વાયરલ રોગચાળા વચ્ચે ટાઇફોઇડના ત્રણ કેસ, એક કિશોરનો ભોગ લીધો

રાજકોટ શહેરમાં મચ્છર અને પાણી જન્ય રોગચાળાનાં કારણે તાવ, શરદી-ઉધરસ, ઝાડા ઉલટી જેવા કેસો સતત નોંધાઇ રહ્યા છે. જયારે શહેરના ભગવતીપરામાં રહેતા એક કિશોરનો તાવની…

રાજકોટ શહેરમાં મચ્છર અને પાણી જન્ય રોગચાળાનાં કારણે તાવ, શરદી-ઉધરસ, ઝાડા ઉલટી જેવા કેસો સતત નોંધાઇ રહ્યા છે. જયારે શહેરના ભગવતીપરામાં રહેતા એક કિશોરનો તાવની બીમારીએ ભોગ લીધો છે જયારે છેલ્લા અઠવાડીયામાં ટાઇફોઇડ તાવના પણ ત્રણ કેસ નોંધાયા છે.

મહાનગરપાલિકાએ ગત અઠવાડીયાનાં રોગચાળાના આંકડા જાહેર કર્યા છે. જે મુજબ શરદી-ઉધરસના 878 કેસ, સામાન્ય તાવના 839 અને ઝાડા-ઉલટીના 338 મળી કુલ 2058 કેસ નોંધાયા છે. જો કે ભગવતીપરામાં તાવની બીમારીના કારણે એક કિશોરનું મોત થયું છે તેની નોંધ કોર્પોરેશનના રેકર્ડમાં થઇ નથી.
શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતો ક્રિષ્ના નરેશભાઇ છગ નામનો 17 વર્ષનો સગીર રાત્રીના બે વાગ્યાની આસપાસ લીમડા ચોક પાસે હતો. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જયાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક સગીરના માતા હયાત નથી. પિતાનો આધાર સ્થંભ ક્રિષ્ના છગ મિત્ર સાથે કામ પર જવાનું કહીને નિકળ્યો હતો. તેનું તાવ અને આંચકીની બિમારીથી મોત નિપજયું હોવાનું જાણવા મળ્યું છે.

આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.13/07/2026 થી તા.19/07/2026 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 33386 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 186 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. અને 2641 કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ. ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 684 પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 233 અને કોર્મશીયલ 251 મળી કુલ 484 આસામીને નોટીસ આપવામાં આવેલ છે.

બાલાજી હોલ પાસે શ્રમિક પરિવારની 9 વર્ષની બાળાનું પેટમાં દુ:ખાવો ઉપડતાં મોત
શહેરમાં રોગચાળો જીવલેણ નિવડયો હોય તેમ વધુ એક શ્રમિક પરિવારની 9 વર્ષની બાળકીનું પેટમાં દુ:ખાવો ઉપડયા બાદ બેભાન હાલતમાં મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં 150 ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે લેબરની સાઈટ પર રહેતાં શ્રમિક પરિવારની નિધીબેન લોકેશભાઈ સિસોસદીયા નામની 9 વર્ષની બાળકી પોતાના ઘરે હતી ત્યારે પેટમાં દુ:ખાવો ઉપડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક બાળકી એક ભાઈ ત્રણ બહેનમાં નાની હતી અને મૃતક બાળકી મુળ મધ્યપ્રદેશની વતની હતી.