Site icon Gujarat Mirror

પુષ્ટિ નવ વિલાસ રાસોત્સવના આયોજકને ગ્રાઉન્ડમાં જ હાર્ટએટેક આવી જતાં મોત

બાલાજી હોલ પાસેની ઘટના; ગરબાની તૈયારી કરતાં હતાં ને કાળનું તેડું

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો છે. દરરોજ હૃદયરોગના હુમલાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક કરૂણાંતિકા સર્જતી ઘટના સામે આવી છે. જેમાં નાનામવા મેઈન રોડ પર આવેલા રામપાર્કમાં રહેતાં અને બાલાજી હોલ પાસે ગરબા ગ્રાઉન્ડમાં વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિ નવ વિલાસ રાસોત્સવના રાસ ગરબાની આયોજક કમિટીના સભ્ય રાત્રીના સમયે ગરબા ગ્રાઉન્ડે તૈયારી કરતાં હતાં તે દરમિયાન હૃદયરોગનો હુમલો આવતાં મોત નિપજ્યું હતું. આધેડના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં નાનામવા મેઈન રોડ પર આવેલા રામપાર્ક-15માં રહેતાં નિતીનભાઈ હંસરાજભાઈ કાકડીયા નામના 50 વર્ષના આધેડ રાત્રીનાં દસેક વાગ્યાના અરસામાં બાલાજી હોલ નજીક એપલ અલ્ટ્રા બિલ્ડીંગની બાજુમાં આવેલા ગરબા ગ્રાઉન્ડમાં હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. આધેડને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિતીનભાઈ કાકડીયાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક નિતીનભાઈ કાકડીયા સોની બજારમાં ઓફિસ ધરાવતાં હતાં અને એકાઉન્ટનું કામ કરતાં હતાં. નિતીનભાઈ કાકડીયા ત્રણ બહેનોના એકના એક ભાઈ હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બાલાજી હોલ પાસે વૈશ્ણવ સંપ્રદાયના પુષ્ટિ નવ વિલાસ રાસોત્સવની કમિટીના સભ્ય હતાં અને જ્યાં રાસોત્સવ યોજાવાનો હતો ત્યાં ગ્રાઉન્ડમાં ચાલતી તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે ગયા હતાં અને તૈયારીઓ કરતાં હતાં તે સમયે આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version