દૂધના ફેટના બદલે વેજીટેબલ ફેટ(વનસ્પતિ તેલ/ઘી) કે પછી અન્ય પદાર્થની મિલાવટ કરીને બનાવવામા આવતુ એનેલોગ પનીર આરોગ્ય માટે નુકસાનકારક હોવાથી સરકારે તેના પર કડક પ્રતિબંધ ફરમાવ્યો છે. આમછતા રાજકોટમાં મનપાએ દોઢ મહિના પહેલા સીલ કર્યા બાદ ચાલુ થયેલી ફેકટરીમાં એનેલોગ પનીરનું ઉત્પાદન થતુ હતુ. શહેરના ભગવતીપરા બ્રિજ પાસે આવેલા લાતી પ્લોટ શેરી નં.4માં આવેલા ફોચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટસ નામની ફેકટરી દોઢ મહિના પહેલા મનપાની ફૂડ શાખાએ સીલ કરી હતી. ત્યારબાદ ફેકટરીમાલિકે સોગંદનામુ કરીને ફેકટરી ખોલાવી નાખી હતી. ફેકટરીમાં એનેલોગ પનીરનું ઉત્પાદન થતુ હોવાની અને સ્થળ પર સ્ટોક કરી રખાયેલો પનીરનો જથ્થો પડ્યો હોવાની માહિતી મળતા જ આજે ફરી દરોડો પાડવામા આવ્યો હતો અને દોઢસો કિલોથી વધુ એનેલોગ પનીરનો નાશ કરી ફેકટરીમાલિક સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
એનેલોગ પનીરના ઉત્પાદન અને વપરાશ પર મનાઇના નિયમની અત્યાર સુધી સખ્તાઇપુર્વક અમલવારી થતી ન હતી. જો કે કાયદાની જોગવાઇમાં એનેલોગ પનીરના નાશ માટેની છૂટ ન હતી. પરંતુ ગઇકાલે સરકારમાંથી એવો સ્પષ્ટ હુકમ આવ્યો છે કે, એનેલોગ પનીર બનાવતા તત્વો સામે કડક સજાકીય પગલા લેવામા આવે અને આવો જથ્થો પકડાય તો સ્થળ પર નાશ કરી શકાશે. દરમિયાન સરકારના હુકમની ગણતરીની કલાકોમાં જ રાજકોટમાં એક મોટો ભાંડાફોડ થયો હતો. મહાનગરપાલિકાએ દોઢ મહિના પહેલા જ શહેરના પારેવડી ચોક પાસે લાતી પ્લોટ શેરી નં.4માં પુનિત ઘરઘંટી પાસે આવેલી ફોચ્યુન મિલ્ક એન્ડ પ્રોડક્ટસ નામની ફેકટરીમાં દરોડો પાડ્યો હતો. એ વખતે પણ એનેલોગ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. ફેકટરીમાં આરોગ્યના ધારાધોરણોનું પાલન પણ થતુ ન હતુ. ચારેબાજુ ગંદકી જોવા મળી હતી અને એ વખતે જ મનપાએ આ ફેકટરી સીલ કરી દીધી હતી.
ત્યારબાદ ફેકટરીના માલિકે કાયદાકીય જોગવાઇનો સહારો લઇને સોગંદનામુ કર્યા બાદ ફેકટરીનુ સીલ ખોલાવી નાખ્યુ હતુ. એ પછી પણ એનેલોગ પનીરનું ઉત્પાદન ચાલુ રાખવામા આવ્યુ હતુ. એનેલોગ પનીરનો જથ્થો પડ્યો હોય અને હજુ પણ ઉત્પાદન ચાલુ જ રાખવામા આવ્યુ હોવાનું મનપાની ફૂડ શાખાને જાણ થતા આજે સવારે ફરી તંત્રએ દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન દોઢસો કિલોથી વધુ એનેલોગ પનીરનો જથ્થો મળી આવતા સ્થળ પર જ નાશ કરી દેવામા આવ્યો હતો. આ ઉપરાંત એનેલોગ ચીઝ, લો ફેટ પ્રોટીન પનીર તેમજ પ્યુરિકા બ્રાન્ડ પનીરનો નમુનો લઇને લેબોરેટરીમાં મોકલી આપવામા આવ્યો છે.
સીલ ખોલ્યા બાદ તંત્રે પાછુ વળીને ન જોયુ, મીડિયાએ સ્ટિંગ ઓપરેશન કરતા ભાંડો ફૂટ્યો
મનપાની ફૂડ શાખાની કેટલિક શંકાસ્પદ કામગીરી ફરી એકવખત છતી થઇ છે. ઉપરથી ધોકો આવે એટલે ચેકીંગ્, સીલ સહિતની કામગીરી તો કરે છે પરંતુ કાગળ પર કામગીરી દેખાડ્યા બાદ પાછુ વળીને જોતી નથી. આવુ જ કંઇક લાતી પ્લોટમાં ફોચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ ફેકટરીમાં થયુ હતુ. દોઢ મહિના પહેલા આ ફેકટરી સીલ થઇ હતી. એ પછી ફેકટરી માલિકે સોગંદનામુ રજુ કરવા સહિતની પ્રક્રિયા કરી સીલ ખોલાવી નાંખ્યુ. તંત્રે સીલ ખોલ્યા પછી પાછુ વળીને જોયુ નહીં હોય કે પછી ‘ચાર હાથ’ની ઓથ આપી દીધી હોય તેમ આ ફેકટરી ફરી ધમધમવા લાગી હતી.
