ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે ગત વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો. ચાલુ બસે ચડવાનો પ્રયાસ કરતા એક યુવકે સંતુલન ગુમાવ્યું હતું અને તે નીચે પટકાયો હતો. બસનું આગળનું વ્હીલ તેના પગ પર ફરી વળતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવકને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, મૂળ મધ્ય પ્રદેશના પ્રતાપપુરના વતની અને હાલ રાજકોટ-વાંકાનેર રોડ પરની સ્કાયવિન કંપનીમાં રહેતા પવન પ્રતાપસિંહ લોધી રાજપૂત (ઉં.વ. 21) અમદાવાદથી રાજકોટ આવવા માટે બસમાં બેઠા હતા. મુસાફરી દરમિયાન ઊંઘ આવી જતાં તેઓ રાજકોટને બદલે ગોંડલ પહોંચી ગયા હતા.
ગોંડલ પહોંચ્યા બાદ પવન પરત રાજકોટ જવા માટે વહેલી સવારે ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે આવ્યા હતા. સવારે આશરે 5 વાગ્યે ગોંડલ – મોરબી – ભુજ રૂૂટની બસ (નંબર: GJ 18 ZT 2763)ડેપોમાંથી રાજકોટ તરફ જવા રવાના થઈ રહી હતી. આ સમયે પવન અને અન્ય એક યુવક ચાલુ બસમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
તે દરમિયાન પવન પ્રતાપસિંહનો પગ લપસી જતાં તેમણે સંતુલન ગુમાવ્યું અને તેઓ નીચે પટકાયા. બસના ડ્રાઈવર સાજીદભાઈ સમા કંઈ સમજે તે પહેલાં જ બસનું આગળનું વ્હીલ યુવકના પગ પર ફરી વળ્યું હતું, જેના કારણે તેને પગમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું.
આ ઘટનાને પગલે ભુજ રૂૂટની બસને ગોંડલ બસ સ્ટેન્ડમાં જ રોકી દેવામાં આવી હતી. બસ સ્ટેન્ડ તંત્ર દ્વારા સવારે 6 વાગ્યા આસપાસની અન્ય બસમાં મુસાફરોને રાજકોટ તરફ રવાના કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જે મુસાફરોએ આ બસમાં સીટ રિઝર્વેશન કરાવ્યું હતું, તેમને ટેલિફોનિક જાણ કરીને આગામી બસમાં સીટ ફાળવવાની ખાતરી આપવામાં આવી હતી. અકસ્માત બનતા જ સ્થળ પર એકઠા થયેલા લોકોએ ત્વરિત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત યુવકને સૌપ્રથમ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ તેની ગંભીર હાલતને ધ્યાને રાખી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
એસ.ટી. નિગમ અને મુસાફર સુરક્ષા વિભાગ દ્વારા વારંવાર અપીલ અને સૂચનાઓ આપવામાં આવે છે કે કોઈપણ મુસાફરે ચાલુ બસે ચડવા કે ઉતરવાનો પ્રયાસ કરવો નહીં. એક ક્ષણની ઉતાવળ અથવા અસાવધતા ગંભીર અકસ્માતમાં પરિણમી શકે છે.
