રામ મંદિરમાં દાનની ચોરી, ધર્મના નામ પર અધર્મ

ભારતમાં ધર્મથી વધારે નફાકારક કોઈ ધંધો નથી ને ધર્મના નામે લોકોને બહુ સરળતાથી ધૂતી શકાય છે. આપણે ત્યાં સાવ લેભાગુઓ પણ ધર્મના નામે હાટડી ખોલીને…

ભારતમાં ધર્મથી વધારે નફાકારક કોઈ ધંધો નથી ને ધર્મના નામે લોકોને બહુ સરળતાથી ધૂતી શકાય છે. આપણે ત્યાં સાવ લેભાગુઓ પણ ધર્મના નામે હાટડી ખોલીને બેસી જાય ને ભોળી, અબૂધ પ્રજાને ધૂતીને પોતાનાં ઘર ભરે એવા તો હજારો કિસ્સા જોવા મળે છે, પણ કોઈ મોટા મંદિરમાં આ જ ધંધો ચાલતો હોવાની ખબર પડે ત્યારે મોટો આઘાત લાગે. અયોધ્યાના ભગવાન શ્રી રામ મંદિરમાં ચઢાવાના 7 કરોડ રૂૂપિયાની ચોરીની ઘટનાએ દેશના કરોડો શ્રદ્ધાળુઓને આવો જ આઘાત આપી દીધો છે. આઘાતની વાત એ છે કે, ચોરીના આક્ષેપો લાંબા સમયથી થઈ રહ્યા છે, પણ મંદિર ટ્રસ્ટના કારભારીઓ તેને ગણકારતા જ નહોતા.

સમાજવાદી પાર્ટી સરકારમાં મંત્રી રહેલા પવન પાંડેએ દાવો કરેલો કે, રામ મંદિરના દાનમાંથી લગભગ સાડા સાત કરોડ રૂૂપિયાની ચોરી કરવામાં આવી છે, પણ ચંપત રાથે એમ કહીને હાથ ખંખેરી નાંખ્યા કે, આ વાત બકવાસ છે અને અત્યાર સુધી આવી કોઈ વાત બહાર આવી નથી. અત્યાર લગી ઊંઘી રહેલા યોગી પણ સફાળા જાગી ગયા ને કલાકોમાં તો લખનઊના મ્યુનિસિપલ કમિશનર વિજય વિશ્વાસ પંત, આઈપીએસ અધિકારી કિરણ એસ. અને એડિશનલ ફાઇનાન્સ સેક્રેટરી નીલ રતનની ત્રણ સભ્યોની એસઆઈટી બનાવી દીધી. એસઆઈટી બન્યાના કલાકોમાં તો મંદિરના કર્મચારી લવકુશ મિશ્રાના ઘરે દરોડો પબણ પડી ગયો અને આ દરોડામાં છાણાંમાં છૂપાવેલા 10 લાખ રૂૂપિયા મળી આવ્યા. બીજે છૂપાવેલી લાખોની રોકડ પણ મળી છે. અત્યાર સુધી થયેલા આક્ષેપોમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય સહિતના કારભારીઓ જ ચોરીના ખેલના પડદા પાછળના અસલી ખેલાડી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક મહિપાલસિંહ ફેબ્રુઆરી 2021 થી જુલાઈ 2022 સુધી રામ મંદિરના એકાઉન્ટ ઓફિસર હતા.

મહિપાલસિંહ આક્ષેપ કર્યો છે કે, મંદિરમાં 2021થી ચોરી થઈ રહી છે. દાનમાં આવતા સોના-ચાંદીનો કોઈ લેખિત રેકોર્ડ રાખવામાં આવતો નથી, સોના-ચાંદી સહિતના ધાતુના દાનના ફોટો લેવામાં આવતા ને પછી આ બધી ચીજો ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને મોકલી દેવામાં આવતી હતી. આ ઘટનાક્રમ અત્યંત આઘાતજનક છે. તપાસમાં શું બહાર આવશે ને ખરા ચોરોને સજા થશે કે નહીં એ ખબર નથી પણ હિંદુઓની આંખો આ ઘટના પછી ખૂલવી જોઈએ. ધર્મમાં શ્રદ્ધા હોવી અને ધર્મના નામે દાન કરવામાં કશું ખોટું નથી પણ આ દાન ધર્મના ભલા માટે નહીં પણ ચોરી કરીને ચોક્કસ લોકોના ભલા માટે જ વપરાય ત્યારે એ અધર્મ બની જાય છે. આપણે ત્યાં બધાં મંદિરોમાં આ અધર્મ નથી થતો પણ મોટા ભાગનાં મંદિરોમાં થાય છે.