ગુજરાત
PI પાદરિયાથી જોખમ, પોલીસ રક્ષણની સરધારાની માંગ
પોલીસ કમિશનરને મળ્યા, હત્યાની કોશિશની કલમ કોર્ટે હજુ હટાવી નથી
જયંતી સરધારા સામે પીઆઇ પાદરિયાએ કરેલી ફરિયાદ રદ કરવાની માંગ
શહેરના કણકોટ રોડ પર શ્યામ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગે ગયેલા સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ જયંતિભાઇ સરધારા અને જુનાગઢના પીઆઇ સંજય પાદરીયા વચ્ચે થયેલ માથાકુટ બાદ આ મામલે પીઆઇ સામે હત્યાની કોશિષની ફરીયાદ જયંતિભાઇ સરધારાએ નોંધાવ્યા બાદ આ મામલે પોલીસે હત્યાની કોશિષની કલમ હટાવતા પીઆઇ પાદરીયા તાલુકા પોલીસ મથકમા હાજર થયા બાદ આજે સરદારધામના જયંતિભાઇ સરધારાએ પીઆઇ પાદરીયાથી જોખમ હોવાનુ જણાવી પોલીસ રક્ષણની માંગ સાથે પોલીસ કમિશનર તેમજ ગૃહ મંત્રી, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. પોલીસ કમિશનર કચેરીએ રજુઆત માટે આવેલા જયંતિભાઇ સરધારાએ મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં પીઆઇ પાદરીયા હજુ પણ તેમના પર હુમલો કરે તેવી દહેશત વ્યકત કરી હતી અને પોતાની સામે પીઆઇ પાદરીયાએ કરેલી ફરીયાદ ખોટી હોવાનુ જણાવ્યુ હતુ.
સૌરાષ્ટ્ર ઝોનના સરદારધામના ઉપપ્રમુખ જયંતિભાઇ સરધારાએ પોલીસ કમિશનરને રૂબરૂ મળી રજુઆત કર્યા બાદ મીડીયાને જણાવ્યુ કે પીઆઇ પાદરીયા હજુ પણ તેમના ઉપર હુમલો કરે તેવી દહેશત છે. મારી ફરીયાદને નબળી પાડવાનો પેંતરો પીઆઇ પાદરીયાએ રચયો છે. હત્યાની કોશિષની કલમ હટાવવા બાબતે તેમણે નિવેદનમાં જણાવ્યુ કે કોર્ટે આ કલમ હટાવી નથી અને હજુ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 કાયમ રાખી છે. પીઆઇ પાદરીયાને સબંધના દાવે પોલીસ છાવરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સમગ્ર ઘટના બાબતે જયંતિભાઇ સરધારાએ જણાવ્યુ કે ગત તા. 25-11 ના રોજ મિત્ર સ્વ. રમેશભાઇ ગીરધરભાઇ ખુંટના પુત્રના લગ્ન પ્રસંગે મળેલા પીઆઇ પાદરીયાએ સરદારધામના બહેનો વિશે અભદ્ર ટીપ્પણી કરીને ગાળ બોલી મને ઉશ્કેરયો હતો જેથી મારામારી થઇ હતી.
પીઆઇ પાદરીયાએ હથીયાર વડે હુમલો કર્યા અંગેના સવાલનો પ્રત્યુતર આપતા જયંતિભાઇ સરધારાએ જણાવ્યુ કે સીસીટીવી બહુ દુર હોય જેના કારણે હથીયાર કાઢયાનુ ઝાંખુ દેખાય છે. નજરે જોનાર સાક્ષીએ નિવેદન આપ્યુ છે અને જયારે ભોગ બનનાર વ્યકિત જો ખુબ આ મામલે સ્પષ્ટતા પુર્વક જણાવતા હોય તો બીજી શંકાની વાત જ ન હોય. પીઆઇ પાદરીયા ખુબ ઝનુની અને ગુનેગાર હોય જે હજુ પણ મારા પર હુમલો કરી શકે છે તે બાબતે મને પોલીસ રક્ષણ મળવુ જોઇએ. વધુમાં જયંતિભાઇ સરધારાએ જણાવ્યુ કે પીઆઇ પાદરીયા ગઇ કાલે તાલુકા પોલીસ મથકમાં મોટુ ટોળુ લઇને એન્ટ્રી મારી હાજર થયા હોય અને પોલીસ સ્ટેશનમાં વીડીયો શુટીંગ કરી મારી સામે રોફ જમાવવાનો પેંતરો કર્યો છે.
જયંતિભાઇ સરધારાએ પોતાના વિરૂધ્ધ પીઆઇ પાદરીયાએ કરેલી ફરીયાદ બાબતે આ ફરીયાદ ખોટી હોય હું નિર્દોષ છું અને ફરીયાદ રદ કરવા માટે પોલીસ કમિશનરને રજુઆત કરવામાં આવી હોવાનુ જણાવવામાં આવ્યુ છે. તેમજ જયારે પણ મને પોલીસ કહેશે ત્યારે હું હાજર થઇ જઇશ તેમ જણાવ્યુ હતુ.
હુમલામાં નરેશ પટેલનો હાથ નથી; સરધારાના સૂર બદલાયા
પીઆઇ પાદરીયાએ કરેલા હુમલાની ફરીયાદ વખતે સરદારધામના ઉપપ્રમુખ જયંતિભાઇ સરધારાએ આ હુમલામાં નરેશ પટેલનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. આજે જયારે તેના વિરુધ્ધ ફરીયાદ નોંધાઇ છે ત્યારે પોલીસ કમિશનર પાસે રજુઆત માટે આવેલા જયંતિભાઇ સરધારાને આ બાબતે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે પોતે ખોડલધામ અને નરેશ પટેલ વિશે કશુ બોલ્યા જ નહીં હોવાનુ ફેરવી તોળ્યુ હતુ અને પોતે પીઆઇ પાદરીયા ખોડલધામ અને નરેશ પટેલના અંગત હોવાનુ કહયુ હતુ. બીજુ કોઇ નિવેદન તેમણે આપ્યુ નહીં હોવાનુ જણાવ્યુ હતુ.
પોલીસે ભૂલ કરી છે તેની સજા મળશે
જયંતિભાઇ સરધારા આજે પોલીસ કમિશનરને મળી પીઆઇ પાદરીયાએ કરેલી ફરીયાદ બાબતે રજુઆત માટે આવ્યા ત્યારે હુમલાની ઘટનામાં હથીયારનો ઉપયોગ થયા અંગે તેમણે મીડીયાને જણાવ્યુ કે પોલીસે નજરે જોનાર સાક્ષીને સાંભળ્યા વિના આ ઘટનામાં હત્યાની કોશિષની કલમ લગાડી દીધી છે. ત્યારે પોલીસે આ ફરીયાદ નોંધવામાં ભુલ કરી છે. પોલીસ બેદરકાર છે અને પોલીસને તેની સજા મળશે. મારા ઉ5ર થયેલ હુમલાના બનાવમાં પોલીસે હત્યાની કોશિષની કલમ રદ કરવામાં ઉતાવળ કરી છે.