Site icon Gujarat Mirror

આંધ્રની ચૂંટણીનું ભૂત બે વરસે ધૂણ્યું: મધરાતે 17 લાખ મત પડયા

નાણામંત્રી નિર્મલા સીતારામનના પતિ પ્રભાકરને રાજકીય બોંબ ફોડયો : પૂર્વ CEC દ્વારા ઓડીટની ડિમાન્ડ: કુલ મતદાનના આંકડા પંચે વારેઘડિયે ફેરવ્યા

આંધ્ર પ્રદેશ 2024ની વિધાનસભા ચૂંટણીમાં NDA (ટીડીપી સહિત)એ 175માંથી 164 બેઠકો જીતીને ભારે બહુમતી મેળવી હતી. એ ચૂંટણીને બે વર્ષ વીતી ગયા છે, પરંતુ એના પરિણામો પર હવે સવાલ ઊભા થઈ રહ્યા છે. દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ ચૂંટણીમાં થયેલા કેટલાક ‘અસામાન્ય’ મતદાનની પેટર્ન દર્શાવાઈ છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણના પતિ અને જાણીતા અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે આ આંકડા રજૂ કરીને ગંભીર આક્ષેપો કરતાં દિલ્હીમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. સન 2024માં ચન્દ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીએ જનસેના પાર્ટી (જેએસપી) અને ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન રચીને ચૂંટણી લડી હતી.

શું તમે કલ્પના કરી શકો છો કે રાત્રે 12 વાગ્યા પછી લોકો મતદાન કરવા આવે? આંધ્ર પ્રદેશની ચૂંટણીમાં એવું જ કંઈક બન્યું હોવાનો દાવો કરાયો છે. અર્થશાસ્ત્રી પ્રભાકરના મતે, આ ચૂંટણીમાં કુલ મતદાનના આશરે 4.16% મત રાતે 11:45 બાદ સવારના 2 વાગ્યા સુધીમાં નોંધાયા હતા. આ સમયગાળામાં આશરે 17 લાખથી વધુ મતદાન થયાનો અંદાજ છે. ચોંકાવનારી વાત એ છે કે મધ્યરાત્રિ પછી દર 20 સેક્ધડે એક મત પડ્યાનો દાવો કરાયો છે.

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે EVM ને ફરી સેટ થવામાં સામાન્ય રીતે 14 સેક્ધડ લાગે છે. તેથી પ્રભાકરે પ્રશ્ન કર્યો કે, ‘જો એક મશીનને રિ-સેટ કરતાં 14 સેક્ધડ લાગે, તો 6 સેક્ધડમાં એક મત કેવી રીતે નોંધાઈ શકે? શું કોઈ મતદાર માત્ર 6 સેક્ધડમાં મશીન પાસે જઈને મત આપીને બહાર નીકળી શકે છે? આ સમયગાળો એટલો ઓછો છે કે, એ શક્ય જ નથી.’

આ મામલે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતાના અભાવ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ફોર્મ 17C જેમાં દરેક બૂથ પર પડેલા મતોની સંખ્યા હોય છે, તે યોગ્ય રીતે જાહેર કરાયું નથી. તેમણે એમ પણ કહ્યું કે મતદારોની યાદીઓ મશીન-રીડેબલ ફોર્મેટમાં ઉપલબ્ધ નથી, જેના કારણે આ ડેટાની સ્વતંત્ર રીતે ચકાસણી કરવી મુશ્કેલ બની જાય છે. તેમણે લોકશાહીને બચાવવા માટે VVPAT સ્લિપની ફરજિયાત ગણતરી કરવાની માંગ પણ કરી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ. વાય. કુરૈશીએ આ ચૂંટણી રેકોર્ડનું ઓડિટ કરવાની માંગ કરી છે. તેમણે પ્રશ્ન કર્યો કે જ્યારે ફોર્મ 17C બૂથ લેવલ પર સહી કરીને સીલ કરાય છે, તો પછી એકત્રિત કરેલા ડેટામાં આટલી મોટી વિસંગતતા કેવી રીતે આવી શકે? તેમણે ભવિષ્યમાં આવા વિવાદો ન થાય તે માટે મતદાન ટકાવારી તે જ દિવસે જાહેર કરવાની અને બુથ સ્તરના આંકડા પ્રસિદ્ધ કરવાનું સૂચન કર્યું છે.

મતદાનની ટકાવારીની સાપસીડી
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડામાં પણ મોટી વિસંગતતા જોવા મળી. ચૂંટણીના દિવસે એટલે કે 13 મે, 2024ના રોજ સાંજે 5 વાગ્યે મતદાન પૂરું થયું ત્યારે 68.04% મતદાન જાહેર કરાયું. રાત્રે 8 વાગ્યે તેને બદલીને 68.12% કરવામાં આવ્યું. બાદમાં સૌથી મોટો ફેરફાર રાત્રે 11:45 વાગ્યે થયો, જ્યારે અચાનક આ આંકડો સુધારીને 76.50% કરી દેવાયો. ચાર દિવસ પછી આવેલા અંતિમ આંકડા તો વધુ ચોંકાવનારા હતા. કુલ 81.79% મતદાન નોંધાયું હતું. આટલા ઓછા સમયમાં મતદાન ટકાવારીમાં આટલો મોટો ફેરફાર કેવી રીતે શક્ય બન્યો?

Exit mobile version