મ્યુનિ.કોર્પોરેશનને પણ આંટી મારે તેવા રેટ કોન્ટ્રાકટ; 200 મિ.લી.પાણીની બોટલનો ભાવ રૂા.9, બિસ્કીટના 10 રૂા.ના પેકેટના 65 થી 70, મેથીના 200 ગ્રામ ખાખરાના રૂા.130ના ભાવ
કોર્પોરેશનની માફક ભવાડો થતો અટકાવા દોડાદોડી, અધિકારીઓએ મોઢા સિવી લીધા
રાજકોટનાં જંગલેશ્ર્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલીશન દરમિયાન ખાણી પાણી અને ફોટો વિડિયોગ્રાફી માટે કરવામાં આવેલા લાખો રૂપિયાના ખર્ચાઓમાં ઉંચા ભાવ અને ભ્રષ્ટાચારના મામલે ભારે ઉહાપોહ મચ્યો છે અને કોર્પોરેશન તંત્ર ઉપર માચલા ધોવાઈ રહ્યાં છે પરંતુ ‘કાગડા બધે કાળા’ કહેવત મુજબ જંગલેશ્ર્વરમાં સરકારી જમીન ઉપરથી કલેકટરતંત્ર દ્વારા કરવામાં આવેલા મેગા ડિમોલીશન સમયે પણ માર્ગ અને મકાન વિભાગે ખાણી પીણીના ખર્ચા કરવામાં રાજકોટ કોર્પોરેશનને પણ પાછળ રાખી દીધાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે. જો કે, કોર્પોરેશનનો મામલો સળગતો હોવાથી માર્ગ એન્ડ મકાન વિભાગના અધિકારીઓએ પોતાના ઉંચા ખર્ચા જાહેર થઈ જાય નહીં તે માટે ભારે દોડધામ શરૂ કરી દીધી છે.
કલેકટર તંત્ર દ્વારા જંગલેશ્ર્વરમાં સરકારી જમીનમાં કરવામાં આવેલા ડિમોલીશન દરમિયાન ખાણી પીણી સહિતની તમામ વ્યવસ્થા માર્ગ અને મકાન વિભાગ હસ્તક કરવામાં આલી હતી. પરંતુ માર્ગ એન્ડ મકાન વિભાગના રેટ કોન્ટ્રાકટનો રાજકોટ મહાનગરપાલિકા કરતાં પણ ઉંચા હોવાનું બહાર આવ્યું છે અનેગ આ રેટ કોન્ટ્રાકટના ભાવના આધારે જ તમામ સરકારી કાર્યક્રમોમાં ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ ‘છીંડે ચડયો તે ચોર’ કહેવત મુજબ માર્ગ અને મકાન વિભાગનાં ઉઘાડા ભ્રષ્ટાચાર તરફ કોઈનું ધ્યાન ગયું જ નથી અથવા તો જાણી જોઈને આંખ મીચામણા કરવામાં આવી રહ્યાં છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્ર્વર ડિમોલીશન દરમિયાન પાણીની રૂા.2.50 થી રૂા.3ના બલ્ક ભાવથી મળતી બોટલનો ભાવ રૂા.8 ભર્યો છે. જ્યારે આ જ જમીન પૈકીની જમીન પર કલેકટરતંત્ર દ્વારા કરાયેલ ડિમોલીશન દરમિયાન માર્ગ અને મકાન વિભાગે પાણીની બોટલનો ભાવ રેટ કોન્ટ્રાકટ મુજબ રૂા.9 ભર્યો છે. માર્ગ અને મકાન વિભાગના રેટ કોન્ટ્રાકટ ઉપર નજર કરીએ તો પાણીની 200 મિ.લી.ની બોટલના રૂા.9 અને એક લિટરની બોટલનો ભાવ રૂા.19, હિમાલિયા વોટરનો એક લિટરનો ભાવ રૂા.70 અને 500 મિ.લી.નો ભાવ રૂા.55 દર્શાવાયો છે તો પાણીના રૂા.25માં મળતા કેરબાનો ભાવ રૂા.45 છે.
સૌથી આશ્ર્ચર્યની વાત એ છે કે, એક પેપર ટિસ્યુનો રેટ કોન્ટ્રાકટ રૂા.2.50 માં અપાયો છે. આ જ રીતે રૂા.10માં મળતા વિટા મેરી ગોલ્ડ બિસ્કીટના રૂા.65 થી 70, ન્યુટ્રી ચોઈસ ડાયઝેસ્ટીવ બિસ્કીટ જે બજારમાં રૂા.20 માં મળે છે તેના રૂા.100 અને રૂા.30 થી 40માં મળતા મેથીના ખાકરાના 200 ગ્રામના પેકેટના રૂા.130 ના ભાવે રેટ કોન્ટ્રાકટ છે અને આ જ ભાવે સરકારી કાર્યક્રમોમાં પીરસાય છે ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. જો કે, કલેકટર તંત્ર દ્વારા કરવામાં આવેલા ડિમોલીશન દરમિયાન માર્ગ અને મકાન વિભાગે ખાણી-પીણી અન્ય કેટલો ખર્ચ કર્યો ? તે અંગે કોઈ સ્પષ્ટ જવાબ અપાતું નથી અને સૌએે મોઢા સિવી લીધા છે.
