ગુજરાત
રાજ્યની 157 પાલિકાની તિજોરી તળિયાઝાટક, વીજબિલના પણ ફાંફાં
પાલિકાના સફાઇ કામદારથી માંડીને ચીફ ઓફિસરને ત્રણેક મહિનાથી ચૂકવાયો નથી પગાર: વિકાસના નામે દેવાળું કરી સરકાર ‘ઘી’ પીતી હોવાનો તાલ!
ચોંકાવનારા અહેવાલો દ્વારા વિગતો મળી છે કે ગુજરાતમાં અચ્છે દિનની કલ્પના કરવી મુશ્કેલ છે.
રાજયભરની આશરે 157 નગરપાલિકાની તિજોરી તળીયાઝાટક થઇ ગઇ હોવાથી સફાઇ કામદારોથી માંડીને ચીફ ઓફિસરના બબ્બે-ત્રણ-ત્રણ મહીનાથી પગાર ન થયા હોવાના આક્ષેપરૂપ ફરીયાદો ઉઠી છે. સાથો સાથ નગરપાલિકાઓને વીજબીલ ભરવાના પણ ફાંફા પડી રહ્યા છે.
કહેવાય છે કે આ વર્ષે પાલિકાના કર્મચારીઓની દિવાળી બગડી હોય તેમ વ્યાજે પૈસા લઇને દિવાળી ઉજવવી પડી છે. રાજયની અનેક નગરપાલિકાઓ પાસે લાઇટ બીલના લાખો રૂપીયા ચુકવવાના બાકી હોવાથી આવા શહેરોમાં અંધારાનું સામ્રાજય સ્થપાયુ છે. ગુજરાતના અચ્છે દિન હવે બુરે દિનમાં ફેરવાઇ ગયા હોવાનું કહેવું અનુચિત નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જાગૃતોનો આક્ષેપ છે કે, સરકારના અણધડ વહીવટની અક્ષરસ: સાબિતી જોવા મળી છે.
હાલના દિવસોમાં વિરમગામ, ધોળકા, ઈડર, પ્રાંતિજ, તલોદ, જંબુસર, ડભોઈ, બોટાદ, ગઢડા. બારેજા, બાવળા, મહેસાણા, ઉંઝા, વિજાપુર, ખેરાલુ, ખેડા, મહુધા, કઠલાલ, વઢવાણ, 1, ચોટિલા, બીલીમોરા, ગણદેવી, વલસાડ, વાપી, ઉમરગામ, હાલોલ, શહેરા, ગાંધીધામ, અંજાર, રાપર, નખત્રાણા, દ્વારકા, ભાણવડ, સલાયા, કુતિયાણા, માંગરોળ, માણાવદર, વંથલી, વિસાવદર, નગરપાલિકાના કર્મચારીઓના પગાર હજુ બાકી હોવાની વાતો, લોકચર્ચાઓ વહેતી થઇ છે. ઘણી પાલિકામાં તો જૂન-જૂલાઈથી પગાર અપાયા જ નથી. પાલિકાના ચીફ ઓફિસર, ક્લાર્કથી માંડીને સફાઈ કર્મચારીઓ પગારની રાહ જોઇને બેઠાં છે. માત્ર સરકારી કર્મચારીઓને જ નહીં, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને પણ પગાર ચૂકવાયો નથી. પોરબંદર નગરપાલિકામાં તો ત્રણ મહિના પછી પણ હજુ પગાર અપાયો નથી. ગુજરાતમાં નગરપાલિકાઓમાં કુલ મળીને 2500થી વઘુ કર્મચારીઓએ પગારની રાહ જોઈને બેઠાં છે. પાલિકાઓએ વ્યાજે લઈને કર્મચારીઓનો પગાર ચૂકવ્યો છે.
જોકે, ગુજરાતની પાલિકાઓની આ સ્થિતિ અનેક સવાલો પેદા કરે છે. જો અત્યારે જ આ હાલત છે તો બાદમાં શું થશે. વિકાસના નામે દેવાળું કરીને ઘી પીતી ગુજરાતની સરકાર કેમ આ મામલે આંખ આડા કાન કરી રહી છે. સરકાર ઓલિમ્પિકની તૈયારીઓમાં વ્યસ્ત છે, પરંતુ પાલિકાઓનો વહીવટ ખાડે ગયો છે તેની સરકારને કોઈ પડી નથી તેવા આક્ષેપો થઇ રહ્યા છે.