Site icon Gujarat Mirror

કોમનવેલ્થ માટે તૈયાર કરાતા મેદાન ઈવેન્ટ-એકસપો-કોન્સર્ટ માટે વાપરી શકાશે

સ્પોટર્સ ઈન્ફ્રાસ્ટ્રકચરને ‘વિશેષ કોન્સર્ટ અને એકસપો પોલિસી’ હેઠળ આવરી લેવાશે, આગામી દશ વર્ષમાં અમદાવાદને ટોપ ઈવેન્ટ સિટી તરીકે ડેવલોપ કરવા સરકારની તૈયારી

અમદાવાદ: કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદમાં વિકસાવવામાં આવી રહેલા રમતગમતના માળખાને ગેમ્સ પછી પણ સતત જીવંત રાખવા માટે રાજ્ય સરકાર એક વિશેષ કોન્સર્ટ અને એક્સપો પોલિસી તૈયાર કરી રહી છે. આ પોલિસીમાં કોન્સર્ટ, વેડિંગ અને વિવિધ પ્રકારના એક્સપોનો સમાવેશ કરવામાં આવશે.
ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીએ મંગળવારે FICCI નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી મીટિંગના ઇન્ડસ્ટ્રી ઇન્ટરેક્ટિવ સેશનમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, “અમદાવાદને આગામી દસ વર્ષમાં દેશનું ટોચનું ઇવેન્ટ સિટી બનાવવાનું લક્ષ્ય છે.”

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ ત્રણ નવા સ્ટેડિયમ વિકસાવવામાં આવી રહ્યા છે કરાઈમાં એક, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એક અને શહેરના અલગ-ઢ્ઢલગ વિસ્તારોમાં અન્ય સ્પોર્ટ્સ સેન્ટરો. ડેપ્યુટી સીએમે ભાર મૂકીને કહ્યું કે, “રમતગમતનું માળખું ત્યારે જ ટકાઉ બનશે જ્યારે તે વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ ઉપયોગમાં આવશે.”

સરકારનું આયોજન છે કે નવા વેન્યુઓને કોન્સર્ટ, વિવિધ એક્સપો ફોર્મેટ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પૂર્ણ ક્ષમતાએ ચલાવવામાં આવે. આ માટે સ્ટેડિયમ પ્રિસિન્ક્ટમાં હોસ્પિટાલિટી માટે પ્લોટ્સ આરક્ષિત કરવામાં આવ્યા છે. હોટેલ પોલિસી પણ થોડા દિવસમાં જાહેર કરવામાં આવશે. આ પગલાંથી કોમનવેલ્થ ગેમ્સ પછી પણ અમદાવાદમાં મોટા પાયે ઇવેન્ટ્સનું આયોજન થઈ શકશે અને રમતગમતના માળખાનો લાંબા ગાળાનો ઉપયોગ સુનિશ્ચિત થશે. ગુજરાત સરકારનું માનવું છે કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર ગેમ્સ માટે જ નહીં, પરંતુ શહેરના વિકાસ અને પર્યટનને પણ વેગ આપશે. આ ઘોષણા સાથે ગુજરાતના સનરાઇઝ સેક્ટર્સ જેવા કે ડેટા સેન્ટર, સેમિક્ધડક્ટર, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ વગેરે પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. FICCI ના પ્રમુખ અનંત ગોએંકા અને અન્ય ઉદ્યોગપતિઓએ પણ ગુજરાતના વિકાસની પ્રશંસા કરી હતી. આ પોલિસી અને હોટેલ પ્લાન સાથે અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સ પછી પણ વૈશ્વિક ઇવેન્ટ હબ તરીકે ઉભરી આવે તેવી આશા છે.

Exit mobile version