ગુજરાત
સૌરાષ્ટ્રની 300 શાળાઓની ફી વધારાની પેન્ડિંગ ફાઇલનો થશે નિકાલ
એફઆરસીના સભ્યોની પુન: નિયુક્તિ: પ્રાથમિકમાં રૂા.20 હજાર અને ઉચ્ચતર માધ્યમિકમાં રૂા.35 હજાર ફી કરવા દરખાસ્ત
રાજયમાં ખાનગી શાળાઓની ફિ નિયમન માટે સરકાર દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ચારેય ઝોનમાં ફિ નિર્ધારણ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાન પાંચ સભ્યોની ત્રણ વર્ષ માટે નિમણુંક કરાઇ હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી સભ્યોની મુદત પુર્ણ થતા ચારેય ઝોનની સમિતિ રેઢી થઇ ગઇ હતી ત્યારે સરકાર દ્વારા પુન: તમામ સભ્યોની નિમણુંક કરવામાં આવી છે.
સરકાર દ્વારા રચાયેલી ફિ નિર્ધારણ કમીટીમાં અધ્યક્ષ તરીકે નિવૃત ન્યાયધીશ શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ, શિક્ષણશાસ્ત્રી, સિવિલ એન્જિનીયર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના સભ્યો તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો અને ચારેય ઝોનમાં ફિ નિર્ધારણની જવાબદારી સોંપવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર ઝોનમાં અગિયાર જિલ્લાનો સમાવેશ થાય છે જેમાં રાજકોટ, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને જુનાગઢને આવરી લેવામાં આવ્યા છે. અગિયાર જિલ્લાના શાળા સંચાલકોની અરજીઓ અંગે વિચાર વિમર્શ કરી અને બાદમાં નિર્ણય લેવામાં આવે છે. હાલ વર્તમાનમાં એફઆરસી નહીં હોવાથી સૌરાષ્ટ્ર ઝોનની 300થી વધારે ફિ વધારાની અરજીઓ પેન્ડીંગ પડી હતી. હાલ આ તમામ અરજીનો નિકાલ થશે તેવી આશા બંધાણી છે.
ફિ વધારા બાબતે સુત્રોના જણાવ્યા મુજબ ખાનગી શાળાઓ દ્વારા ફિ નિર્ધારણ સમિતિ સમક્ષ બેઝીક ફીના માળખામાં વધારો કરવાની દરખાસ્ત કરી હતી જેમાં પ્રાથમિક શાળામાં જે લઘુતમ ફી રૂા.15 હજાર નક્કી કરવામાં આવી હતી. તેમાં બેઝીક વધારો રૂા.5000નો કરી રૂા.20000 કરવા અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જે રૂા.25000 છે તેમાં રૂા.10000નો વધારો કરી અને રૂા.35000 કરવા માટે રાજય શાળા સંચાલક મંડળ દ્વારા રજુઆત કરવામાં આવી છે અને તમામ પેન્ડીંગ અરજીનો પણ નિકાલ કરવા માટે જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર ઝોનમાં ઓકટોબર-2023માં ત્રણ સભ્યોની મુદત પુર્ણ થઇ ગઇ હતી અને અધ્યક્ષ તેમજ શિક્ષણવિદની ગત માસ તા.10 જુનથી પૂર્ણ થતા એફઆરસી બરખાસ્ત થઇ ચુકી હતી ત્યારે હવે દોઢ માસ બાદ નવી નિમણુંક થતા વાલીઓને પણ ફિમાં રાહત થવાની આશા બંધાણી છે.
ભાજપ સીએ સેલના સભ્યને કમિટિમાં મહત્ત્વનો હોદ્દો
વાલીઓને સરકાર દ્વારા નિર્ધારીત ફી નિયમન સમિતિ પાસે ઘણી આશાઓ હોય છે અને અપેક્ષા પણ હોય છે કે આ કમીટી બિન રાજકીય રીતે કાર્યરત રહે. રાજકોટ ઝોનની ફી રેગ્યુલેટરી કમીટીમાં ભાજપના સીએ સેલના સભ્ય હાર્દિક વ્યાસને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે નિમણુંક કરાતા આશ્ચર્ય સર્જાયું છે. હાલમાં ભાજપના હોદા પર રહેલ વ્યકિત જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલ અગત્યની કમીટીમાં ભૂમિકા ભજવે ત્યારે વાલીઓમાં પણ આ બાબતે શાળાઓની ફી નકકી કરવામાં રાજકારણ ન થાય તો સારૂં તેવી લાગણી ઉઠી છે.
રાજકોટ ઝોન
ક્રમ નામ હોદ્દો
1 પી. જે. અગ્રાવત અધ્યક્ષ અને નિવૃત્ત ડિસ્ટ્રીકટ જજ
2 પ્રભુભાઈ કરશનભાઈ સિંધવ સભ્ય અને શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ
3 મુકુંદરાય ચંદુલાલ મહેતા સભ્ય અને શિક્ષણશાસ્ત્રી
4 પ્રવિણભાઈ એલ. વસાનીયા સભ્ય અને સિવિલ એન્જીનીયર
5 હાર્દિક હર્ષદભાઈ વ્યાસ સભ્ય અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ