થાનગઢ-મૂળી-સાયલામાં ફરી ધમધમવા લાગ્યો કાર્બોસેલનો કાળો કારોબાર

એક તરફ કોલસાની અછતને પગલે વીજકાપ જેવી સ્થિતિ સર્જાઈ રહી હોવાની ચર્ચા છે, ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, સાયલા, મૂળી પંથકમાં પેટાળમાંથી કથિત રીતે…

એક તરફ કોલસાની અછતને પગલે વીજકાપ જેવી સ્થિતિ સર્જાઈ રહી હોવાની ચર્ચા છે, ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, સાયલા, મૂળી પંથકમાં પેટાળમાંથી કથિત રીતે ગેરકાયદે કાર્બોસેલ તેમજ ચોટીલા પંથકમાં માટી મોરમ, પથ્થર, બેલા અને રેતી કાઢી તેનું અન્ય રાજ્યો સુધી સપ્લાય કરવામાં આવતું હોવાના આક્ષેપોએ ખળભળાટ મચાવ્યો છે. થાન, મૂળી, સાયલા પંથકમાંથી નીકળતો કાર્બોસેલનો જથ્થો ગુજરાતની સરહદ વટાવી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી પહોંચતો હોવાની ચર્ચાએ ખનિજ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

થાનગઢ વિસ્તારમાં કાર્બોસેલના કથિત ગેરકાયદે કારોબારને લઈને અગાઉ પણ સવાલો ઊઠતા રહ્યા છે. તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાની બદલી બાદ આ પ્રવૃત્તિ ફરી વેગ પકડી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જો આક્ષેપોમાં તથ્ય હોય, તો ખનિજ સંપત્તિની સુરક્ષા અને ગેરકાયદે ખનન અટકાવવાની જવાબદારી સંભાળતા તંત્રની કામગીરીની ઉચ્ચ કક્ષાએ સમીક્ષા અનિવાર્ય બને છે.

કાર્બોસેલનો કથિત ગેરકાયદે જથ્થો માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી પહોંચતો હોવાના દાવાઓ સામે આવ્યા છે. જો આ સપ્લાય નેટવર્કની પુષ્ટિ થાય, તો ખનિજની ચોરી, પરિવહન અને વેચાણ સાથે સંકળાયેલી સમગ્ર સાંકળની તપાસ જરૂૂરી બની શકે છે. જથ્થો ક્યાંથી કાઢવામાં આવે છે, કોના મારફતે તેનું પરિવહન થાય છે અને અંતે કોને સપ્લાય કરવામાં આવે છે, તે તપાસનો મુખ્ય વિષય બનવો જોઈએ.

થાનગઢ પંથકમાં કથિત ગેરકાયદે ખનન અને કાર્બોસેલના પરિવહન અંગે ઊઠતા સવાલો વચ્ચે સ્થાનિક વહીવટી તંત્ર અને ખનિજ વિભાગની દેખરેખ કેટલી અસરકારક છે તે મુદ્દો ચર્ચામાં છે. જો મોટા પાયે ગેરકાયદે ખનન થઈ રહ્યું હોય અને જથ્થો અન્ય રાજ્યો સુધી પહોંચતો હોય, તો તપાસ અને નિયંત્રણની વ્યવસ્થામાં ક્યાં ખામી રહી છે તે સ્પષ્ટ થવું જોઈએ.

ચોટીલા સબ ડીવીઝનનાં નવા આવેલા પ્રાત અધિકારી ચાર્જ સંભાળી ગે. કા ખનીજ ખનન કરનારા તત્વો સામે દોડધામ આદરી છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી પ્રેમસુખ ડેલુ પણ કડકાઈ રાખતા હોવાનું કહેવાય છે. તેમ છતા ચોટીલા પ્રાત એચ. ટી. મકવાણા ની બદલી બાદ પરિસ્થિતિમાં ઘણો બદલાવ આવેલ છે. જમીનના પેટાળમાં રહેલી ખનિજ સંપત્તિના કથિત ગેરકાયદે ઉત્ખનનના આક્ષેપો ગંભીર પ્રશ્ન ઊભા કરે છે. કુદરતી સંપત્તિનું ગેરકાયદે ઉત્ખનન માત્ર સરકારી આવકને નુકસાન પહોંચાડવાનો મુદ્દો નથી, પરંતુ પર્યાવરણ અને જમીનની સુરક્ષા સાથે પણ જોડાયેલો છે.મોડી રાત્રીના ખનન અને હેરફેર શરૂૂ થયેલ છે.

ગેર કાયદેસર વિસ્ફોટક પદાર્થ અને ખનીજ ખનન પકડાય છે. ત્યારે અનેક વિભાગમાં કેટલાક સિન્ડિકેટ માઇન્ડેડ લોકોની ગોઠવાયેલ ચેનલ થકી ડબલ ગેઈમ ચાલુ થઈ ગયેલ હોવાની અને આવા લોકો ને કારણે ખનીજ માફિયાઓ ફરી આ પંથકમાં માથું ઊચકી મલાઇદાર કમાણીનો ભંડાર એવા કુદરતી ખનીજ સંપદાને ઉસેડવાનો આરંભ કરી દિધો હોવાની પણ ચર્ચા ઉઠી.

હવે તપાસ અને જવાબદારી નક્કી કરવાની જરૂર
સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલ સહિતની ખનીજ સપંદાઓના કથિત ગેરકાયદે ઉત્ખનન અને આંતરરાજ્ય સપ્લાય અંગેના આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ખાણ ખનિજ સહિતનાં વિભાગે સ્થળ તપાસ, ઉત્ખનનના પરવાના, પરિવહન સંબંધિત રૂૂટો અને દસ્તાવેજો અને સપ્લાયની કડીઓની સઘન ચકાસણી કરવી જરૂૂરી છે. સાથે જ, ગેરકાયદે પ્રવૃત્તિ ઝડપાય તો જે તે વિસ્તારના અને સ્થાનિક સ્તરે જવાબદાર વિભાગના અધિકારી અને કર્મચારીઓની જવાબદારી ફિકસ કરી તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને કથિત કાર્બોસેલના કાળા કારોબારનો ફરી ધમધમાટ શરૂૂ થયો છે તેની પાછળ કોઈ ડબલ ગેઈમ કરનારાઓની સંડોવણી છે કે કેમ તેની ઉચ્ચ કક્ષાએ ખાનગીમાં સઘન તપાસ હાથ ધરાય તેવી માંગ ઉઠી છે.