ગુજરાત
રેસકોર્સ રિંગ રોડ ઉપર રેન્જરોવર સર્કલમાં ઘૂસી ગઇ
ટ્રાવેલ્સના સુપરવાઇઝર સહિતના મિત્રો આજી ડેમથી રૈયા ચોકડી જવા નીકળ્યા હતા, વહેલી સવારે કાબુ ગુમાવતા બનેલો બનાવ
શહેરના રેસકોર્સ રીંગ રોડ પર પોલીસ હેડ ક્વાર્ટર પાસે સર્કલમાં એક રેન્જરોવર કાર ઘુસી જતા સર્કલને ભારે નુકશાન થયું છે. સર્કલની દીવાલ તોડી રેન્જરોવર કાર અંદર ઘૂસી ગઇ હતી. જે મામલે પોલીસે તપાસ કરતા ઘંટેશ્ર્વર રહેતા ટ્રાવેલ્સમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા ભરવાડ યુવાન અને બે મિત્રો આજીડેમથી રૈયા ચોકડીએ જતા હતા ત્યારે વહેલી સવારે સ્ટ્રેરિંગ પરનો કાબુ ગુમાવતા આ બનાવ બન્યો હતો.
જો કે, અંદર બેઠેલા ત્રણેયને કોઇ ઇજા પહોંચી ન હતી. આ મામલે રેન્જરોવર ચલાવનાર સામે ગુનો નોંધાયો છે.
મળતી વિગતો મુજબ, શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર આજે વહેલી સવારે સવારના 5 વાગ્યને સુમારે રેન્જરોવર કાર નં. જીજે01 ડબ્લયુ પી 8775 પોલીસ હેડક્વાર્ટર પાસેના સર્કલની દીવાલ તોડીને અંદર ઘૂસી ગઇ હતી. પોલીસ કમિશનરના બંગલા પાસે બનેલા બનાવ અંગે જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના પી.આઇ. ભાર્ગવ ઝણકાટ સહિતનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, ઘંટેશ્ર્વર નજીક દ્વારકાધિશ પેટ્રોલપંપ પાસે મચ્છોનગર મફતીયાપરામાં ભગાભાઇ પાલાભાઇ ભરવાડ મકાનમાં રહેતા મુળ જામનગરના બજરંગપુરાના વતની જયરાજભાઇ ખીમજીભાઇ ચીરોડીયા અને તેના મિત્ર ભાવેશ રણમલભાઇ દાયતર તથા ઇકાબલભાઇ આ કાર લઇને જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. આ બબાતે જયરાજભાઇ ચીરોડીયાએ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ પોતે રાજકોટમાં મામા ભગાભાઇ સાથે ઘંટેશ્ર્વર રહેતા હોય અને શ્રી મારૂતિ ટ્રાવેલ્સમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે.
બનાવના વહેલી સવારે તેમની સાથે નોકરી કરતા ઇકાબલભાઇ અબ્દુલભાઇ લાખા તથા સાથે નોકરી ડ્રાઇવર તરીકે નોકરી કરતા ભાવેશભાઇ રણમલભાઇ દયાતર આજીડેમ પોલીસે આવેલી પોતાની ઓફીસે હજાર હતા ત્યારે તેમને રૈયાચોકડીએ આવેલી ઓફીસે જવાનું હોય વહેલી સવારે રેન્જરોવર કાર લઇને નીકળ્યા હતા. ત્યારે ડ્રાઇવિંગ કરતા ભાવેશભાઇ રેસકોર્ષ રીંગરોડ પર પહોંચ્યા ત્યારે પોલીસ હેડક્વાર્ટરના ગેઇટ પાસેના સર્કલ નજીક વણાંકમાં રેન્જરોવરના સ્ટ્રેરિંગ પરનો કાબુ ગુમાવતા રેન્જરોવર કાર સર્કલ ઉપર ઘુસી ગઇ હતી. જો કે, ગાડીની એરબેગ ખુલ્લી જતા કોઇને ઇજા થઇ ન હતી. આ મામલે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની ક્લમ 281 અને મોટર વાહન અધિનિયમ 184,177 મુજબ ગુનો નોંધા જરૂરી કાર્યવાહી કરી છે.