દૂઘેશ્વર મંદિર પાસે આવેલા સંજયનગર હોકર્સ ઝોનના ગરીબ ધંધાર્થીઓને જાણ કર્યા વગર મનપાની ટીમ બુલડોઝર લઇને ધસી આવતા ધંધાર્થીઓમાં દેકારો, ટોળું મનપા કચેરીએ પહોંચ્યું
રાજકોટના જ્યુબિલી શાકમાર્કેટ અને લાખાજીરાજ શાકમાર્કેટ બાદ હવે શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર દૂધેશ્વર મહાદેવ મંદિર પાસે ધરાહર માર્કેટ તરીકે ઓળખાતા સંજયનગર હોકર્સ ઝોનમાં પણ ગરીબ ધંધાર્થીઓને કોઇપણ પ્રકારની આગોતરી જાણ અને વૈકલ્પિક જગ્યા આપ્યા વગર જ હોકર્સ ઝોન ખાલી કરાવવામા આવતા ગરીબ ધંધાર્થીઓના પેટ પર પાટુ મારવાની નીતિ મનપાએ દાખવી હોવાનો આક્રોષ ધંધાર્થીઓમાં ફાટી નીકળ્યો છે.
સંજયનગર હોકર્સ ઝોનમાં શાકભાજી, ફ્રુટ, કટલેરી, અન્ય ઘરવપરાશની વસ્તુ સહિતનું વેપાર કરતા 270થી વધુ નાના ધંધાર્થીઓ રોજીરોટી કમાય છે. હોકર્સ ઝોન નવેસરથી બનાવવાનું કારણ આપીને જગ્યા ખાલી કરાવવામા આવી રહી છે. બીજીબાજુ રોજીરોટી કમાવવા ક્યા જવુ? રોડ પર ઉભા રહે તો જગ્યા રોકાણ શાખા માલસામાન જપ્ત કરી જાય છે. સાથે ટ્રાફિક પોલીસની પણ કનડગત રહેતી હોય રોજીરોટી કમાવવા ક્યા જવુ? તેવી ચિંતામાં ધંધાર્થીઓની હાલત દયનીય બની ગઇ છે. આજે સવારે ખુલતી કચેરીએ જ ધંધાર્થીઓનું ટોળું મનપા કચેરીએ આવ્યુ હતુ.
શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર દૂધેશ્વર મહાદેવ મંદિર પાસે મનપાએ સંજયનગર હોકર્સ ઝોન બનાવ્યુ છે. અહીં નવેસરથી થડા સહિતની માર્કેટ બનાવવામા આવનાર છે. ધંધાર્થીઓને સારી સુવિધા મળે ત્યારની વાત તો ત્યારે પણ હાલ પુરતુ ધંધાર્થીઓને વૈકલ્પિક સુવિધા અપ્યા વગર જ થડા ખાલી કરાવવામા આવતા ધંધાર્થીઓ રોજી રોટી કમાવવા ક્યા જાય? તે મોટો પ્રશ્ન છે.
અગાઉ ધંધાર્થીઓએ રજૂઆત કરવા છતા તંત્રએ ધંધાર્થીઓ અને તેમના પરિવારની ચિંતા કર્યા વગર જ જગ્યા ખાલી કરી દેવાનું અલ્ટીમેટમ આપ્યુ છે. ધંધાર્થીઓ આજે મનપા કચેરીએ સારા લોકેશનમાં વૈકલ્પિક જગ્યા આપવાની માગણી સાથે આવ્યા હતા. ધંધાર્થીઓના કહેવા મુજબ ગત શનિવારે મનપાનો સ્ટાફ બુલડોઝર લઇને આવ્યો હતો. અમને કોઇપણ પ્રકારની આગોતરી જાણ પણ કરવામા આવી ન હતી. અને થડા તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે ધંધાર્થીઓનો માલસામાન અંદર પડ્યો હોય ત્રણ દિવસની અંદર જગ્યા ખાલી કરી આપવાની સુચના આપી સ્ટાફ રવાના થઇ ગયો હતો.
ગત મહિનાથી જીએસટી સાથે ભાડું પણ વધારી નખાયું હતું
ધંધાર્થીઓ પાસેથી મળતી માહિતી મુજબ સંજયનગર હોકર્સ ઝોનમાં અત્યાર સુધી મહિનાના રૂૂ.1000નો વહીવટી ચાર્જ વસુલવામા આવતો હતો. પરંતુ ગત મહિનેથી ભાડુ વધારી નાખવામા આવ્યુ છે. જીએસટીના 180 ઉમેરીને રૂૂ.1180ની વહીવટી ચાર્જની પહોંચ આપવાનું શરૂૂ કરવામા આવ્યુ છે.
5000 લોકો નભે છે સંજયનગર હોકર્સ ઝોન પર
સંજયનગર હોકર્સ ઝોનમાં 270થી વધુ ધંધાર્થીઓ રોજીરોટી કમાય છે. અહીં ઉભા રહેતા ધંધાર્થીઓના પરિવારના પેટ ઉપર પાટુ લાગ્યુ છે. પરિવારના બાળકોથી માંડી 5000થી વધુ લોકો સંજયનગર હોકર્સ ઝોન પર નભી રહ્યા છે. હવે જ્યારે આ ધંધાર્થીઓને વૈકલ્પિક જગ્યા આપ્યા વગર જ હોકર્સ ઝોન ખાલી કરાવવામા આવતા હવે બે ટંકનો રોટલો ક્યાંથી કમાવવો? તેવી ચિંતામાં ગરકાવ થઇ ગયા છે.
25 વર્ષથી ધંધાર્થીઓ આ જગ્યાએ કમાય છે રોજીરોટી
મનપા કચેરીએ આવેલા ધંધાર્થીઓએ મીડિયાકર્મીઓ સમક્ષ એવી હૈયાવરાળ ઠાલવી હતી કે, તેઓ છેલ્લા 25 વર્ષથી આ જગ્યાએ ઉભા રહીને રોજીરોટી કમાય છે. અમુકની તો આ બીજી પેઢી છે. વર્ષો સુધી અહીં કોઇપણ પ્રકારનો ચાર્જ આપ્યા વગર ગરીબ ધંધાર્થીઓ રોજીરોટી મેળવતા હતા. એ પછી હોકર્સ ઝોનના નામે ફી વસુલવાનું શરૂ કરાયુ. તેની સામે પણ અમારો કોઇ વિરોધ નથી. સારી સુવિધા માટે નવેસરથી હોકર્સ ઝોન બનાવે તેની સામે પણ કોઇને કંઇ વાંધો નથી. પણ સવાલ એ છે કે, હોકર્સ ઝોન નવુ બનાવીને ફરીથી ચાલુ કરવામા ન આવે ત્યા સુધી સારા લોકેશનમાં વૈકલ્પિક જગ્યા આપવામા આવે.
હાઇવે પાસે માસૂમ સ્કૂલ નજીક આવારા તત્વોના અડ્ડા નજીક વૈકલ્પિક જગ્યા અપાઇ
દિવસે પણ નશાખોરો પડયા પાથર્યા રહેતા હોય ત્યાં મહિલા ગ્રાહક કઇ રીતે આવે?
સંજયનગર હોકર્સ ઝોનમાં આમતો 270થી વધુ ગરીબ ધંધાર્થીઓ રોજીરોટી કમાય છે. તમામને તો વૈકલ્પિક જગ્યા સુચવવામા આવી નથી. તંત્ર દ્વારા માત્ર એટલુ જ કહેવામા આવ્યુ કે, માસુમ સ્કુલ પાસે જગ્યા પડી છે ત્યા ઉભા રહી શકશો. પણ સમસ્યા એ છે કે, માસુમ સ્કુલ હાઇ-વે પાસે આવેલી છે. અહીં બ્રિજનું કામ ચાલુ છે અને આજુબાજુ ટ્રાન્સપોર્ટના ટ્રક સહિતના વાહનો પણ પાર્કિંગ થઇને પડ્યા રહેશે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, મનપાએ જે જગ્યા સુચવી છે તેની આસપાસ ધોળા દિવસે પણ નશાખોર, માથાભારે આવારા તત્વો પડ્યા પાથર્યા રહે છે. આવી જગ્યાએ મહિલા ગ્રાહક કઇ રીતે આવે?
