ગુજરાત
આટકોટ પાસે સાણથલીના કારખાનેદારના મકાનમાંથી રૂપિયા ત્રણ લાખની ચોરી
સુરતથી સાસુની લૌકિક ક્રિયામાં આવેલા ભાઈ પાંચવડા ગામે જતા બંધ મકાનમાં હાથફેરો કરી ગયા
આટકોટ નજીક સાણથલીમાં રહેતા કારખાનેદારના બંધ મકાનમાં તસ્કરો ત્રાંટક્યા હતા અને રૂા. 3 લાખની ચોરી કરી જતાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સુરત રહેતા કારખાનેદારના ભાઈ સાસુના લૌકિક પ્રસંગે આવ્યા હોય જે મકાન બંધ કરી પાંચવડા ગામે ગયા હોય ત્યારે તસ્કરો ત્રાંટક્યા હતા અને મગફળીના વેચાણના અને બચતની રકમ તસ્કરો ચોરી ગયા હતા. આ અંગે આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ સાણથલી ગામે રહેતા અને શાપરમાં લોખંડની ભઠ્ઠી ચલાવતા કારખાનેદાર હસમુખભાઈ પરસોતમભાઈ ભુવા કે જેઓ સુરતના કામરેજ પાસે બંસરી લક્ઝરિયા ખાતે પણ મકાન ધરાવતા હોય અને સુરત અને વેરાવળ-શાપર ગામે અવર જવર કરે છે. તેઓ હાલ સુરત હોય ત્યારે તેમના મોટાભાઈ કેતનભાઈ પરસોતમભાઈ ભુવા ગત તા. 23-10ના રોજ સાણથલી ગામે આવ્યા હતા. પાચવડા ગામે રહેતા તેમના સાસુનું અવસાન થયું હોય અને પાણીઢોળની વીધિમાં હાજરી આપવા કેતનભાઈ સાણથલી આવ્યા બાદ 27-10ના રોજ પાંચવડા ગામે ગયા હતાં. સવારે વીધીમાં ગયા બાદ સાંજે પાછા આવતા મકાનનો દરવાજો અંદરથી બંધ હતો. જેથી કેતનભાઈ થાંભલે ચડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. અને તપાસ કરતા દરવાજાના નકુચા તુટેલા જોયા હતાં. જેથી કેતનભાઈએ ભાઈ હસમુખને ફોન કરી ઘરમાં ચોરી થયાનું જણાવ્યું હતું.
મોટાભાઈ કેતનભાઈના ફોન આવ્યા બાદ હસમુખભાઈ તાત્કાલીક સુરતથી સાણથલી ખાતે દોડી આવ્યા હતા. તપાસ કરતા મકાનના ઓસરીના ગ્રીલનો દરવાજો તથા હુક તોડી બે રૂમના દરવાજાના નકુચા તોડીને તસ્કરો અંદર ઘુસ્યા હોય અને કબાટમાં રાખેલા મગફળી વેચાણના રૂા. 1.66 લાખ અને બચતના રૂા. 1.34 લાખ એમ કુલ રૂા. 3 લાખની ચોરી થઈ હોય જે અંગે આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરુ દબાવવા વધુ તપાસ કરી છે.