રાષ્ટ્રીય
વંદે ભારતને લીલી ઝંડી આપતા સમયે ટ્રેક પર પડ્યા ધારાસભ્ય
કાર્યકરો- અધિકારીઓએ દેકારો મચાવતા માંડ બચ્યા, ઇટાવા સ્ટેશનની ઘટના
ઈટાવામાં સોમવારે સાંજે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડવાના ચક્કરમાં ધારાસભ્ય સરિતા ભદૌરિયા ટ્રેનની આગળ જ રેલવે ટ્રેક પર પડી ગયાં. તેઓ રેલવે ટ્રેક પર પડતાં જ ભારે અફરાતફરી જોવા મળી. ટ્રેને પણ હોર્ન વગાડી દીધું હતું પરંતુ કાર્યકર્તાઓ અને અધિકારીઓએ દેકારો કરતા ટ્રેન આગળ વધી ન હતી અને ધારાસભ્ય માંડ માંડ બચ્યાં. ટ્રેન આગ્રાથી વારાણસી માટે જતી વખતે પહેલી વખત ઈટાવામાં રોકાઈ હતી.
અહીંથી ધારાસભ્ય સહિત તમામ જનપ્રતિનિધિ અને અધિકારી સ્ટેશન પર એકઠાં થયા હતા અને ટ્રેનના સ્વાગત કર્યા બાદ ટ્રેનને વારાણસી માટે રવાના કરાઈ હતી. ગગનભેદી નારાઓ સાથે ટ્રેનનું સ્વાગત કરાયું.
થોડી મિનિટ રોકાયા બાદ ટ્રેનને કાનપુર માટે રવાના થવાની હતી. એવામાં ત્યાંથી પણ જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ ટ્રેનને ગ્રીન સિગ્નલ આપવા માટે બોલાવવામાં આવ્યા હતા.
ટ્રેનની રવાનગીનો સમય થયો ત્યારે ધારાસભ્ય સરિતા ભદૌરિયા સહિત તમામ લોકો લીલી ઝંડી લઈને ટ્રેનની આગળ ઊભાં હતાં. ત્યારે ટ્રેન ચાલે તે પહેલાં જ અચાનક જ પાછળથી ધક્કો વાગતા ધારાસભ્ય સરિત ભદૌરિયા ટ્રેનની આગળ ટ્રેક પર પડી ગયાં હતાં. જેવાં જ તેઓ પડ્યા ત્યારે ટ્રેને પણ હોર્ન મારીને આગળ ચાલવાનો ઈશારો કર્યો. જો કે સદનસીબે ત્યારે ત્યાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને અધિકારીઓ ત્યાં ઊભા હતા અને એન્જિનના કાચ પર હાથ થપથપાવતા ગાડી ન ચલાવવાનો ઈશારો કર્યો. જે બાદ કેટલાંક લોકો રેલવે ટ્રેક પર કૂદી પડ્યાં અને ધારાસભ્યને પકડીને તેમણે ફરી પ્લેટફોર્મ પર ચઢાવ્યા, જે બાદ ટ્રેન રવાના થઈ હતી.