અમિત શાહ પછી મોદીને પણ જેલમાં નાખવાનો પ્લાન હતો: મોઇલીનો ધડાકો

કેન્દ્રના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલીએ કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારના કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન મોદી વિરુદ્ધની તપાસ અંગે એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે…

કેન્દ્રના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલીએ કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારના કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન મોદી વિરુદ્ધની તપાસ અંગે એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, તે સમયે કોંગ્રેસ પક્ષના જ નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચાલી રહેલી તપાસને રોકવા માટે હસ્તક્ષેપ કર્યો હતો. પક્ષ અત્યારે તે નિર્ણયનું પરિણામ ભોગવી રહ્યો છે. બેંગલુરુમાં બોલતા વીરપ્પા મોઈલીએ કહ્યું, “હું કાયદા મંત્રી હતો. અમિત શાહને ગુજરાતમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા અને તેમનો કેસ બીજા રાજ્યમાં ચાલવાનો હતો. જેલમાં મોકલવામાં આવનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા. તે પછી મોદીનો વારો આવવાનો હતો અને તેમને પણ રાજ્યમાંથી તડીપાર કરવામાં આવ્યા હોત.”

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી વીરપ્પા મોઈલીએ વધુમાં ઉમેર્યું, “આ કેટલીક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ હતી જે પક્ષની અંદર બની હતી. મોદી વિરુદ્ધની તપાસ આપણી પોતાની સરકાર દ્વારા જ અટકાવી દેવામાં આવી હતી. આવું (તત્કાલીન વડાપ્રધાન) મનમોહન સિંહને કારણે નહોતું થયું; પરંતુ, તે અન્ય કેટલાક નેતાઓને કારણે થયું હતું.” “આજે આપણે તેના કારણે ભોગવી રહ્યા છીએ.” વીરપ્પા મોઈલી મે 2009 થી મે 2011 સુધી કાયદા મંત્રી રહ્યા હતા.

મોઈલીએ ઉમેર્યું કે તેઓ અત્યારે આ બાબતની વિગતોમાં જવા માંગતા નથી. જોકે, આ આક્ષેપો કરતી વખતે તેમણે કયા ચોક્કસ કોંગ્રેસી નેતાઓનો ઉલ્લેખ કર્યો હતો, તેમના નામ આપ્યા ન હતા. વર્ષ 2010માં, સીબીઆઈએ સોહરાબુદ્દીન શેખ કેસના સંબંધમાં અમિત શાહની ધરપકડ કરી હતી. તે સમયે, અમિત શાહ ગુજરાતમાં ગૃહ રાજ્ય મંત્રી હતા. 30 ડિસેમ્બર, 2014ના રોજ, મુંબઈની એક વિશેષ સીબીઆઈ અદાલતે સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાંથી અમિત શાહને મુક્ત (ડિસ્ચાર્જ) કર્યા હતા.