ભાવનગરમાં મુખ્યમંત્રી 33 કરોડના ખર્ચે નવનિર્મિત કલેક્ટર કચેરીનું કરશે લોકાર્પણ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 25 સપ્ટેમ્બરના રોજ ભાવનગર શહેરની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ રૂૂ. 33 કરોડના જંગી ખર્ચે નવનિર્મિત અદ્યતન કલેક્ટર કચેરીનું…

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 25 સપ્ટેમ્બરના રોજ ભાવનગર શહેરની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ રૂૂ. 33 કરોડના જંગી ખર્ચે નવનિર્મિત અદ્યતન કલેક્ટર કચેરીનું લોકાર્પણ કરશે.

શહેરની મધ્યમાં આવેલી આશરે 65 વર્ષ જૂની કલેક્ટર કચેરીને હવે વિદ્યાનગર ખાતે 17,500 ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યામાં તૈયાર કરાયેલા નવા ભવનમાં ખસેડવામાં આવી રહી છે. નવી કચેરીનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જતાં તેનો શુભારંભ કરાશે, જેનાથી અત્યાર સુધી શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં છૂટીછવાઈ આવેલી કચેરીઓની સેવાઓ હવે એક જ સ્થળે ઉપલબ્ધ બનશે.
આ સંકુલમાં કલેક્ટર ઉપરાંત પ્રાંત અધિકારી, સિટી અને ગ્રામ્ય મામલતદાર, હક્ક ચોક્સી, સિટી સર્વે તેમજ સ્ટેમ્પ ડ્યુટી સહિતની તમામ મહેસૂલી અને વહીવટી સેવાઓ એક જ છત નીચે મળી રહેશે. આ લોકાર્પણ કાર્યક્રમ સાથે જ મુખ્યમંત્રીના હસ્તે શહેરના વિવિધ વિસ્તારોમાં રૂૂ. 100 કરોડથી વધુના ખર્ચે થનારા અન્ય વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ યોજાનાર છે. હાલ ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા વિકાસકામોની યાદીને આખરી ઓપ આપવા બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે અને તમામ અધિકારીઓ તથા તંત્રવાહકો આ ભવ્ય કાર્યક્રમની તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે.