ત્રંબામાં પોલીસની જનરક્ષક-112ની ટીમને ધમકી

રાજકોટ શહેરના આજીડેમ વિસ્તાર હેઠળ આવેલા કસ્તુરબા ધામ ત્રંબા ગામ ખાતે સરકારી ફરજ બજાવી રહેલી જનરક્ષક-112ની પોલીસ ટીમ પર હુમલો કરી તેમની કાયદેસરની ફરજમાં રુકાવટ…

રાજકોટ શહેરના આજીડેમ વિસ્તાર હેઠળ આવેલા કસ્તુરબા ધામ ત્રંબા ગામ ખાતે સરકારી ફરજ બજાવી રહેલી જનરક્ષક-112ની પોલીસ ટીમ પર હુમલો કરી તેમની કાયદેસરની ફરજમાં રુકાવટ ઊભી કરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે.

આ બનાવ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં અટેચ જનરક્ષક-112 કંટ્રોલ રૂૂમના પો. હેડ કોન્સ્ટેબલ અજયભાઈ જેસીંગભાઈ હુંબલ દ્વારા ત્રંબા ગામના જ રહીશ રામજીભાઈ ભીખાભાઈ મકવાણા (ઉંમર વર્ષ 57) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 221, 351(2) અને 352 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની વિગત મુજબ, ગઈકાલે રાત્રે કસ્તુરબા ધામ ત્રંબા ગામ ખાતેથી ઝગડા અંગેનો ઈમરજન્સી કોલ મળતા 112 ની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી.

સ્થળ પર પહોંચી તપાસ કરતા કોલ કરનાર દિવ્યાબેન વાઘેલાએ પોલીસને જણાવ્યું હતું કે, એક શખ્સે તેમના પિતાજી સાથે બોલાચાલી કરી હતી, પરંતુ તે વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો હોવાથી તેઓ કોઈ પોલીસ કાર્યવાહી કરવા માગતા નથી. આથી, જનરક્ષક-112 ના ઈન્ચાર્જ અજયભાઈ હુંબલ, લોકરક્ષક કૃષ્ણવીરસિંહ ગોહિલ અને ડ્રાઈવર સુનીલભાઈ સોલંકી પોતાની સરકારી ગાડીમાં બેસી પરત ફરી રહ્યા હતા. તે જ સમયે રાત્રિના આશરે નવેક વાગ્યાના સુમારે કસ્તુરબા ધામ ત્રંબા બસ સ્ટેશન પાસે આવેલ ચબુતરા નજીક પાછળથી રામજીભાઈ ભીખાભાઈ મકવાણાએ 112 ની સરકારી ગાડી પર જોરથી હાથ મારી ગાડી ઠપકારી હતી. પોલીસ કર્મચારીઓએ ગાડી ઊભી રાખી નીચે ઉતરીને પૂછપરછ કરતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને સ્ટાફ સાથે જોરજોરથી બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યો હતો.

પોલીસે તેને શાંત રહેવા અને ગાળો ન બોલવા સમજાવતા આરોપીએ ઉદ્ધતાઈપૂર્વક જણાવ્યું હતું કે, “હું રામ બાપુ છું, ભીમ આર્મીનો સભ્ય છું, તમારું પોલીસ ખાતું મારું કાંઈ કરી શકે નહીં”. આરોપીએ જાહેર સ્થળે ઉગ્ર વાતાવરણ ઊભું કરી પોલીસ કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હતી અને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિ વણસતી જોઈ પોલીસે કંટ્રોલ રૂૂમમાં ફોન કરી વધારાની પોલીસ મદદ માગી હતી અને આરોપી રામજીભાઈને 112 ની ગાડીમાં બેસાડી આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો.

પોલીસ મથકે લઈ જતા સમયે પણ આરોપી રામજીભાઈ મકવાણાએ પોલીસ સ્ટાફને ધમકી આપતાં જણાવ્યું હતું કે, તે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ડો. બાબાસાહેબ આંબેડકરનું જ્ઞાતિ પ્રત્યે અપમાન કર્યાની ખોટી ફરિયાદ કરશે અને તેમને એટ્રોસિટીના ખોટા ગુનામાં ફિટ કરાવી દેશે.

આ મામલે હેડ કોન્સ્ટેબલ અજયભાઈ હુંબલની ફરિયાદના આધારે આજીડેમ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર સાગરકુમારને સોંપી છે.