પરિણીતાને મિત્રતા ભારે પડી, સંબંધ તોડી નાખતા બોયફ્રેન્ડ બગડયો, ઘરમાં ઘુસી મચાવ્યો આતંક

શહેરના મવડી પાળ રોડ પર આવેલી લાલુભાઈ પારેખ ટાઉનશિપમાં રહેતી એક પરિણીત મહિલાને બોટાદના એક શખ્સ સાથે મિત્રતા રાખવી ભારે પડી છે.પતિ સાથે મનમેળ નહી…

શહેરના મવડી પાળ રોડ પર આવેલી લાલુભાઈ પારેખ ટાઉનશિપમાં રહેતી એક પરિણીત મહિલાને બોટાદના એક શખ્સ સાથે મિત્રતા રાખવી ભારે પડી છે.પતિ સાથે મનમેળ નહી આવતા અલગ રહેતી પરીણીતાએ બોટાદના શખ્સ સાથે મિત્રતા થઇ હતી. જે ત્રાસ આપતા બોટાદના શખ્સ સાથે સંબંધ તોડી નાખતા મહિલાના ઘરમાં આવી તોડફોડ કરી રૂૂ. 30,000નું નુકસાન પહોંચાડવા તેમજ સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મવડી પાળ રોડ પર આવેલી ટાઉનશિપમાં ડી-508માં રહેતા અને ઘરકામ કરતા તેજલબેન અરુણભાઈ બાબરીયા (ઉં.વ. 33) એ બોટાદ શહેરના રહેવાસી ઘનશ્યામ ભાવુભાઈ ભરાડીયા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેજલબેનના પતિ અરુણભાઈ રીક્ષા ડ્રાઇવીંગ કરે છે અને તેમને 10 વર્ષનો એક દીકરો ડેનીશ છે. આશરે એકાદ વર્ષ પહેલાં તેજલબેનની મુલાકાત તેમની એક સહેલી સકીનાબેન મારફતે બોટાદના જયાબેન સાથે થઈ હતી, જેમણે ઘનશ્યામ ભરાડીયા સાથે ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ તેજલબેન અને ઘનશ્યામ વચ્ચે મિત્રતા બંધાઈ હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેજલબેનને તેમના સાસુ સાથે અણબનાવ થતાં તેમના પતિ છ મહિના સુધી રૈયા ચોકડી પાસે અલગ રહેતા હતા અને આશરે એકાદ મહિના પહેલાં જ તેઓ પરત આવ્યા હતા. પતિ ઘરમાં હાજર ન હોવાના છ મહિનાના ગાળા દરમિયાન આરોપી ઘનશ્યામ અવારનવાર તેજલબેનના ઘરે આવીને રોકાતો હતો. આ સમયગાળા દરમિયાન ઘનશ્યામ અવારનવાર નાની બાબતોમાં માથાકૂટ કરી તેજલબેન તેમજ તેમના દીકરાને મારપીટ કરતો હતો. એટલું જ નહીં, જો આ બાબતે કોઈને વાત કરશો તો ’ક્યાંય મોઢું દેખાડવા જેવી નહીં રાખું’ તેવી ધમકીઓ આપતો હતો. શારીરિક અને માનસિક ટોર્ચરથી કંટાળીને અંતે મહિલાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો.

આ બાબતનો ખાર રાખીને ગત તારીખ 07/04/2026ના રોજ સાંજના આશરે છ વાગ્યાની આસપાસ આરોપી ઘનશ્યામ ભરાડીયા ફરીથી તેજલબેનના ઘરે આવ્યો હતો અને ઝઘડો કરી મારપીટ કરી હતી. ત્યારબાદ તેણે ઘરમાં ઘૂસીને ફ્રિઝ, ટીવી અને મિક્ષર જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની તોડફોડ કરી આશરે રૂૂ. 30,000નું નુકસાન કર્યું હતું. જતા-જતા તે મહિલાનું એક્ટિવા સ્કૂટર નંબર જીજે-03-પી.એલ-6368 પણ લઈને ભાગી ગયો હતો. જોકે, 10 દિવસ બાદ તે સ્કૂટર પરત આપી ગયો હતો, પરંતુ ફોન પર સતત ધમકીઓ આપતો હતો.

તેજલબેને તેનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધા પછી પણ તે અલગ-અલગ નંબર પરથી ફોન કરીને હેરાન કરતો હતો. વચ્ચે બંને વચ્ચે સમાધાન પણ થયું હતું, પરંતુ છેલ્લા ચારેક દિવસથી આરોપી ઘનશ્યામે ફરીવાર હેરાનગતિ શરૂૂ કરી તેજલબેન, તેમના પતિ અને દીકરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂૂ કર્યું હતું. આ ત્રાસથી કંટાળીને આખરે મહિલાએ પોલીસનો આશરો લીધો છે. રાજકોટ તાલુકા ગુનો વધુ તપાસ શરૂૂ કરી છે.