Site icon Gujarat Mirror

ભુજમાં બેંક એપ્લિકેશન ચાલુ કરવાના બહાને નાટ્ય કલાકાર સાથે 3.45 લાખની ઠગાઇ

સાયબર ઠગાઈ આચરતી ટોળકીઓ રોજબરોજ નિર્દોષ નાગરિકોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂૂપિયા ચાંઉ કરી રહી છે, ત્યારે ભુજમાં વધુ એક ચકચારી સાયબર ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઘનશ્યામનગરમાં રહેતા અને નાટક કલાકાર તરીકે કામ કરતા 62 વર્ષીય વૃદ્ધ સાથે સોશિયલ મીડિયા પર ખોટી જાહેરાત મૂકી બેંકનું એપ્લીકેશન ચાલુ કરવાના નામે રૂૂપિયા 3.45 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદી સુરેશભાઈ લાલજીભાઈ બિજલાણીએ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. ગત 29 જુલાઈના રોજ સવારે ફરિયાદી પોતાના ફોનમાં ફેસબુક જોઈ રહ્યા હતા. તે દરમિયાન તેમને યોનો એપ્લિકેશન ચાલુ કરવા અંગેની એક જાહેરાત જોવા મળી હતી.પોતાની યોનો એપ બંધ હોવાથી તેમણે એડમાં આપેલા મોબાઈલ નંબર પર કોલ કર્યો હતો.

જે બાદ સામેથી કોલ કરનાર શખ્સે પોતાની ઓળખ એસ.બી.આઈ. બેંકના આસિસ્ટન્ટ મેનેજર તરીકે આપી હતી અને યોનો એપ ચાલુ કરવા માટે બેંકની વિગતો માંગી હતી.આરોપીઓએ ફરિયાદી પાસેથી તેમનો બેંક એકાઉન્ટ નંબર, એ.ટી.એમ. કાર્ડ નંબર તથા એ.ટી.એમ. પીન નંબર મેળવી લીધા હતા.જે બાદ એપ્લીકેશન એક્ટિવેટ થઈ ગઈ હોવાનો સાદો મેસેજ મોકલ્યો હતો.

ગત ઓગષ્ટના નાણાંની જરૂૂરિયાત ઊભી થતાં મીની સ્ટેટમેન્ટ મંગાવ્યું હતું. જેમાં તા.31 જુલાઈના તેમના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા 3.45 લાખ ઉપાડી લેવાયા હતા.

જોકે ફરિયાદીએ સાયબર ઠગના નંબર પર ફોન કરી પૂછપરછ કરતા તેણે ફોન કાપી નાખ્યો હતો.અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં સાયબર હેલ્પલાઈન 1930 પર ઓનલાઈન અરજી કરી હતી.જે બાદ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

બેંકનો કોઈ પણ કર્મચારી કે મેનેજર ક્યારેય ફોન પર એટીએમના પીન કે ઓટીપી માંગતો નથી.તેમજ ફોનમાં આવતા Truecaller એપ્લીકેશન પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ કારણકે તેમાં આવતું નામ જે-તે સિમકાર્ડ વાપરનાર પોતે સેટ કરી શકે છે, તેમાં નામ જોઈ કોઈને બેંક અધિકારી ન માનવા જોઈએ. ઠગાઈનો ભોગ બનનાર સુરેશ ભાઈના મોબાઈલમાં Truecaller એપમાં બેંકના આસિસ્ટન્ટ મેનેજર તરીકેનું નામ બતાવતું હતું.જેથી ફરિયાદીને સામેવાળા વ્યક્તિ પર વિશ્વાસ બેસી ગયો હતો.

Exit mobile version