આણંદમાં કોંગ્રેસના વિજય સરઘસ ઉપર હારેલા ઉમેદવારનો પથ્થરમારો

આખો પરિવાર તુટી પડયો, ત્રણ કાર્યકરો લોહીલોહાણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ આણંદ શહેરમાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે. આણંદના વોર્ડ નંબર 4 માં…

આખો પરિવાર તુટી પડયો, ત્રણ કાર્યકરો લોહીલોહાણ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ આણંદ શહેરમાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે. આણંદના વોર્ડ નંબર 4 માં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતા નીકળેલા વિજય સરઘસ પર હરીફ ઉમેદવારના પરિવારે જીવલેણ હુમલો કર્યો હતો. ચૂંટણીમાં હાર પચાવી ન શકવાના કારણે થયેલી આ અદાવતમાં લોહીયાળ ખેલ ખેલાયો હતો.

મળતી વિગતો મુજબ, વોર્ડ નંબર 4 માં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર થતા તેમના સમર્થકો અને પરિવારજનો વિજય સરઘસ કાઢીને જઈ રહ્યા હતા. આ દરમિયાન હારી ગયેલા પ્રતિસ્પર્ધી ઉમેદવારના પરિવારે અચાનક હુમલો કરી દીધો હતો.

આ હુમલામાં પથ્થરમારો અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવતા વિજેતા ઉમેદવારની પત્ની સહિત અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસને જાણ થતા જ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં પોલીસે હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂૂ કરી છે. ચૂંટણીના શાંતિપૂર્ણ માહોલમાં આ હિંસક ઘટનાએ ચર્ચા જગાવી છે.