ક્રાઇમ
રૈયા ગામે દુષ્કર્મનો આક્ષેપ કરી યુવત્તિના બે ભાઈઓનો યુવકના ઘર ઉપર હુમલો
શહેરના રૈયા ગામમાં બહેન સાથે દુષ્કર્મ કર્યાના આક્ષેપ સાથે યુવતિના બે ભાઈઓએ જેના સામે દુષ્કર્મનો આક્ષેપ થયો હોય તેના ઘર ઉપર હુમલો કરી તેના માતા-પિતાને માર મારી ઘરમાં તોડફોડ કરતા સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો છે. અને આ અંગે તોડફોડ કરનાર બન્ને શખ્સોની ધરપકડ કરવા તપાસ શરૂ કરી છે. મળતી વિગતો મુજબ રૈયા ગામમાં જે.કે. ચોક પાસે રહેતા અને ઘરકામ કરતા રંભાબેન ભીખાભાઈ અઘારિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે રૈયા ગામમાં તેના ઘર નજીક જ રહેતા વાલજી ઉર્ફે પતાળિયો લાલજીભાઈ સાડમિયા અને વનરાજ ઉર્ફે પોઠિયો લાલજીભાઈ સાડમિયાનું નામ આપ્યું છે.
રંભાબેને ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ પોતાના ઘરે હતા ત્યારે પાડોશમાં રહેતા મહિલાએ ઘરની બહાર બે શખ્સો ગાળો બોલતા હોવાનું જણાવતા રંભાબેન બહાર નિકળ્યા હતા. ત્યારે વાલજી અને તેનો ભાઈ વનરાજ ત્યાં ઉભા હતાં રંભાબેન અને તેમના પતિ ભીખાભાઈએ ગાળો બોલવાની ના પાડતા બન્ને ભાઈઓએ રંભાબેનને કહેતા તમારા પુત્ર અર્જુને મારી બહેન સાથે દુષ્કર્મ કર્યુ હોય અને હાલ ગર્ભવતી હોય અને હવે લગ્ન કરવાની ના પાડે છે. તેમ કહીને માથાકુટ કરી હતી.
વાલજી અને વનરાજ બન્નેએ લોખંડના સળિયા લઈને ઘરમાં ઘુસ્યા હતા એન રંભાબેન અને ભીખાભાઈ ઉપર હુમલો કર્યો હતો. તેમજ દરવાજામાં તથા ઘરમાં પડેલા ટીવી, ફ્રીજ અને રસોડામાં પડેલા તેલના ડબા તોડફોડ કરી તેલ ઢોળી નાખ્યુ હતું. બન્ને ભાઈઓએ કરેલા હુમલામાં રંભાબેન અને ભીખાભાઈને ઈજા થતાં બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. રંભાબેને પોલીસને જણાવ્યું કે, પોતાનો પુત્ર અર્જુન કે જે હાલ રાજકોટમાં ન હોય તેને વાલજીની બહેન સાથે સબંધ હોય બન્ને વચ્ચે શરીર સબંધ બંધાયો હોય અને જેથી તેની બહેન ગર્ભવતી બની હોય અર્જુને લગ્ન કરવાની ના પાડતા બન્ને ભાઈઓએ હુમલો કર્યો હતો.