મૃતક પત્ની પાસે રૂપિયા માંગતી હોવાનું કહી પાડોશી મહિલાએ ઉઘરાણી કરતાં વૃધ્ધે ફિનાઈલ પીધું

શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં રહેતાં વૃધ્ધે પાડોશી મહિલાએ મૃતક પત્ની પાસે રૂપિયા માંગતી હોવાનું કહી ઉઘરાણી કરી ત્રાસ આપ્યો હોવાના આક્ષેપ સાથે વૃધ્ધે ફિનાઈલ પી લીધું…

શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં રહેતાં વૃધ્ધે પાડોશી મહિલાએ મૃતક પત્ની પાસે રૂપિયા માંગતી હોવાનું કહી ઉઘરાણી કરી ત્રાસ આપ્યો હોવાના આક્ષેપ સાથે વૃધ્ધે ફિનાઈલ પી લીધું હતું. વૃધ્ધની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, માંડા ડુંગર વિસ્તારમાં રહેતાં દિનેશભાઈ પુંજાભાઈ ચાવડા નામના 61 વર્ષના વૃધ્ધ પોતાના ઘરે હતાં ત્યારે ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર વૃધ્ધને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

પ્રાથમિક પુછપરછમાં દિનેશભાઈ ચાવડા પાંચભાઈ બે બહેનમાં વચેટ છે અને તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને બે પુત્રી છે. દિનેશભાઈના પત્ની હેમુબેનનું વર્ષ 2021માં કોરોનાથી મોત નિપજ્યું હતું. દિનેશભાઈ ચાવડાએ જમીન વેચતા રૂપિયા આવ્યા હતાં. જેથી પાડોશી મહિલાએ ‘મે તમારી પત્નીને ઉછીના રૂપિયા આપ્યા હતાં તેવું કહી’ ઉઘરાણી કરતી હોવાથી ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.