હોટલમાં ચાલતા સ્પામાં પોલીસે દરોડો પાડતા સંચાલકે ચોથા માળેથી કૂદકો માર્યો

સુરતમાં બનેલી ચોંકાવનારી ઘટના, હોટલ માલિકનું મોત સુરતના વેસુ વિસ્તારમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે સુરતના આર.એસ. હેરિટેજ…

સુરતમાં બનેલી ચોંકાવનારી ઘટના, હોટલ માલિકનું મોત

સુરતના વેસુ વિસ્તારમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે સુરતના આર.એસ. હેરિટેજ ઓયો હોટેલમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસની હાજરીથી ગભરાયેલા હોટેલ સંચાલક રાજેશ રઘુવરસિંહ (ઉંમર 42)એ બિલ્ડિંગના ચોથા માળેથી નીચે છલાંગ લગાવી દેતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

મૂળ હરિયાણાના વતની અને હાલ સુરતના મગદલ્લા ગામમાં રહેતા રાજેશ રઘુવરસિંહ હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ઘટનાને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત રાજેશને મૈત્રી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અઠવા પોલીસ મથકના પીઆઇ એમ.બી. શેરગિલના જણાવ્યા અનુસાર, પોલીસને વેસુના સફલ સ્ક્વેર વિસ્તારમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસ દ્વારા એક કર્મચારીને ડમી ગ્રાહક બનાવી હોટેલની ઓફિસમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં ગ્રાહક પાસેથી રૂૂ. 9,000 લેવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

પોલીસ તપાસમાં દેહવ્યાપાર સાથે સંકળાયેલી યુવતી મૂળ કોલકાતાની હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં, ગ્રાહક પાસેથી વસૂલવામાં આવતા રૂૂ. 9,000માંથી યુવતીને માત્ર રૂૂ. 2,500 આપવામાં આવતા હોવાનો પણ પોલીસનો દાવો છે.

હોટેલ સંચાલકના મોત બાદ ઉમરા પોલીસ દ્વારા અકસ્માતે મોત અંગેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના પરિવારમાં આગામી દિવસોમાં લગ્ન પ્રસંગ હોવાનું પણ સામે આવ્યું છે. આ સંજોગોમાં કોઈ માનસિક તણાવ હતો કે અન્ય કોઈ કારણસર તેમણે આ પગલું ભર્યું હતું તે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
હાલ મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની વધુ તપાસ બાદ ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.