આંતરરાષ્ટ્રીય
અમેરિકા ફેડ રિઝર્વએ બીજી વખત વ્યાજદર ઘટાડ્યો
લેન્ચમાર્ક લેન્ડિંગ રેટ 4.50 ટકા કર્યો, હવે આરબીઆઈના નિર્ણય પર નજર
યુએસ ફેડ રિઝર્વ બેંક સતત બીજી વખત વ્યાજદર ઘટાડ્યા છે. અમેરિકાની મધ્યસ્થ બેંકે ગુરુવારે બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ0.25 ટકા ઘટાડી 4.50 ટકા કર્યા છે. આ અગાઉ બેંકે સપ્ટેમ્બરમાં વ્યાજદર 0.50 ટકા ઘટાડી 4.75 ટકા કર્યો હતો. સૌથી ખાસ વાત એ છે કે, અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતના બીજા જ દિવસે યુએસ ફેડ રિઝર્વે રેટ કટ કર્યો છે. યુએસ ફેડ રિઝર્વ દ્વારા બે મહિનામાં સતત બીજી વખત રેટ કટ બાદ હવે ભારતીય રિઝર્વ બેંક પર વ્યાજદર ઘટાડવાનું દબાણ વધી રહ્યું છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ યુએસ ફેડરલ ઓપન માર્કેટ કમિટિ એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, કમિટિનું માનવું છે કે, રોજગાર અને મોંઘવારીના લક્ષ્યાંક હાંસલ કરવાનું જોખમ લગભગ સંતુલનમાં છે. ઇકોનોમિક આઉટલૂક અનિશ્ચિત છે અને કમિટિ પોતાના આર્થિક લક્ષ્યાંકો હાંસલ કરવા અંગે સચેત છે.
કમિટિ એ જોબ માર્કેટને લઇ પોતાની વ્યાખ્યામાં પણ ફેરફાર કર્યો છે. યુએસ ફેડ રિઝર્વે જણાવ્યું કે, ગત વર્ષન શરૂૂઆતથી શ્રમબજારની સ્થિતિ સામાન્ય રીતે સુધરી છે પણ બેરોજગારી દર વધ્યો છે જો કે હજી પણ નીચો છે. અમેરિકન શેરબજારનો એસએન્ડપી 500 ઈન્ડેક્સ ઉંચા સ્તર પર છે જ્યારે ટ્રેઝરી ગેન ઓછું છે.
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતના બીજા જ દિવસે યુએસ ફેડ રિઝર્વ વ્યાજદર 0.25 ટકા ઘટાડ્યા છે. ટમ્પે વધારે આક્રમક ટેરિફ લાગુ કરવાનો, ઇમિગ્રેશન પર કડક વલણ અને ટેક્સ ઘટાડવાના ચૂંટણી વચન આપ્યા હતા. આ આર્થિક નિર્ણયો મોંઘવારી દર અને લાંબા ગાળાના વ્યાજદર પર દબાણ કરી શકે છે અને યુએસ ફેડ રિઝર્વને આગામી સમયમાં વધુ વ્યાજદર ઘટાડવા પ્રેરિત કરી શકે છે. ફેડ રિઝર્વના અધિકારીઓના નિર્ણય પણ તપાસના દાયરામાં આવી શકે છે.