Site icon Gujarat Mirror

કોર્પોરેશનની ચોથી ઝોનલ કચેરી કોઠારિયામાં બનશે

 

રાજકોટ શહેરનો વ્યાપ અને વસ્તી વધતા હવે મહાનગરપાલિકાની ચોથી ઝોનલ કચેરીની જરૂરિયાત ઉભી થઈ છે. હાલમાં સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ ઝોન ખાતે કચેરીઓ કાર્યરત છે. આથી દક્ષિણ ઝોન કચેરી માટે અગાઉ નિર્ણય લેવામાં આવેલ જેને હવે ફાઈનલ કરવામાં આવેલ છે. મનપાના સુત્રોના જણાવ્યા પ્રમાણે મહાનગરપાલિકાની ચોથી સાઉથ ઝોનલ કચેરી કોઠારિયા ખાતે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રૂા. 30.40 કરોડના ખર્ચે ઝોનલ કચેરી બનાવવામાં આવશે. ત્યાર બાદ આજુબાજુના સંભવત ચાર વોર્ડને આ ઝોનલ કચેરીમાં સમાવેશ કરી આ વોર્ડની તમામ કામગીરી ઝોનલ કચેરી ખાતે શરૂ કરવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા હવે ચોથી ઝોનલ કચેરી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાઉથ ઝોનલ કચેરી માટે અગાઉ જાહેરાત કરાવમાં આવેલ તેમજ કચેરી ક્યા વિસ્તારમાં બનાવવામાં આવે તે માટે સર્વે હાથ ધરવામાં આવેલ જેના લીધે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં અગાઉ ભળેલા અને હાલમાં સમાવીસ્ટ થયેલ ગ્રામ પંચાયતોના વિસ્તારને આવરી લઈને સર્વે હાથ ધરેલ જેમાં કોઠારિયાનો વિસ્તાર વધુ વિકસતા આ વિસ્તારમાં ઝોનલ કચેરીની જરૂરિયાત વધુ જણાતા ચોથી ઝોનલ કચેરી કોઠારિયા વિસ્તારમાં બનાવવાનો નિર્ણય લેવામાં આવેલ જેના માટે મહાનગરપાલિકાનો વિશાળ ખાલી પ્લોટ હોય તેની યાદી તૈયાર કરવામાં આવેલ. જેમાં હવે વોર્ડ નં. 18માં કોઠારિયા ટીપી સ્કીમ નં. 12 ફાઈનલ પ્લોટ નં. 15-એ ઉપર સાઉથ ઝોનલ કચેરી બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

મનપાના બાંધકામ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ સાઉથ ઝોનલ કચેરી ફાઈનલ થયા બાદ મહાનગરપાલિકાએ કોઠારિયા વિસ્તારમાં ટીપી સ્કીમ નં. 12માં આવેલ પ્લોટ નં. 15 ઉપર ઝોનલ કચેરી બનાવવા માટે રૂા. 30,40,40,744નું એસ્ટીમેન્ટ વાળુ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે બીટ થયા બાદ તાત્કાલીક ધોરણે દરખાસ્ત તૈયાર કરી વર્કઓર્ડર આપી સાઉથ ઝોનલ કચેરીનું કામ શરૂ કરવામાં આવશે.

 

રૂા. 14.91 કરોડના ખર્ચે બનશે કોમ્યુનિટી હોલ
મહાનગરપાલિકાએ સાઉથ ઝોનલ કચેરી કોઠારિયા વિસ્તારમાં બનાવવાનો નિર્ણય લઈ ટેન્ડર સહિતની પ્રક્રિયા શરૂ કરી છે. તેમજ આ વિસ્તારમાં કોમ્યુનિટી હોલની પણ લાંબા સમયથી માંગ હતી જેના લીધે ગત સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં કોઠારિયા મેઈન રોડ ઉપર આવેલ મહાનગરપાલિકાના કોમર્શીયલ હેતુના પ્લોટ ઉપર રૂા. 14.91 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલની દરખાસ્ત મંજુર કરી છે. જેનું ટુંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

Exit mobile version