સિવિલમાં તસ્કરોને રેઢુ પડ, સિક્યુરિટીની નજર સામે સામાનની ચોરી

શહેરની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિજનોની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. સિક્યુરિટી એજન્સીઓ પાછળ વાર્ષિક કરોડો રૂૂપિયાનો ધુમાડો…

શહેરની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિજનોની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. સિક્યુરિટી એજન્સીઓ પાછળ વાર્ષિક કરોડો રૂૂપિયાનો ધુમાડો કરવા છતાં સિવિલ હોસ્પિટલમાં ચોરી અને અસુરક્ષાનો માહોલ યથાવત હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઈમરજન્સી વોર્ડની બહાર સુરક્ષાકર્મીઓની હાજરી વચ્ચે જ એક વૃદ્ધાના સગાનો કપડાંનો થેલો ચોર બિન્દાસપણે ઉઠાવી જતાં સિક્યુરિટી તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે.

મળતી માહિતી મુજબ, જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધા મીનાબેન મનસુખભાઈ વ્યાસ ગંભીર બીમારીના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. મીનાબેનને કોઈ સંતાન ન હોવાથી તેમની સંભાળ રાખવા માટે ગોંડલથી તેમના નાના બહેન સોનલબેન અનિલભાઈ ત્રિવેદી રાજકોટ આવ્યા હતા. સોનલબેને પોતાનો કપડાં અને અન્ય જરૂૂરી વસ્તુઓ ભરેલો થેલો ઈમરજન્સી વોર્ડની બહાર દર્દીઓના સગાઓ માટે રાખવામાં આવેલા લોખંડના ઘોડા (રેક) પર મુક્યો હતો.

દરમિયાન, આજે સવારે સારવાર હેઠળ રહેલા મીનાબેનનું દુ:ખદ અવસાન થયું હતું. પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો ત્યારે બીજી તરફ સોનલબેન જ્યારે પોતાનો સામાન લેવા ગયા તો લોખંડના ઘોડામાંથી તેમનો થેલો ગાયબ હતો. આ અંગે આસપાસમાં તપાસ કરતા અને હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ચકાસતા માલૂમ પડ્યું હતું કે, ઈમરજન્સી વોર્ડની બહાર તૈનાત સિક્યુરિટી ગાર્ડની નજર સામે જ એક અજાણ્યો ચોર નજર ચૂકવીને સોનલબેનનો થેલો લઈને રફુચક્કર થઈ ગયો હતો. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ, તબીબો અને માલસામાનની રખેવાળી માટે ખાનગી સિક્યુરિટી એજન્સીને કરોડો રૂૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. હોસ્પિટલ તંત્ર દ્વારા દાવો કરવામાં આવે છે કે સુરક્ષા માટે નિવૃત્ત આર્મીના જવાનો અને તાલીમબદ્ધ ગાર્ડ્સને ફરજ પર મૂકવામાં આવ્યા છે. આમ છતાં, ખુલ્લેઆમ ઈમરજન્સી વોર્ડ જેવા અતિ સંવેદનશીલ વિસ્તારમાંથી જ સામાનની ચોરી થઈ જતાં ખાનગી સિક્યુરિટી એજન્સીની બેદરકારી અને કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. એક તરફ સ્વજન ગુમાવવાનું દુ:ખ અને બીજી તરફ સામાન ચોરાઈ જતાં પીડિત પરિવારે સિક્યુરિટી તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે.