાન્યુઆરી 2027 ને ગુરુવારના રોજ 1008 કુંડી મહાયજ્ઞની પૂર્ણાહૂતિ થશે અને બીડું હોમવામાં આવશે. માતાજીને અન્નકૂટ ધરવામાં આવશે. સામૂહિક મહાઆરતી અને ધ્વજારોહણ કરાશે. ત્યારબાદ શ્રી ખોડલધામ મંદિરે વિરાટ ધર્મસભા યોજાશે. જેમાં ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ ઉદબોધન કરી સમાજ જોગ સંદેશ આપશે અને દશાબ્દી મહોત્સવનું સમાપન થશે.

6 જૂને પાટીદારોના ઈતિહાસને ઉજાગર કરતો મનોરંજન જગતનો પ્રથમ ભવ્ય બ્રોડ-વે શો યોજાશે

‘અસરદાર પાટીદાર’ શો માં 50 થી વધુ કલાકારો દ્વારા સમાજની 15થી વધુ વ્યક્તિઓના જીવનને વિશ્ર્વકક્ષાના લાઈટીંગ અને સાઉન્ડ ઈફેકટ સાથે રાજકોટમાં પ્રિમીયરની પ્રસ્તુતિ થશે

માત્ર મનોરંજન જ નહીં, પણ આખેઆખી પાટીદાર સંસ્કૃતિને ઉજાગર કરતો એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. પાટીદાર સમાજના ગૌરવશાળી ઇતિહાસ, બલિદાન અને સંસ્કાર વારસાને ઉજાગર કરતો ગુજરાતી ભાષાનો સૌપ્રથમ ‘બ્રોડવે’ મેગા સ્ટેજ શો ‘અસરદાર પાટીદાર’નો પ્રિમિયર શો છઠ્ઠી જૂને મવડી-પાળ રોડ, સેન્ડબેરી પ્લોટ રાજકોટ ખાતે ભજવાશે.

ખોડલધામના સ્થાપક ચેરમેન નરેશભાઈ પટેલની પ્રેરણાથી તૈયાર થયેલો ખોડલધામ-કાગવડ આયોજિત આ શો માત્ર એક નાટક નહીં, પરંતુ એક ભવ્ય વિઝ્યુઅલ ટ્રીટ છે. જેમાં ગુજરાતના 50થી વધુ તેજસ્વી કલાકારો પાટીદાર સમાજની વિરલ વિભૂતીઓને સ્ટેજ પર જીવંત કરશે. એક પણ કાલ્પનિક વાતોનો આશરો લેવો ન પડે એ માટે છેલ્લા દોઢ વર્ષથી આ શો પર રીસર્ચ કામ ચાલતું હતું, જેમાં 3000થી વધુ માનવ કલાકો ખર્ચાઈ છે. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને રિસર્ચ ટીમ તરીકે શ્રી ખોડલધામ શિક્ષણ પાંખના સભ્યોએ જહેમત ઉઠાવી છે.
ઐતિહાસિક તથ્યો અને અત્યાધુનિક LED ટેકનોલોજીના સમન્વય સાથે આ શો પ્રેક્ષકોને 14મી સદીના અડાલજથી લઈ આજના આધુનિક ભારત સુધીની સફર કરાવશે