Site icon Gujarat Mirror

સાળા-બનેવીએ યુવકને ઉઠાવી જઈ મૂછ-વાળ કાપી નાખ્યા

oplus_32

આડા સંબંધની શંકાએ બે મહિલા સહિત 8 શખ્સોએ ચાર કલાક માર માર્યો, રાજકોટના ગોકુલધામની ચકચારી ઘટના

રાજકોટમાં ખાખીનો ખૌફ ઓસર્યો હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં દીનબદીન ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક ઘટનામાં પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકાએ યુવકને ફોન કરીને બોલાવ્યા બાદ બે મહિલા સહિત 8 શખ્સોએ યુવકનું હોસ્પિટલ ચોકમાંથી રીક્ષામાં અપહરણ કરી રેલનગરમાં લઈ ગયા હતાં. જ્યાં યુવકને ચાર કલાક સુધી મારમારી અડધી મુછ અને માથાના વાળા કાપી નાખ્યા હતાં. બાદમાં યુવકને હોસ્પિટલ ચોકમાં ફેંકી દીધો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં ગોકુલધામ આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં હિતેશ ઉર્ફે ધવલ ધનજીભાઈ રાઠોડ નામનો 32 વર્ષનો યુવાન રાત્રીનાં આઠેક વાગ્યાના અરસામાં હોસ્પિટલ ચોક પાસે હતો ત્યારે અલ્તાફ અને તેના સાળા સંદીપ ભીખા મછોયાએ ઝઘડો કરી હિતેશ ઉર્ફે ધવલ રાઠોડને રીક્ષામાં બેસાડી રેલનગર આસ્થા ચોક પાસે આવેલા વંડામાં લઈ જઈ છરી, ધોકા અને પાઈપ વડે માર માર્યો હતો અને અડધી મુછ અને માથાના વાળ કાપી નાખ્યા હતાં.

હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં હિતેશ ઉર્ફે ધવલ રાઠોડ બે બહેનોનો એકનો એક ભાઈ છે અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હિતેશ ઉર્ફે ધવલ રાઠોડ ઈકો ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. હિતેશ ઉર્ફે ધવલ રાઠોડ અગાઉ ગાંધીગ્રામમાં રહેતો હતો અને ગાંધીગ્રામ વિસ્તારમાં જ રહેતાં હુમલાખોર અલ્તાફે સંદીપ મછોયાની બહેન કેશરબેન સાથે ત્રણ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતાં. કોઈએ ઈન્સ્ટાગ્રામમાં ફોટો મુકયો હતો જેના કારણે અલ્તાફે પત્ની કેશર સાથે હિતેશ ઉર્ફે ધવલ રાઠોડને આડા સંબંધ હોવાની શંકાએ ફોન કરી હોસ્પિટલ ચોકમાં બોલાવ્યો હતો.

એજ સમયે અલ્તાફના બનેવી રીક્ષા લઈને આવ્યા હતાં અને રીક્ષામાં બેસાડી રેલનગર વિસ્તારમાં લઈ ગયા હતાં જ્યાં બે મહિલા સહિત પાંચેક જેટલા શખ્સો પણ ધસી આવ્યા હતાં. હિતેશ ઉર્ફે ધવલ રાઠોડને માર મારી અડધી મુછ અને માથાના વાળ કાપી નાખ્યા હતાં અને ચાર કલાક બાદ ફરી હોસ્પિટલ ચોકમાં ફેંકી દઈ નાસી છુટયા હતાં અને ‘તું ગાંધીગ્રામ લાખના બંગલા પાસે આવીશ તો મારી નાંખીશુ’ તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version