ફૂટબોલના મહાકુંભ ‘ફિફા’ વર્લ્ડ કપનો મધરાત્રે થશે શાનદાર પ્રારંભ

શકીરા અને બર્ના બોય ધમાકેદાર પર્ફોર્મન્સ કરશે: 48 ટીમો વચ્ચે 104 મેચ રમાશે પ્રથમ મેચ મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચે, 16 શહેરોમાં રમાશે, 19 જુલાઇના…

શકીરા અને બર્ના બોય ધમાકેદાર પર્ફોર્મન્સ કરશે: 48 ટીમો વચ્ચે 104 મેચ રમાશે

પ્રથમ મેચ મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચે, 16 શહેરોમાં રમાશે, 19 જુલાઇના ફાઇનલ

ફૂટબોલના મહાકુંભ એટલે કે ’ફિફા’ વર્લ્ડ કપ 2026નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડ કપનું આયોજન સંયુક્ત રીતે ત્રણ દેશો-અમેરિકા,મેક્સિકો અને કેનેડા દ્વારા કરવામાં આવી રહ્યું છે. કુલ 16 જુદા-જુદા શહેરો આ મેચોની યજમાની કરશે. ટુર્નામેન્ટની શરૂૂઆત મેક્સિકોના ઐતિહાસિક મેક્સિકો સિટી સ્ટેડિયમ (એઝટેકા) ખાતે મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચેના મુકાબલાથી થશે.ઉદ્ધાટન સમારંભ ભારતીય સમય પ્રમાણે રાત્રે 11.00થી થશે અને તે પછી મધરાતે 12.30થી મેચ રમાશે આ સ્ટેડિયમ ઇતિહાસમાં ત્રીજી વખત વર્લ્ડ કપની ઓપનિંગ મેચનું સાક્ષી બનશે.

ઓપનિંગ સેરેમનીમાં શકીરા અને બર્ના બોય જેવા આંતરરાષ્ટ્રીય કલાકારો પોતાના પર્ફોર્મન્સથી ધમાકો કરવા તૈયાર છે. આ વખતે વર્લ્ડકપમાં મોટો બદલાવ જોવા મળશે. અત્યાર સુધી માત્ર 32 ટીમો જ આમાં ભાગ લેતી હતી, પરંતુ આ વર્ષથી આ સંખ્યા વધારીને 48 દેશો કરવામાં આવી છે. આ વિસ્તરણને કારણે વિશ્વભરના વધુ દેશોને આ પ્રતિષ્ઠિત મંચ પર પોતાની તાકાત બતાવવાની તક મળી છે.

48 ટીમોના આગમન સાથે ટૂર્નામેન્ટનું ફોર્મેટ પણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. તમામ 48 ટીમોને 12 ગ્રુપમાં (દરેક ગ્રુપમાં 4 ટીમ) વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો અને તમામ ગ્રુપની 8 સર્વશ્રેષ્ઠ ત્રીજા ક્રમે રહેલી ટીમો આગળ વધશે. આ વખતે નોકઆઉટ સ્ટેજમાં એક નવો ’રાઉન્ડ ઓફ 32’ ઉમેરવામાં આવ્યો છે. વિજેતા બનવા માટે કોઈપણ ટીમે અગાઉની 7 મેચોના બદલે હવે કુલ 8 મેચો રમવી પડશે. આખી ટૂર્નામેન્ટ દરમિયાન રેકોર્ડબ્રેક 104 મેચો રમાશે.

આ વર્લ્ડ કપમાં ઘણા દિગ્ગજો કદાચ પોતાની છેલ્લી અને યુવા ખેલાડીઓ પોતાની પ્રથમ પ્રતિભા પુરવાર કરવા ઉતરશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાના જાદુઈ ખેલાડી પર ફરી એકવાર આખા વિશ્વની નજર રહેશે. આ ઉપરાંત ફૂટબોલ ઇતિહાસના મહાન ગોલસ્કોરર પોતાના અદભુત ફોર્મ સાથે પોર્ટુગલને ટ્રોફી અપાવવા માટે એડીચોટીનું જોર લગાવશે. પોતાની અસાધારણ સ્પીડ અને ગોલ કરવાની ક્ષમતા માટે જાણીતો એમબાપ્પે ફ્રાન્સનો મુખ્ય આધાર રહેશે.

વિશ્ર્લેષકો અને સટ્ટા બજારના અંદાજ મુજબ સ્પેન હાલના ફોર્મ અને ટીમ કમ્બિનેશનને જોતાં સ્પેનની જીતવાની સંભાવના સૌથી વધુ માનવામાં આવી રહી છે. 2018ના ચેમ્પિયન અને 2022ના રનર્સ-અપ ફ્રાન્સ પાસે પણ અત્યંત મજબૂત અને અનુભવી સ્ક્વોડ છે. સ્ટાર ખેલાડીઓથી સજ્જ ઇંગ્લેન્ડની ટીમ આ વખતે ઈતિહાસ રચવા માટે પ્રબળ દાવેદાર છે તેમ માનનારો વર્ગ પણ છે.

બ્રાઝીલ અને આર્જેન્ટિના દક્ષિણ અમેરિકાના આ બંને જાયન્ટ્ છે. તેઓની ક્ષમતા પણ ક્યારેય ઓછી ન આંકી શકાય. મેસ્સીની આર્જેન્ટિના ના પોતાનું ટાઇટલ બચાવવા માટે અને બ્ર્રાઝિલ છઠ્ઠી વખત ચેમ્પિયન બનવા માટે મેદાને જંગમાં ઉતરશે. આ વર્લ્ડ કપ અંદાજે 40 દિવસ સુધી ચાલશે અને ટૂર્નામેન્ટની ભવ્ય આખરી ફાઇનલ 19 જુલાઈ, 2026 ના રોજ ન્યૂયોર્ક ન્યૂજર્સીના સ્ટેડિયમના ગ્રાઉન્ડ પર રમાશે. આ વખતે કેપ વર્ડ, જોર્ડન, કુરાકાઓ અને ઉઝબેકિસ્તાન પ્રથમ વખત રમશે.

વિજેતા ટીમને મળશે 476 કરોડનું ઇનામ
11મી જૂનથી 19મી જુલાઈ સુધી ચાલનારા 48 દેશ વચ્ચેના ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં વિજેતાપદ મેળવનારી ટીમને ફિફા તરફથી 50 મિલિયન ડોલર (476 કરોડ રૂૂપિયા)નું પ્રથમ ઇનામ આપવામાં આવશે. રનર-અપ ટીમને 33 મિલિયન ડોલર (314 કરોડ રૂૂપિયા) મળશે. ત્રીજા નંબર પર આવનારી ટીમને 29 મિલિયન ડોલર (276 કરોડ રૂૂપિયા) મળશે. આ વખતે સૌથી વધુ 48 દેશની ટીમ ભાગ લઈ રહી છે. ફિફા દ્વારા પ્રાઇઝ-મનીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે, કારણકે તુલનામાં છેલ્લે (2022ના) કતાર વર્લ્ડ કપમાં 440 મિલિયન ડોલરના ઇનામો અપાયા હતા, જ્યારે આ વખતે 655 મિલિયન ડોલર (6,240 કરોડ રૂૂપિયા)ના ઇનામ આપવામાં આવશે. હંમેશની માફક આ વખતે પણ સેમિ ફાઇનલની પરાજિત ટીમોથી માંડીને છેક લીગ સ્ટેજ સુધીની ટીમોને પણ કરોડો રૂૂપિયાના ઇનામ અપાશે.