વેરો નહીં ભરાતા સામાન્ય જન સામે સિલીંગની ધમકી, સરકારી વિભાગો સામે મનપા ઘૂંટણિયે

રાજકોટ મહાપાલિકા દ્વારા હાલ વ્યાજમાફી યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના પૂર્ણ થયા બાદ નાના બાકીદારો સામે ધોકો પછાડી સિલિંગ સુધીની કડક કાર્યવાહી કરવામાં…

રાજકોટ મહાપાલિકા દ્વારા હાલ વ્યાજમાફી યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના પૂર્ણ થયા બાદ નાના બાકીદારો સામે ધોકો પછાડી સિલિંગ સુધીની કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. બીજીતરફ સરકારી મિલકતોનો રૂૂ. 100 કરોડનો વેરો બાકી હોવા છતાં તંત્ર તેની વસુલાત કરવામાં લાચાર હોય તેવું લાગી રહ્યું છે. વેરા વિભાગના મેનેજરનાં કહેવા મુજબ આ મિલકતોમાં પ્રજાના કામો થતા હોય છે અને લોકોની અવરજવર રહેતી હોય છે. જેને લઈને તેને સીલ કરવાનું શક્ય નથી. પરંતુ વેરો વસૂલવા માટે મ્યુ. કમિશનર અને ડે. કમિશનર સહિતનાં અધિકારીઓ દ્વારા પત્રવ્યવહાર સહિત જુદા જુદા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

માર્ચ મહિના સુધી મોટાભાગનો વેરો વસુલાય તેવી શક્યતા છે.પ્રાપ્ત વિગત મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારની 10 મુખ્ય કચેરીઓ અને સંસ્થાઓ પાસેથી રૂૂ.100,67,78,246નો વેરો વસુલવાનો બાકી છે. જેમાં રૂૂ. 80,72,33,086નો મિલકતવેરો અને રૂૂ. 19,95,45,160નો પાણીવેરાનો સમાવેશ થાય છે. આ કચેરીઓને હવે સમ્પ કનેક્શનના યુનિટ દીઠ 5,000 વ્યાજ માફી મળી શકે છે. વાસ્તવમાં આ સરકારી કચેરીઓ પાસેથી અંદાજે 48 કરોડ જેટલું વ્યાજ લેવાનું થાય છે.

જોકે નાણાકીય વર્ષ પૂર્ણ થવાને ગણતરીના મહિના બાકી છે તેમજ વ્યાજમાફી યોજના અમલમાં છે. છતાં સરકારી મિલકતોનો બાકીવેરો વસુલ કરવામાં હજુપણ મનપાને ખાસ કોઈ સફળતા મળી નથી. આ અંગે વેરા વિભાગનાં મેનેજર વત્સલ પટેલે જણાવ્યું કે, સરકારી મિલકતોનો બાકીવેરો વસૂલવા માટે મનપા દ્વારા સામાન્ય પદ્ધતિ કરતાં તદ્દન અલગ પ્રક્રિયા અપનાવવામાં આવે છે. આ તમામ મિલકતોમાં પ્રજાની સતત અવરજવર રહેતી હોવાથી તેને સીલ કરી શકાતી નથી. આ વસૂલાત માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કમિશનર અને નાયબ કમિશનરની સહીથી ડી.ઓ. લેટર લખવામાં આવે છે. જો સરકારમાંથી ગ્રાન્ટની ઉપલબ્ધતા થાય તો રકમ સત્વરે જમા કરવામાં આવે છે, અને ગ્રાન્ટ ન હોય તો સમયાંતરે ડી.ઓ. લેટર તેમજ ઉચ્ચ અધિકારીઓને મળીને મિટિંગ યોજી સરકારમાં મેડ્સ ઓફ મિટિંગ મોકલવામાં આવે છે.