Site icon Gujarat Mirror

દ્વારકાના બરાડિયા પાસે ચાલકે કાબુ ગુમાવતા કારને અથડાઇને ટેમ્પો પલટી ગયો

ગૌવંશને બચાવવા ટેમ્પોએ આગળ જતી કારને મારી ટક્કર: ટેમ્પોમાં સવાર મુસાફરોને નાની-મોટી ઇજાઓ

દ્વારકા તાલુકાના બરાડિયા ગામ પાસે આવેલી હોનેસ્ટ હોટલ નજીક ગત સાંજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર અચાનક આવી ગયેલા ગૌવંશને બચાવવાના પ્રયાસમાં એક ટેમ્પો ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પો કાર સાથે અથડાઈને પલટી મારી ગયો હતો. આ દુર્ઘટનામાં ટેમ્પોમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

દ્વારકાથી આશરે 10 કિમી દૂર બરાડિયા પાસે ટેમ્પો નંબર GJ 02 XX 7799ના ચાલકે માર્ગ પર ઉતરી આવેલા પશુઓને બચાવવા માટે અચાનક વળાંક લીધો હતો. આ દરમિયાન ટેમ્પો આગળ જઈ રહેલી મોટર કાર નંબર GJ 11 CL 6023 સાથે પાછળથી ધડાકાભેર અથડાયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટેમ્પો રસ્તા પર જ પલટી મારી ગયો હતો.

અકસ્માત થતાં જ આસપાસના લોકો અને હોટલના કર્મચારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ટેમ્પોમાં ફસાયેલા ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢી, ખાનગી વાહનો મારફતે તાત્કાલિક દ્વારકા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર છે અને તેઓ ભયમુક્ત છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ હાઈવે પર રાત્રિના સમયે પૂરતી લાઈટની વ્યવસ્થા ન હોવાથી અંધારું રહે છે. વધુમાં, રસ્તા પર રખડતા પશુઓનો જમાવડો રહેતો હોવાથી અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે. ગત સાંજની ઘટનાને પગલે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને વાહનોને માર્ગ પરથી હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version