Site icon Gujarat Mirror

‘ધ કેરળ સ્ટોરી 2 : ગોઝ બિયોન્ડ’ના પોસ્ટરે દર્શકોને હચમચાવી દીધા

ફિલ્મ પ્રથમ ભાગ કરતાં વધુ ગંભીર, ડરામણી અને બેચેન કરનારી

વિપુલ અમૃતલાલ શાહની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ’નું મોશન પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. દરેક ફ્રેમમાં ડર, ગુસ્સો અને સત્યને સમાવતું આ મોશન પોસ્ટર દર્શકોને હચમચાવી રહ્યું છે. ‘ધ કેરળ સ્ટોરી’ દ્વારા કડવી અને અસ્વસ્થ કરનારી વાસ્તવિકતાને સામે લાવનાર વિપુલ અમૃતલાલ શાહ હવે તેની સિક્વલ સાથે વધુ આગળ વધવાનો દાવો કરી રહ્યા છે.

‘ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ’નું મોશન પોસ્ટર એ વાતની ઝલક આપે છે કે, ફિલ્મ પહેલા ભાગ કરતાં ક્યાંય વધુ ગંભીર, ડરામણી અને બેચેન કરનારી બનવાની છે. મોશન પોસ્ટરમાં મહિલાઓના આંસુ, ડર અને ગુસ્સાથી ભરેલા ચહેરા દેખાય છે, જે એ વાતનો સંકેત છે કે, આ ફિલ્મ છેતરપિંડી, નફરત અને માનવતા સાથે જોડાયેલી એ સત્યતાઓને ઉજાગર કરશે, જેને ઘણીવાર અવગણવામાં આવે છે. પોસ્ટરની દરેક ફ્રેમ દર્શકોના રૂૂંવાડા ઊભા કરી દે તેવી છે અને ફિલ્મમાં સામે આવનારી ભયાનક વાસ્તવિકતાની ઝલક આપે છે. નોંધનીય છે કે, ‘ધ કેરળ સ્ટોરી’ વર્ષ 2023ની મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સામેલ રહી હતી, જેણે લવ જેહાદ અને ધર્મ પરિવર્તન જેવા સંવેદનશીલ મુદ્દાઓને નિર્ભયતાથી ઉઠાવ્યા હતા. ફિલ્મે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી હતી અને બાદમાં તેને બે કેટેગરીમાં નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી.

Exit mobile version