DGP-કલેકટર કચેરીઓ અને જેલો ઉડાવી દેવાની ધમકી

ગુજરાતમાં દિવાળીના તહેવારો ટાણે જ બોમ્બની ધમકીના થ્રેટ ઈ-મેઈલ થી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. કોર્ટ, સ્કૂલ અને એરપોર્ટ બાદ હવે રાજ્યની જેલો…

ગુજરાતમાં દિવાળીના તહેવારો ટાણે જ બોમ્બની ધમકીના થ્રેટ ઈ-મેઈલ થી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. કોર્ટ, સ્કૂલ અને એરપોર્ટ બાદ હવે રાજ્યની જેલો અને ડીજીપી ઓફીસ તેમજ કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અજાણ્યા શખ્સે ઈ-મેઈલ મારફતે અમદાવાદ, રાજકોટ, જામનગર, વડોદરા અને મોરબીની જેલો તેમજ ડીજીપી ઓફીસ અને ગુજરાતની કેટલીક કલેકટર કચેરીઓને તેમજ મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે.

ધમકીભર્યો ઈ-મેઈલ મળતાં જ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમો તપાસ માટે જેલ તેમજ કલેકટર ઓફીસ અને ડીજીપી કચેરી ખાતે પહોંચી હતી અને સુરક્ષાના ભાગરૂૂપે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઈ-મેઈલમાં પાકિસ્તાન ઝીંદાબાદ અને ખાલિસ્તાન ઝીંદાબાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2008 ને ભૂલશો નહિં, મોટુ સરપ્રાઇઝ આપવામાં આવશે ,વેઇટ એન્ડ઼ વોચ કઇ જેલમાં બ્લાસ્ટ થશે એ મેન્શન કર્યુ નથી. પાકિસ્તાન જીન્દાબાદ ખાલીસ્તાન જીંદાબાદ લખવામાં આવ્યું હતું.

ગુજરાતની અમદાવાદ, રાજકોટ, જામનગર, વડોદરા અને મોરબીની જેલો તેમજ ડીજીપી ઓફીસ ઉપરાંત પાટણ કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા શખ્સે ઈ-મેઈલ કરીને રાજકોટ અને પાટણ કલેક્ટર કચેરીને નિશાન બનાવવાની ધમકી આપી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સાથે જ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા કચેરીમાં તપાસ હાથ ધરવામાં આવી છે.રાજકોટ જીલ્લા જેલ ખાતે બોમ્બ ડિસ્પોઝલની ટીમે ચેકિંગ કર્યું હતું. તેમજ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. કોઈ અજાણ્યા શખ્સે ઈ-મેઈલ મારફતે કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે.

ધમકીભર્યો ઈ-મેઈલ મળતાં જ સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર કચેરીમાં બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

જામનગરમાં પણ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું હતું, જ્યાં એસઓજી અને બોમ્બ સ્ક્વોડ સાથે ફાયર વિભાગની ટીમો દ્વારા જિલ્લા જેલમાં સઘન તપાસ હાથ ધરાઈ હતી. આ ઉપરાંત સુરક્ષાના ભાગરૂૂપે શહેરના પ્રખ્યાત બાલા હનુમાન મંદિર પરિસરમાં પણ વિશેષ ચેકિંગ કરવામાં આવ્યું હતું. વડોદરા જેલ બોમ્બ ધમકી મામલે વડોદરા જેલના સુપ્રીટેન્ડન્ટે નિવેદન આપતા જણાવ્યું હતું કે સવારે જ જેલને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો અને ડીજીપી ઓફિસથી જાણ થતાં જ બોમ્બ તથા ડોગ સ્ક્વોડ દ્વારા જેલના પ્રત્યેક બેરેકનું ઝીણવટભર્યું ચેકિંગ કરાયું હતું. મોરબી ખાતે પણ જેલમાં બોમ્બ હોવાનો ઈમેલ મળતાં મોરબી પોલીસ તુરંત હરકતમાં આવી ગઈ હતી. મોરબી એલસીબી અને એ ડિવિઝન પોલીસની ટીમો દ્વારા જેલ પરિસરમાં પહોંચીને કડક તપાસ હાથ ધરવામાં આવી હતી.

મોરબી જેલના જેલરે જણાવ્યું હતું કે હાલમાં પોલીસ તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી નથી. જામનગર, વડોદરા અને મોરબી સહિત રાજ્યની તમામ જેલોમાં ચાલેલી આ લાંબી તપાસ પૂર્ણ થયા બાદ કશું શંકાસ્પદ ન મળતા આખરે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો છે, જ્યારે સાયબર ક્રાઈમ દ્વારા આ ફેક મેઈલ મોકલનાર અજાણ્યા શખ્સની સઘન શોધખોળ શરૂૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પૂર્વે રાજ્યની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. વારંવાર મળી રહેલી આવી ધમકીઓને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. હાલ તમામ સ્થળોએ તપાસ અને સુરક્ષા વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કચેરીના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે. ઈ-મેઈલ કોણે મોકલ્યો તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. વારંવાર મળી રહેલી બોમ્બ ધમકીઓને પગલે સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વધી છે.

બોમ્બની ધમકી મળતા સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની સુરક્ષા વધારાઈ
ગુજરાતની અલગ અલગ જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જેલ પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. સાબરમતી જેલ સહિત અમદાવાદની અન્ય જેલોને નિશાન બનાવી બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાં સજા ભોગવી રહ્યો છે. આ દરમિયાન જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ ટીમોએ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે પહોંચીને સંવેદનશીલ બેરેકો અને પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને મેલ મોકલનારનું આઈપી એડ્રેસ ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.