આંતરરાષ્ટ્રીય

ચીફ જસ્ટિસનો ખુલાસો ગળે ઉતરે એવો નથી

Published

on

ભારતના ન્યાયતંત્રમાં સર્વોચ્ચ મનાતી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એટલે કે દેશના ચીફ જસ્ટિસપદેથી ડી.વાય. ચંદ્રચૂડની વિદાયને ગણતરીના દિવસો બચ્યા છે. ત્યારે વિદાય લઈ રહેલા ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સરકારના વડાઓને મળે ત્યારે તેમની વચ્ચે સોદાબાજી જ થઈ હોય એવું નથી હોતું. આ પ્રકારની બેઠકો મોટાભાગે વહીવટી બાબતોને લગતી હોય છે કેમ કે અમારે રાજ્યના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવી પડે છે કેમ કે રાજ્ય સરકાર ન્યાયતંત્ર માટે બજેટ આપે છે. ચીફ જસ્ટિસ રાજ્ય સરકારના વડાને મળવાને બદલે માત્ર પત્રો પર આધાર રાખીને બેસી રહે તો કોઈ કામ નહીં થાય.

ચીફ જસ્ટિસે એમ પણ કહ્યું કે, ન્યાયતંત્ર સંપૂર્ણ સ્વતંત્રતા સાથે કામ કરે છે તેથી કહ્યું છે કે, જ્યારે સરકારના વડા હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને મળે છે ત્યારે આ બેઠકોમાં રાજકીય પરિપક્વતા જોવા મળે છે અને મારી કારકિર્દીમાં એવું ક્યારેય બન્યું નથી કે કોઈ મુખ્યમંત્રીએ બેઠક દરમિયાન કોઈ પેન્ડિંગ કેસ વિશે કંઈ કહ્યું હોય. ચીફ જસ્ટિસે એમ પણ કહ્યું કે, કોર્ટ અને સરકાર વચ્ચેનો વહીવટી સંબંધ ન્યાયતંત્રના કામ કરતા અલગ છે. સીએમ કે ચીફ જસ્ટિસ તહેવારો કે શોકના સમયે એકબીજાને મળે તેના કારણે અમારા કામને કે ફરજને કોઈ અસર નથી થતી. ગણેશ ઉત્સવ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડના નિવાસસ્થાને ગયા હતા અને આરતી ઉતારી હોવાના ફોટા તથા વીડિયો વાઇરલ થયા હતા.

મરાઠી પોશાક અને મરાઠી ટોપી પહેરીને આવેલા મોદી અને ચીફ જસ્ટિસ વચ્ચે તેમના નિવાસસ્થાને થયેલી બેઠકની કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ ટીકા કરી હતી. બંધારણીય અને કાનૂની નિષ્ણાતોએ પણ તેની ઝાટકણી કાઢી હતી. આ મુદ્દે ઘણા બંધારણીય નિષ્ણાતોએ મોદીની ટીકા કરી હતી તો ઘણાંએ મોદીની તરફેણ પણ કરી હતી. ચીફ જસ્ટિસે વિદાય લેતાં પહેલાં આ મુદ્દે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો છે એ સ્પષ્ટ છે પણ કમનસીબે તેમની સ્પષ્ટતા ગળે ઊતરે એવી નથી. સૌથી પહેલી વાત એ કે, ચંદ્રચૂડ મોદીને મળ્યા એ મુદ્દે કોઈને વાંધો નહોતો પણ મોદી ચંદ્રચૂડના ઘરે એકલા ગયા અને ખાનગીમાં મળ્યા તેની સામે વાંધો હતો. ચીફ જસ્ટિસ કહે છે એ રીતે સરકારના વડાઓને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસે મળવું પડે કેમ કે સરકારો ન્યાયતંત્રને ફંડ આપે છે. આ વાત સ્વીકારવામાં વાંધો નથી પણ આ મુલાકાતો સત્તાવાર રીતે ઓફિસોમાં થતી હોય છે ને ન્યાયતંત્ર તથા સરકાર સાથે જોડાયેલા લોકોની હાજરીમાં થતી હોય છે.

મોદી અને ચંદ્રચૂડ મળ્યા એ રીતે ખાનગીમાં ને બીજા કોઈની હાજરી વિના વન ટુ વન નથી થતી, કોઈના ઘરે પણ નથી થતી. લોકશાહીમાં ચૂંટાયેલી પાંખ, વહીવટી તંત્ર અને ન્યાયતંત્ર ત્રણ સ્તંભ છે. આપણે ત્યાં ચૂંટાયેલી પાંખના વડા સરકાર ચલાવે છે તેથી તેમને મોટા માનવામાં આવે છે પણ વાસ્તવમાં ત્રણેયનું પોતપોતાની રીતે મહત્ત્વ છે. ત્રણેયનું કામ એકબીજાના સંકલનમાં કામ કરવાનું છે ખરું પણ એકબીજા પર વોચ રાખવાનું પણ છે. મોદી અને ચંદ્રચૂડ બંને લોકશાહીના બે આધારસ્તંભના વડા છે ત્યારે તેમણે ગૌરવપૂર્ણ રીતે વર્તવું જોઈએ અને તેમની ફરજો અંગે કોઈને પણ શંકા ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે મોદીને પોતાના ઘરે ખાનગી બેઠક માટે મળવાની મંજૂરી આપી એ મર્યાદા રેખા ઓળંગી હતી.

ન્યાયતંત્રની જવાબદારી મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની છે, કોઈ પણ સરકાર બંધારણની મર્યાદામાં રહીને કામ કરે છે તેની ખાતરી કરવાની છે. આ કારણે જ બંને વચ્ચે અંતર હોવું જોઈએ પણ ચીફ જસ્ટિસ ને વડા પ્રધાનને ઘર જેવા સંબંધો છે એવું સ્થાપિત કરવા પ્રયત્ન કરાય એ યોગ્ય ના કહેવાય ને મર્યાદાનું ઉલ્લંઘન કહેવાય. રાજકારણીઓને આ બધી વાતોથી ફર્ક નથી પડતો હોતો પણ ચીફ જસ્ટિસ માટે આ મોટી વાત કહેવાય કેમ કે, તેના કારણે ન્યાયતંત્ર વિશેની લોકોની ઈમેજને અસર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version