આંબા-નાળિયેરીનાં બગીચાઓ ઉજ્જડ બન્યા: પ્રકૃતિના પ્રકોપની કરૂણ દાસ્તાન
17 મે, 2021 એ રાત કાળી નહોતી.એ રાત મોતની ચાદર ઓઢીને આવી હતી. પરોઢના 4 વાગ્યા હતા. આખું ઉના નિંદ્રાધીન હતું. બાળક માની છાતીએ, ખેડૂત સપનામાં લીલોતરી વાવતો હતો, ને માછીમાર દરિયાના મીઠા સપના જોતો હતો. અચાનક ધરતી ધણધણી. આકાશે ત્રાડ પાડી. 150 કિલોમીટરની ઝડપે આવેલા ’તૌકતે’ નામના રાક્ષસે બારણું ઠોક્યું નહીં. બારણું તોડી નાખ્યું. ઘરના નળિયા કાગળની જેમ ઊડવા લાગ્યા. નાળિયેરીના ઝાડ ડાળખીની જેમ ભાંગીને પડવાલાગ્યા. સમુદ્ર એવો તોફાને ચડ્યો કે જાણે યમરાજ પોતે મોજાં બનીને કિનારે ધસી આવ્યો હોય.
એ રાતે ઉનાએ મા ગુમાવી.હા, પ્રકૃતિ મા કહેવાય. એ માએ જ પોતાના સંતાનો પર કોપ વરસાવ્યો. કોરોનાના મોતના ઓછાયા હજી હટ્યા નહોતા ત્યાં આભમાંથી બીજું મોત વરસ્યું. લોકો રડ્યા, ચીસો પાડી, ભગવાનને પોકાર્યા.પણ પવનનો ઘૂઘવાટ એટલો હતો કે ભગવાન સુધી અવાજ પહોંચે ક્યાંથી?
ઉનાનો દરિયો એટલે હજારો ચૂલા સળગાવનારો અન્નદાતા. સૈયદ રાજપરા, નવાબંદર, સીમર ત્રણેય બંદરે સાંજ પડે એટલે બોટોની વીજળીઓથી દરિયો ઝગમગી ઉઠતો. માછીમારનો પડછંદ અવાજ, બોટના એન્જિનનો ધમધમાટ, માછલીની મીઠી વાસ એ જ ઉનાનું સંગીત હતું. બાપદાદાની બોટ એટલે દરિયા પુત્ર ની ઈજ્જત, દીકરીના લગ્નનું નાણું, ઘરના ઘડપણની લાકડી. પણ તૌકતેએ એ સંગીતને માતમમાં ફેરવી દીધું. 150 કિમીના પવને 372 બોટોને એવી રીતે ફંગોળી કે જાણે કોઈએ કાગળની હોડીને તળાવમાં ડુબાડી દીધી હોય. સૈયદ રાજપરાની 213 બોટો એ 213 પરિવારની છાતી પર પથ્થર પડ્યો નવાબંદરની 144 બોટો એ144 માના રદહય ને ધ્રુજાવી ગયું. સીમરની 15 બોટો એ 15 ઘરના દીવા હોલવાઈ ગયા. દરિયાકિનારે તૂટેલી બોટોના ટુકડા નહોતા, સાગરપુત્રોની જીવા દોરી પડી હતી.
ઉનાની ધરતી એટલે આંબાની મીઠાશ અને નાળિયેરી ની શીતળતા.અહીંનો ખેડૂત ઝાડને ’ઝાડ’ નહોતો કહેતો ’બાપુ’ કહેતો. 50-50, 100-100 વર્ષ જૂના આંબાના બગીચા એ જ અહીંની સાચી બેંક હતી. દીકરીનેસાસરે વળાવવી હોય તો આંબાની કેરી વેચાય. દીકરાને ભણાવવો હોય તો નાળિયેરના પૈસા કામ લાગે. 8,351 હેક્ટરની લીલોતરી એ ઉનાનું ઘરેણું હતું. તૌકતેએ એ ઘરેણું લૂંટી લીધું.
પવન એવો જાલિમ હતો કે આંબા મૂળમાંથી ઊખડીને એવા પડ્યા જાણે કોઈ વડીલને કોઈએ ધક્કો મારીને પાડી દીધો હોય. જે ઝાડ નીચે ખેડૂતની ત્રણ-ત્રણ પેઢીઓ રમી હતી, જેના છાંયડે લગ્નના ફેરા ફર્યા હતા, જેના ફળથી આખું ગામ ગળ્યું થતું હતું એ ઝાડ રસ્તા પર મરેલી લાશ બનીને પડ્યા હતા.ખેડૂતોએછાતી પીટી નાખી. એક 80 વર્ષનો ડોસો પડેલા આંબાને વળગી ને રડ્યો, અરે બાપુ, તું તો મારા બાપ કરતા મોટો હતો. તારે તો મારી ચિતાની લાકડી બનવું હતું તું જ પહેલા કેમ ચાલ્યો ગયો?
ઉનાનું ‘કુદરતી એ.સી.’ બંધ થઈ ગયું !!
તૌકતે પહેલા ઉના એટલે ભગવાનનું એ.સી.ચાલતુંહોય એવું ગામ લાખો વૃક્ષોને લીધે ચૈત્ર-વૈશાખમાં પણ લોકો ઓઢીને સૂતા બપોરે 2 વાગ્યે પણ ઝાડ નીચે બેસીએ તો પરસેવો ન થાય.લોકો બહારગામથી કહેતા, તમારું ઉના તો સ્વર્ગ છે.પણ તૌકતેએ એ સ્વર્ગને નર્ક બનાવી દીધું. આખા ગામની લીલી ચાદર ખેંચી લીધી. ’કુદરતી ઠંડક’ નામની દેવી રિસાઈને ચાલી ગઈ. આજે હાલત એવી છે કે મે મહિનામાં 42 ડિગ્રી તાપ પડે છે.જે ઉના માં ’લૂ’ શબ્દ સાંભળ્યો નહોતો, ત્યાં હવે બપોરે રસ્તા સૂમસામ થઈ જાય છે. શાળાએથી આવતું બાળક માને પૂછે છે, મમ્મી, પહેલા જેવો પવન કેમ નથી આવતો?મા જવાબ નથી આપી શકતી. બસ છાતીમાં ડૂમો ભરાઈ આવે છે. કારણ એ પવન લાવનારા ઝાડ હવે રહ્યાનથી. ઉના હવે ’હીટ આઇલેન્ડ’ બની ગયું છે. એટલે કે તપતો તાવો.
