રાજકોટને હાઈકોર્ટની બેંચ માટેનું આંદોલન અચાનક ઉગ્ર બન્યું, સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોએ હડતાળ પાડી ફૂંકયું રણશિંગુ

રાજકોટને હાઈકોર્ટની બેંચ મળે તે માટેની વર્ષો જુની માંગને લઈને સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોએ ફરી રણશિંગુ ફુંકયું હોય તેમ ત્રણ દિવસ પૂર્વે રાજકોટ ખાતે મળેલી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકોમાં…

રાજકોટને હાઈકોર્ટની બેંચ મળે તે માટેની વર્ષો જુની માંગને લઈને સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોએ ફરી રણશિંગુ ફુંકયું હોય તેમ ત્રણ દિવસ પૂર્વે રાજકોટ ખાતે મળેલી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકોમાં હાઈકોર્ટની બેંચની માંગ સાથે આંદોલન અચાનક ઉગ્ર બન્યું હોય તેમ સૌરાષ્ટ્ર-કચ્છનાં વકીલો દ્વારા આજે સામુહિક હડતાલ પાડી કોર્ટ કાર્યવાહીથી અડગા રહ્યા હતાં અને જિલ્લા તાલુકા કક્ષાએ કલેકટર, ડેપ્યુટી કલેકટર અને મામલતદાર સહિતનાં ઉચ્ચ અધિકારીઓને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

રાજકોટમાં હાઈકોર્ટની બેંચ સ્થાપવા વર્ષો જુની માંગણીને પુન:વેગ આપવા ગત શનિવારે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોની મહત્વની બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છનાં જિલ્લા તાલુકાના બાર એસોસીએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં. જે મહાસંમેલનમાં રાજકોટને હાઈકોર્ટની બેંચ અપાવવા એકત્ર થઈ લડત આપવા એકતા દર્શાવવામાં આવી હતી અને સૌરાષ્ટ્ર-કચ્છ તમામ જિલ્લા તાલુકા લેવલે કમીટીઓની રચના કરી આગામી સમયમાં આકરા વલણ સાથે રજૂઆત કરી આંદોલન થકી હાઈકોર્ટ બેંચ માટે લડતના શ્રીગણેશ કરવામાં આવ્યા હતાં. જે મહાસંમેલનમાં સર્વાનુમતે સૌરાષ્ટ્ર-કચ્છનાં તમામ વકીલો દ્વારા તા.29ને બુધવારનાં રોજ હડતાલ કરી કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

જે ઠરાવના પગલે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા તાલુકા મંથકના બાર એસોસીએશન દ્વારા કોર્ટ કાર્યવાહીથી અળગા રહી હડતાલ પાડવામાં આવી હતી અને વકીલો દ્વારા પૂર્ણ ડ્રેસ કોર્ડમાં જિલ્લા તાલુકા લેવલે કલેકટર, ડેપ્યુટી કલેકટર અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓને હાઈકોર્ટની માંગ સાથે આવેદનપત્ર આવ્યો હતો. બાર એસોસીએશને તમામ કોર્ટના નિયાયધીશોને પણ અપીલ કરી છે કે વકીલોની ગેરહાજરીમાં પક્ષકારોને નુકસાન થાય તેવા હુકમો ન ફરમાવવા અને કેસની યથાવત સ્થિતિ જાળવી રાખવા અપીલ કરી છે.
રાજકોટ બાર એસોસીએશન દ્વારા કરાયેલા ઠરાવને પગલે રાજકોટના વકીલો દ્વારા આજે હડતાલ પાડવામાં આવી હતી અને કોર્ટ કાર્યવાહીથી વકીલો અળગા રહ્યા હતાં.

બાર એસોસીએશનના હોદ્દેદારો સહિત સિનિયર જુનિયર વકીલો દ્વારા રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવી હાઈકોર્ટની બેંચ રાજકોટમાં સ્થાપવા રજૂઆત કરવામાં આવી હતી. આ તકે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલ, બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ પરેશભાઈ મારૂ, બાર એસોસીએશનના પ્રમુખ સુમીતભાઈ વોરા, ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી નિલેષભાઈ પટેલ, જયેન્દ્રભાઈ ગોંડલીયા, કલેઈમ બાર એસોસીએશનના પ્રમુખ નિકુંજ શુકલ, કલેઈમ બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ મહેતા, ગોપાલભાઈ ત્રિવેદી, અશોકસિંહ વાઘેલા, વિજયભાઈ રૈયાણી, પ્રગતિબેન માકડીયા, હિરલબેન જોષી, સમીરભાઈ ખીરા, કેતન મંડ સહિતના સિનિયર-જુનિયર વકીલો ઉપસ્થિત રહ્યા હતાં.

આગામી સમયમાં વિવિધ કાર્યક્રમો અને રજૂઆતોનું આયોજન

રાજકોટને હાઈકોર્ટની બેંચ અપાવવા સૌરાષ્ટ્ર-કચ્છના વકીલો દ્વારા પુન: લડતના મંડાણ માંડયા છે ત્યારે આજે સૌરાષ્ટ્ર-કચ્છના વકીલો દ્વારા એક દિવસીય હડતાલ પાડી જિલ્લા તાલુકા લેવલે આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતાં ત્યારે હાઈકોર્ટની બેંચની વર્ષો જુની માંગણી સંતોષવા સૌરાષ્ટ્ર-કચ્છનાં વકીલોની ન્યાયીક લડતને ઘર ઘર સુધી પહોંચાડવા માટે આગામી દિવસોમાં પ્રજાને જાગૃત કરવાના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે અને હાઈકોર્ટની બેંચ અંગે તમામ વિસ્તારનાં ધારાસભ્યો, સાંસદ સભ્યો, મેયર જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મંડળ તેમજ સામાજિક સંસ્થાઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે. તેવું વકીલોના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.