ચોમાસામાં કોઈ વિલંબ નહીં થાય, તા.10-11 જૂને મુંબઈમાં દેશે ટકોરા

ગરમીથી કંટાળેલા મુંબઈગરાઓ માટે આખરે રાહતનો સંદેશ આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન કેરલમમાં સામાન્ય કરતાં વહેલું આવી શકે છે. હવામાન…

ગરમીથી કંટાળેલા મુંબઈગરાઓ માટે આખરે રાહતનો સંદેશ આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન કેરલમમાં સામાન્ય કરતાં વહેલું આવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ મોન્સૂન 26 મેએ કેરલમના કિનારે પહોંચી શકે છે. સામાન્ય રીતે કેરલમમાં મોન્સૂનની એન્ટ્રી થયા બાદ 15 દિવસ પછી એ મુંબઈ પહોંચે છે. એથી 10-11 જૂને મુંબઈમાં મોન્સૂન એન્ટ્રી લઈ શકે છે.

હવામાન ખાતાની આગાહી મુજબ મોન્સૂન પાંચમી જૂન સુધીમાં ગોવામાં પહોંચવાની ધારણા છે અને 6 જૂન સુધીમાં કોકણ ક્ષેત્રમાં પહોંચી શકે છે. મોન્સૂન 7 જૂન સુધીમાં પુણેમાં અને 10-11 જૂને મુંબઈ પહોંચવાનો અંદાજ છે. નોંધનીય છે કે આ વર્ષના મોન્સૂનના પ્રારંભિક તબક્કા દરમ્યાન બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈ ચક્રવાત સર્જાયો નથી. પરિણામે હવામાન નિષ્ણાતો માને છે કે મોન્સૂનની પ્રગતિમાં કોઈ મોટો અવરોધ આવવાની શક્યતા ઓછી છે.

ભારતીય મોસમ વિભાગે ગઈ કાલે જાહેર કરેલા બુલેટિનમાં આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ભારતમાં ચોમાસું ક્યારે બેસશે એની તારીખો જાહેર કરી હતી.

મોસમ વિભાગે કેરલમમાં ચોમાસું બેસવાની તારીખ 26 મેની આસપાસની આપી છે. એમાં 3 દિવસ આગળ-પાછળ થઈ શકે છે. સામાન્ય રીતે કેરલમમાં ચોમાસું પહેલી જૂનની આસપાસ પહોંચે છે. આ વર્ષે અનુમાન નિર્ધારિત સમય કરતાં પાંચ દિવસ વહેલું ચોમાસું પહોંચે એવી સંભાના છે. ગયા વર્ષે ચોમાસું 24 મેએ આવ્યું હતું. હાલમાં વરસાદ પહેલાંની ગરમી ચરમસીમાએ છે. આંદામાન સાગર અને દક્ષિણ બંગાળની ખાડીમાં આગામી 24 કલાકમાં મોન્સૂન આગળ વધે એવી સંભાવના છે.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં દક્ષિણ આંદામાનના સમુદ્ર, બંગાળની ખાડી અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર મોન્સૂનના આગમન માટે અનુકૂળ પરિસ્થિતિઓ વિકસી રહી છે. 16 મેની આસપાસ મોન્સૂન આંદામાન ક્ષેત્રમાં પહોંચવાની ધારણા છે. દરમ્યાન, ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે મોન્સૂન 26 મેના રોજ કેરલમમાં પ્રવેશશે.