દિલ્હીમાં ઇન્ટરનેટ-મેટ્રો બંધ કરવા મામલે સરકારે સુપ્રીમમાં માફી માગી પણ કહ્યું, એમ કરવું જરૂરી હતું

દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાના નિર્ણયનો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં બચાવ કર્યો છે. સરકારે કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને જણાવ્યું છે કે…

દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાના નિર્ણયનો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં બચાવ કર્યો છે. સરકારે કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને જણાવ્યું છે કે જાહેર વ્યવસ્થા જાળવવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડતી અટકાવવા માટે આ પગલું ભરવું જરૂૂરી હતું. જોકે, સરકારે કોર્ટના નિર્દેશોનું જાણીજોઈને ઉલ્લંઘન કર્યું હોવાનો ઇનકાર કરીને બિનશરતી માફી પણ માગી છે. કેન્દ્રએ આ સાથે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનને આપવામાં આવેલી અવમાનનાની નોટિસ પાછી ખેંચવાની વિનંતી કરી છે.

કેન્દ્ર સરકારના સોગંદનામા અનુસાર, દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે 10 ઑક્ટોબરે રાત્રે 10 વાગ્યા સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાની મંજૂરી માગી હતી. આ વિનંતી પર વિચાર કર્યા બાદ સરકારે મંજૂરી આપી હતી. આ નિર્ણયને પગલે રાયસીના હિલની આસપાસના ચાર કિલોમીટરના વિસ્તારમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ રહી હતી. સોગંદનામા મુજબ, આ પ્રતિબંધ 9 ઑક્ટોબર, 2026ના રોજ રાત્રે 10 વાગ્યાથી 10 ઑક્ટોબર, 2026ના રોજ રાત્રે 10 વાગ્યા સુધી અમલમાં રહ્યો હતો. આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તેના જવાબમાં કેન્દ્રએ જણાવ્યું કે પ્રદર્શનને કારણે જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે મર્યાદિત સમયગાળા દરમિયાન આ પગલું ભરવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારે સોગંદનામામાં સ્પષ્ટતા કરી છે કે માત્ર મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ જ બંધ કરવામાં આવી હતી. વાઇ-ફાઇ, બ્રોડબેન્ડ અને અન્ય બિનમોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નહોતો. સરકારના જણાવ્યા અનુસાર, એક સંગઠને જરૂૂરી મંજૂરી મેળવ્યા વિના વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. મંજૂરી ન મળવા છતાં પ્રદર્શન કરવાનો પ્રયાસ કરવામાં આવતાં સ્થિતિ વણસે નહીં તે માટે ઇન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. કેન્દ્રએ પોતાના બચાવમાં સુપ્રીમ કોર્ટના 2018ના મજદૂર કિસાન શક્તિ સંગઠન વિરુદ્ધ ભારત સંઘ કેસના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત, દિલ્હી પોલીસના 20 જુલાઈ, 2026ના અનુભવને પણ સોગંદનામામાં ટાંકવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને 11 ઑક્ટોબર, 2026ના પોતાના આદેશમાં જરૂૂરી ફેરફાર કરવા વિનંતી કરી છે. સરકાર ઇચ્છે છે કે કાયદા હેઠળ નક્કી કરાયેલી પ્રક્રિયા અને સુરક્ષાનાં પગલાંને આધીન રહીને વિશેષ સંજોગોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાની મંજૂરી મળી શકે.