Site icon Gujarat Mirror

અંતે પાક.ની શરણાગતિ, રવિવારે ભારત સામે કોલંબોમાં ક્રિકેટ જંગ

આઇ.સી.સી.એ શરતો ફગાવી આંખ લાલ કરતા જ પીસીબી ઝ20 વર્લ્ડ કપમાં ભારત સામે રમવા તૈયાર, ક્રિકેટ રસિયાઓમાં ભારે રોમાંચ

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ટી-20 મેચને લઈને પાકિસ્તાને કરેલા નાટકનો અંત પાકિસ્તાને જ આણ્યો છે. ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાન સરકારે ભારત સામે 15 ફેબ્રુઆરીના રોજ કોલંબો ખાતે રમાનાર ટી-20 વર્લ્ડકપનો લીગ મેચ રમવાની જાહેરાત કરી છે. આ જાહેરાતની સાથે પાકિસ્તાને થુકેલું ચાટવુ પડ્યું છે. અથવા તો આઈસીસી અને અન્ય ક્રિકેટ લોબી સામે સરણાગતિ સ્વીકારવી પડી છે. થોડા દિવસો પહેલા પાકિસ્તાનના વડાપ્રધાને બાંગ્લાદેશને સપોર્ટ કરવા માટે ભારત સામેનો લીગ મેચ રમવાની ના પાડી દીધી હતી.

પરંતુ આઈસીસીના પ્રેસર તેમજ મોટા આર્થિક નુક્શાનની બીકને કારણે અંતે પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ક્રિકેટ મહાસત્તા સામે ઘુટણિયે પડ્યું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલના પ્રતિનિધિઓ ઈમરાન ખ્વાજા અને મુબાસીર ઉસ્માની તાજેતરમાં લાહોર ખાતે પાકિસ્તાનના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ અમિન ઉલ ઈસ્લામ બુલબુલે પણ આ બેઠકમાં હાજરી આપીને પાકિસ્તાનને ભારત સામે મેચ રમવા માટે વિનંતી કરી હતી. પાકિસ્તાનને પણ મેચ ન રમવા માટે સંભવીત નાણાકીય દંડ અને અન્ય પરિણામો વીશે આ મિટિંગમાં રોકડુ પરખાવી દેવામાં આવ્યું હતું.

જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વલણમાં નરમાઈ આવી હતી. અને મેચ રમવા માટે પુન: વિચાર કરશે. તેવી વાત કરવામાં આવી હતી.ખુદ બાંગ્લાદેશે પણ પાકિસ્તાનને રમતના હિત માટે મેચ રમવા વિનંતી કરી હતી એ પછી સ્પષ્ટ થયું કે પાકિસ્તાન હવે મેચ રમશે. ઉપરાંત શ્રીલંકાના રાષ્ટ્રપતિએ પણ પાકિસ્તાનના વડાપ્રધાન સાથે ટેલિફોનીક વાતચીત કરી મેચ રમવા માટે વિનંતી કરતા અંતે પાકિસ્તાનના વડાપ્રધાને પાકિસ્તાન ક્રિકેટ ટીમને ભારત સામેનો મેચ રમવા માટે મંજુરી આપી હતી. રાજકીય વિષયને બાજુમાં મુકીએ તો આ મેચને કારણે ટી-20 વર્લ્ડકપમાં ફરી રોમાંચ આવી ગયો છે. સમગ્ર વિશ્ર્વકપ દરમિયાન ભારત અને પાકિસ્તાનનો મેચ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મોટો મેચ ગણાતો હોય છે. હવે કોલંબો ખાતે 15 ફેબ્રુઆરીએ આ મેચ રમાવા જઈ રહ્યો છે ત્યારે ક્રિકેટ રસિકોની નજર પણ આ મેચ ઉપર રહેશે.

આ નિર્ણયથી ક્રિકેટ ચાહકોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કારણ કે, ભારત-પાકિસ્તાન મેચને ક્રિકેટની સૌથી મોટી અને રોમાંચક મેચમાંથી એક માનવામાં આવે છે. આ મેચ હવે 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર.પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે નિર્ધારિત શેડ્યુલ મુજબ રમાશે. આઈસીસીની સક્રિય ભૂમિકા અને તમામ પક્ષોની સમજણ સાથે ટુર્નામેન્ટની અખંડિતતા જળવાઈ રહેશે.

આઈસીસીની ત્રણ ક્રિકેટ બોર્ડ શ્રીલંકન ક્રિકેટ, અમિરાત ક્રિકેટ બોર્ડ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પણ પાકિસ્તાનને ભારત સામેની મેચ રમવા અપીલ કરતા પાકિસ્તાનને આ મેચ રમ્યા સિવાય બીજો છુટકો પણ ન હતો. જો કે, પાકિસ્તાને મેચ રમવાના બદલામાં કેટલીક માંગણીઓ કરી હોવા છતાં એક અહેવાલ મુજબ આઈસીસીએ તેમાથી કોઈ પણ માંગણી સ્વીકારી નથી. જો કે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ચોક્કસપણે રાહત મળી છે. અને તેમની સામે કોઈ આર્થિક દંડ ફટકારવામાં નહીં આવે તેવી જાહેરાત પણ આઈસીસીએ કરી છે.

 

ઓવર ટુ કોલંબો, ફ્લાઈટ-હોટલો ફરી બુક
ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ મેચ રમાવા જઈ રહ્યો છે ત્યારે ક્રિકેટ રસિકો મેચ ઓફિશિયલ્સ તેમજ અન્ય ક્રિકેટ દેશના વડાઓને પણ અસમંજસ હતી કે શું આ મેચ રમાશે કે નહીં પાકિસ્તાને આ મેચનો બહિષ્કાર કર્યો હતો. જેને કારણે ઘણી ફ્લાઈટ અને હોટલના બુકિંગ રદ થયા હતાં. પરંતુ હવે પાકિસ્તાને આ મેચ રમવાની સહમતી આપતા ફરી એક વખત કોલંબો જતી ફ્લાઈટ અને હોટલ બુકિંગ ફુલ થઈ જશે તેવી આશા રાખવામાં આવી રહી છે. આ મેચને લઈને અનેક ભારતીય ક્રિકેટ રસીકો પણ કોલંબો જઈ રહ્યા છે. વિશ્ર્વભરની નજર આ મેચ પર હોય ટીકીટનું બુકિંગ તો પહેલાથી જ થઈ ગયું હતું. આ મેચ રમાવાથી શ્રીલંકન ક્રિકેટ બોર્ડને પણ મોટો આર્થિક ફાયદો થશે.

પાકિસ્તાન આર્થિક નુક્સાનીમાંથી બચી ગયું
પાકિસ્તાને ભારત સામેનો મેચ રમવાનો ઈન્કાર કર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઉપર આર્થિક બોઝ સહન કરવાનો સમય આવી જવાનો હતો. આઈસીસીએ કડક રૂખ અપનાવતા પાકિસ્તાનને એક સમયે રોકડુ પરખાવી દીધું હતું કે, જો પાકિસ્તાન નહીં રમે તો તેની સામે શિક્ષાત્મક પગલા પણ લઈ શકાય છે. કારણ કે, આઈસીસી ટુર્નામેન્ટમાં પાકિસ્તાને 2024માં જ સહી કરી હતી જેમાં તેમણે તમામ આઈસીસી ટુર્નામેન્ટમાં રમવું ફરજિયાત હતું. પરંતુ રમવાનો ઈન્કાર કર્યા બાદ તેની સામે આર્થિક સંકટ આવી શક્યું હોત એક અંદાજ મુજબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને 1200થી 1500 કરોડ રૂપિયાનું નુક્શાન આ મેચ ન રમ્યા હોત તો થઈ શક્યું હોત એ ઉપરાંત પાકિસ્તાનમાં મેચનું ટેલિકાસ્ટ પણ ન થાય તો તેની નુક્શાની પણ પાકિસ્તાનને જ થવાની હતી.

 

Exit mobile version