સિવિલમાં દર્દીને દાખલ કરવા સુધીની જવાબદારી હોસ્પિટલ તંત્રના શીરે

સૌરાષ્ટ્રની હબ ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલ અવાર નવાર ચર્ચાના ચકડોળે ચડે છે ત્યારે તાજેતરમાં જ વયોવૃધ્ધ વૃધ્ધા સિવિલ હોસ્પિટલમાં પોતાના પતિને સ્ટ્રેચરમાં બેસાડી સારવાર માટે…

સૌરાષ્ટ્રની હબ ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલ અવાર નવાર ચર્ચાના ચકડોળે ચડે છે ત્યારે તાજેતરમાં જ વયોવૃધ્ધ વૃધ્ધા સિવિલ હોસ્પિટલમાં પોતાના પતિને સ્ટ્રેચરમાં બેસાડી સારવાર માટે જઇ રહ્યા હતા. તેઓ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સફાળુ જાગ્યુ હોય તેમ દર્દી અને તેમના સગાને વધુ સુવિધા મળે તેવુ સરાહનીય પગલુ ભર્યુ છે. જેમાં દર્દીને ઇમરજન્સી સારવાર બાદ એક્સરે અને સોનોગ્રાફી સહિતના રીપોર્ટ અને વોર્ડમાં દાખલ કરવાની જવાબદારી હોસ્પિટલ તંત્રએ સ્વીકારી છે. જેના માટે ઇમરજન્સી વોર્ડ ખાતે 21 સ્ટ્રેચર અને 3 વ્હીલર સાથે પ્યુનનો સ્ટાફ વધારવામાં આવ્યો છે. હોસ્પિટલ તંત્રના સરાહનીય પગલાથી દર્દી અને સગાઓને રાહત મળશે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી દરરોજ હજારો દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. દીવાળીના પર્વને ધ્યાને લઇને સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને તાત્કાલીક અને ઉત્તમ સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ તંત્ર સજાગ બન્યુ છે. સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર નર્સીંગ સ્ટાફમાં વધારો કરી રીઝવ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે અને દવા અને મેન પાવરનો જથ્થો ઉપલબ્ધ રાખી ઇમરજન્સી બેડની મર્યાદા વધારવામાં આવી છે. આ સાથે જ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા અજાણયા અને અભણ દર્દીઓને તાત્કાલીક યોગ્ય સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા વધુ એક સરાહનીય પગલું ભરવામાં આવ્યુ છે.

જેમાં તાત્કાલીક સારવાર માટે આવતા દર્દીને ઇમરજન્સી વોર્ડમાં સારવાર બાદ એક્સરે અને સોનોગ્રાફી સહિતના રીપોર્ટ તેમજ વોર્ડમાં દાખલ કરવા સુધીની જવાબદારી હોસ્પિટલ તંત્ર દ્વારા સ્વીકારવામાં આવી છે. દર્દીઓને તાત્કાલીક અને યોગ્ય સારવાર મળી રહે તે માટે ઇમરજન્સી વોર્ડ પાસે 21 સ્ટ્રેચર અને 3 વ્હીલચેર મુકી દેવામાં આવ્યા છે અને દર્દીઓને રીપોર્ટ અને દાખલ કરવા સુધી એક પ્યુન સાથે રહેશે. જે પ્યુન જે દર્દીને લઇને જાય તેની ઇમરજન્સી વોર્ડ પાસે હેલ્પ ડેસ્ક પર નોંધ કરાવવાની રહેશે. જેના કારણે કયો કર્મચારી કયા દર્દીને કયા વોર્ડમાં લઇ ગયો અને કેટલા સમયમાં દર્દીને સારવાર મળી તે સહિતનો ડેટા એકઠો કરવામાં આવશે. હોસ્પિટલ તંત્રના સરાહનીય નિર્ણયથી સિવિલ હોસ્પિટલમાં સ્વજનની સારવાર માટે દોડધામ કરતા સગા સબંધીઓને રાહતનો શ્ર્વાસ મળશે.