ગુજરાત
રિસામાણે બેઠેલી પત્નીએ કેસ કરતા કોર્ટના ધક્કાથી કંટાળી પતિએ ફિનાઇલ ગટગટાવ્યું
મનહર સોસાયટીમાં સગીરાએ એસીડ પી લેતા સારવારમાં
શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતા યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. રિસમાણે બેઠેલી પત્નીએ કેસ કરતા કોર્ટના ધક્કાથી કંટાળી તેણે આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ છે.
જાણવા મળતી વિગત મુજબ ગંજીવાડા શેરી.નં.38માં દલિત ચોકમાં રહેતા રાજેશ કેશુભાઇ ચાવડા (ઉ.વ.37) નામના યુવાને ગઇ કાલે સાંજે પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં રાજેશ બે ભાઇ સાત બહેનમાં મોટો અને કડીયા કામના કોન્ટ્રાકટ રાખી કામ કરે છે.
વધુ તપાસમાં તેની પત્ની મીનાબેન બે વર્ષથી રિસામણે ચાલી ગઇ હોય જેણે જામનગર કોર્ટમાં કેસ કર્યો હતો જેથી કોર્ટના ધક્કા ખાઇને કંટાળી જઇ આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ છે.
જયારે બીજા બનાવમાં થોરાળા પોલીસ સ્ટેશન સામે આવેલી મનહર સોસાયટીમાં રહેતી 17 વર્ષની સગીરાએ અગમ્ય કારણસર એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.