ગુજરાત રાજ્ય કેબિનેટ બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટને લઈને ચર્ચા થઈ છે. જે અંગે મળતી માહિતી મુજબ, ગત વખતે દિલ્હીમાં યોજાયેલી જ આંતરરાષ્ટ્રીય BRICS દેશોની હાઇ-લેવલ બેઠક આ વખતે ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. આગામી 11 અને 12 મેના રોજ ગાંધીનગરના લીલા હોટેલમાં આ આંતરરાષ્ટ્રીય સમિટ યોજાશે, જેમાં 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે, જેને લઈને સુરક્ષા અને પ્રોટોકોલને લઈને તંત્ર એલર્ટ પર છે.
આ બેઠકનું મહત્વ એટલા માટે પણ વધે છે કારણ કે ગયા વખતે દિલ્હીમાં BRICSના પ્રતિનિધિઓ ભેગા થયા હતા, જ્યાં “યુથ સબ-ગ્રુપ” પર ખાસ ફોકસ સાથે ચર્ચા થઈ હતી. યુવાનોને ગ્લોબલ પોલિસી મેકિંગમાં કેવી રીતે જોડવા અને નવી જનરેશનને BRICS સાથે કેવી રીતે કનેક્ટ કરવી – તે મુદ્દાઓ આગળ આવ્યા હતા. હવે પ્રશ્ન એ છે કે ગાંધીનગર બેઠકમાં શું નવું આવશે? સૂત્રો માને છે કે આ વખતની બેઠક માત્ર ચર્ચા સુધી સીમિત નહીં રહે, પરંતુ “પોલિસી ડાયરેક્શન” આપતી બની શકે છે. ખાસ કરીને BRICS ગઠબંધન હાલમાં જે પડકારોનો સામનો કરી રહ્યું છે, તે ધ્યાનમાં લેતા આ બેઠક નિર્ણાયક બની શકે છે.
BRICS પાસે કાયમી સચિવાલયનો અભાવ છે, જેના કારણે નિર્ણય પ્રક્રિયા ધીમી પડે છે. ઉપરાંત, નવા સભ્યો જોડાતા આંતરિક મતભેદો વધ્યા છે – કેટલાક દેશો પશ્ચિમ સાથે નજીક છે, જ્યારે કેટલાક તેના વિરોધમાં છે. આ વિરોધાભાસો ગઠબંધનની એકતા પર સીધી અસર કરે છે. આર્થિક મોરચે પણ સ્થિતિ મજબૂત નથી.
ચીનની વૃદ્ધિ એક પડકાર, રશિયા પરના પ્રતિબંધો અને વૈશ્વિક અનિશ્ચિતતા BRICSની અસરકારકતાને અસર કરે છે. વિશ્વ વેપારમાં નોંધપાત્ર હિસ્સો હોવા છતાં સભ્યો વચ્ચેનો આંતરિક વેપાર હજુ ખૂબ ઓછો છે.
આ પરિસ્થિતિમાં ગાંધીનગર બેઠકમાં કેટલીક મહત્વપૂર્ણ દિશામાં આગળ વધવાની શક્યતા છે. તેમાં કાયમી સચિવાલયની રચના, નાણાકીય એકીકરણ, વૈકલ્પિક ફાઇનાન્શિયલ સિસ્ટમ, અને સભ્યો વચ્ચે વેપાર વધારવા માટેના પગલાં જેવા મુદ્દાઓ ચર્ચામાં આવી શકે છે. સાથે સાથે યુથ સબ-ગ્રુપને વધુ સ્ટ્રક્ચર્ડ બનાવવાનો પ્રયાસ પણ થઈ શકે છે. રાજકીય રીતે પણ આ બેઠક ભારત માટે મહત્વપૂર્ણ છે. 2026ના અધ્યક્ષપદ પહેલાં ભારત BRICSમાં પોતાની ભૂમિકા વધુ મજબૂત કરવા માટે આ મંચનો ઉપયોગ કરી શકે છે. દિલ્હી બાદ હવે ગાંધીનગર – BRICS માટે માત્ર સ્થળ બદલાવ નહીં, પણ દિશા બદલાવનું સંકેત માનવામાં આવી રહ્યું છે.
