ગુજરાત

જીએસટી અધિકારીના મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, બંન્ને તસ્કર ચોરી કરવા બસમાં આવ્યા ’તા

Published

on

100 સીસીટીવી કેેમેરા ચેક કર્યા, એકમાં કેદ થયા ને ઓળખ થઇ, માધાપર ચોકડી પાસેથી એકને પકડી લીધો

પૂછપરછમાં રાધનપુરના શખ્સનું નામ ખુલ્યું, પકડાયેલા ચોર વિરુદ્ધ અગાઉ પાંચ ગુના નોંધાઇ ચુકયા છે

એરપોર્ટ મેઇન રોડ પરની ઇન્કમટેક્સ સોસાયટીમાં રહેતા સેન્ટ્રલ જીએસટીના આસીસ્ટન્ટ કમિશનર શિવદાસ મેનનના બંધ મકાનમાંથી 2.48 લાખની ચોરી થઇ હતી. જેનો ભેદ એલસીબી ઝોન-2ના સ્ટાફે ઉકેલી લઇ એક તસ્કરને ઝડપી લીધો છે. જ્યારે બીજા તસ્કરની શોધખોળ શરૂૂ કરી છે.ફરિયાદી શિવદાસભાઈ પરિવાર સાથે દ્વારકા અને સોમનાથ દર્શન કરવા ગયા બાદ પાછળથી તેના બંધ મકાનમાંથી ચોરી થઇ હતી. જે અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જો કે આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસનું કામ મુશ્કેલ બન્યું હતું.એલસીબી ઝોન-2ના પીએસઆઈ આર.એચ. ઝાલા, રાહુલભાઈ ગોહેલ,રાજેશભાઈ મિયાત્રા અને ગાંધીગ્રામના ભગીરથસિંહ જાડેજા,સબીરભાઈ શેખ,પ્રશાંતભાઈ ગજેરા અને રોહિતદાન ગઢવી અને સ્ટાફના માણસો સાથે લગભગ 100થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.

જેમાંથી એક કેમેરામાં બંને તસ્કરો કેદ થઇ ગયા હતા. એટલું જ નહીં બંને પગપાળા ચોરી કરીને એસટી બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યાની માહિતી મળી હતી. જેના આધારે તપાસ આગળ ધપાવી ચોરીમાં સંડોવાયેલા કૈલાશ મધાભાઈ ચાંગાવડિયા (ઉ.વ.30, રહે. ગાંધીધામ)ને માઘાપર ચોકડી પાસેથી ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં રાધનપુરના સાંતલપુર તાલુકાના વારાહી ગામના કિશોર માવજી વારૈયાની સંડોવણી ખૂલતા તેની હવે શોધખોળ જારી રાખી છે.પોલીસના જણાવ્યા પ્રમાણે બંને તસ્કરો મૂળ રાધનપુરના છે.

બસમાં ચોરી કરવા આવ્યા હતા. રાજકોટના વિસ્તારોથી પરિચિત હતા. બંને તસ્કરો દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરી મોડીરાત્રે તેમાં ત્રાટકતા હતા. લોખંડના સળિયાથી મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર કબાટમાંથી હાથ સાફ કરી લેવાની ટેવ ધરાવે છે. જે મુજબ ઇન્કમટેક્સ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.ઝડપાયેલા તસ્કર કૈલાસ પાસેથી સોનાની બે બંગડી, સોનાના બે ચેન, બે કાંડા ઘડિયાળ, રોકડા 40 હજાર અને એક મોબાઇલ સહિત કુલ 3.86 લાખનો મુદ્દામાલ એલસીબી ઝોન-2ના સ્ટાફે કબ્જે કર્યો છે. હાલ વોન્ટેડ તસ્કર કિશોર વિરૃધ્ધ ગાંધીધામ, આદિપુર અને પાટણમાં ચોરી,મારામારીના પાંચેક ગુના નોંધાયાની માહિતી પણ પોલીસને મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version