આશારામબાપુના ટીકાકાર હોવાની શંકાએ ડોકટરની હત્યા કરનાર સૂત્રધાર જામીન મુક્ત

રાજકોટમાં 2014ની સાલમાં આશારામ બાપુના વિરોધી અને ટીકાકાર હોવાની શંકાથી સામાકાંઠા વિસ્તારમાં એક ક્લિનિકમાં સેવા આપી રહેલા ડો. અમૃત પ્રજાપતિ ઉપર ફાયરિંગ કરીને થયેલી હત્યાનું…

રાજકોટમાં 2014ની સાલમાં આશારામ બાપુના વિરોધી અને ટીકાકાર હોવાની શંકાથી સામાકાંઠા વિસ્તારમાં એક ક્લિનિકમાં સેવા આપી રહેલા ડો. અમૃત પ્રજાપતિ ઉપર ફાયરિંગ કરીને થયેલી હત્યાનું કાવતરું ઘડનાર તરીકે પકડાયેલા મુખ્ય આરોપી કિશોર બોડકેની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે.

આ અંગે સુધીરભાઈ નિરંજનભાઇ પંડ્યા ( રહે. રણછોડ નગર રાજકોટ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, અમદાવાદ ઓઢવ વિસ્તારના પંચકર્મ ચિકિત્સક વેદરાજ અમૃતભાઈ પ્રજાપતિ અઠવાડિયામાં એક દિવસ રણછોડનગરની પોતાની ક્લિનિકમાં આયુર્વેદ ક્ધસલ્ટન્સી કરતા હતા. જે દરમિયાન અગાઉ આશારામ બાપુના સેવક ઉપરાંત ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ હતા, તેમાં કોઈ બાબતે વાંધો પડતા ડો. અમૃતભાઈ પ્રજાપતિ મીડિયામાં આશારામ બાપુની વિરુદ્ધમાં ઇન્ટરવ્યૂ આપતા હોય તે બાબતનો ખાર રાખીને ગત તા.23/ 5/ 2014ના રોજ સવારે રણછોડનગરના ક્લિનિકમાં દર્દીને બતાવવાના બહાને ઘૂસી જઇ અજાણ્યા શખસે ખિસ્સામાંથી રિવોલ્વર કાઢીને ડો. અમૃતભાઈ પ્રજાપતિ ઉપર ફાયરિંગ કરતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક કારમાં સારવાર માટે સરકારી બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ડો. પ્રજાપતિને મોઢે દાઢીના ભાગે ગોળી વાગી હોય બોલી શકતા ન હતા, તેથી સુધીરભાઈએ ફાયરિંગ કરનારના વર્ણન સાથે ફરિયાદ નોંધાવી હતી.

ત્યારબાદ સારવાર દરમ્યાન ડો. અમૃત પ્રજાપતિનું મૃત્યુ થતાં પોલીસે ફરીયાદમાં હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો. સાથે પોલીસે તપાસ હાથ ધરતા બસવરાજ ઉર્ફે વસુ અવન્તા તિલ્લોલી, કિશોર બાલકૃષ્ણ બોડકે, મનોજ ઉર્ફે મની ઉર્ફે સુર્યા, અંકિત ઉર્ફે સુરજ રામસાગર, ગોળીબાર કરનાર તરીકે કાર્તિક ઉર્ફે કાર્તિક બંગાળી ઉર્ફે રાજુ દુલાલચંદ વિનક્રિષ્ન હલદર અને સંજીવ ઉર્ફે સંજય પંજાબી ઉર્ફે સંજુ કિશન કિશોર વૈદ્યના નામ ખુલતા તપાસના અંતે પોલીસે તમામ આરોપીઓ વિરૂૂધ્ધ ઈ.પી.કો. કલમ-302, 120બી તથા આર્મ્સ એકટ-25 (1-બી)એ, 27 તથા જી. પી.એકટ-135(1) મુજબ કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું. જે ચાર્જશીટમાં પોલીસે આરોપી કિશોર બોડકેને મુખ્ય કાવતરાખોર આરોપી તરીકે નાસતા ભાગતા તરીકે દર્શાવેલ. દરમિયાન આરોપી કિશોર બોડકે પકડાઇ ગયા બાદ જેલ હવાલે થયો હતો. ચાર્જશીટ રજુ થઈ જતા આરોપી કિશોર બાલકૃષ્ણ બોડકેએ તેમના એડવોકેટ મારફતે સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલી જતા બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો ધ્યાને લઇ રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા આરોપી કિશોર બાલકૃષ્ણ બોડકેની જામીન અરજી મંજુર કરવામાં આવી છે.

આ કેસમાં આરોપીઓ વતી અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં એડવોકેટ અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, અમૃત ભારદ્વાજ, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત, કૃણાલ દવે, દિશા ફળદુ અને મિહિર શુકલ રોકાયા હતા.