ગુજરાત
મનપાના 18 કોમ્યુનિટી હોલ છ મહિનાથી ધૂળ ખાય છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી
લગ્નગાળો માથે હોય ત્વરિત હોલ ખોલી લોકોને પ્રસંગે માટે સોંપી, લૂંટાતા લોકોની પરસેવાની કમાણી બચાવવાં કોંગ્રેસ અગ્રણી ગોપાલભાઇ અનડકટની માંગ
રાજકોટ શહેરનો દિવસે ને દિવસે વિકાસ થઈ રહ્યો છે તો બીજી તરફ તંત્ર સુવિધાઓમાં પણ ઉતરોતર વધારો કરી રહ્યું છે. પરંતુ તંત્રના પાપે લોકોની સુવિધા માટે ઉભી કરાયેલ મિલ્કતો ધૂળ ખાતી થઈ ગઈ છે. મનપા સંચાલિત 18 કોમ્યુનીટી હોલ છેલ્લા છ મહિનાથી બંધ હોવાથી લોકોને લગ્ન સીઝનમાં ના છૂટકે મોઘાદાટ પાર્ટી પ્લોટમાં પ્રસંગ યોજવા મજબુર બનવું પડી રહ્યું છે. હજુ પણ લગ્નસરાની સીઝન ચાલુ હોય ત્યારે ત્વરીત ઘટતી કામગીરી કરી મનપાએ હોલ ચાલુ કરી લોકોના લૂંટાતા પૈસા બચાવી રાહત આપવા કોંગ્રેસ અગ્રણી ગોપાલભાઈ અનડકટ દ્વારા મનપાને રોષભેર રજુઆત કરવામાં આવી છે.પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને રાજકોટ શહેર કોગ્રેસ અગ્રણી ગોપાલભાઈ અનડકટ દ્વારા મનપાના નિંદ્રાધીન તંત્રને ઢંઢોળતી રજૂઆત કરતા જણાવાયું છે કે હાલ દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે. લોકોને બે છેડા ભેગા કરવા પણ મુશ્કેલ બની રહ્યા છે આવી પરિસ્થિતિમાં દીકરા કે દીકરના લગ્ન કરવાના દરેક માં-બાપના અરમાન હોય છે અને ફરજ પણ હોય છે પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં માવતરના આ સપના મનપાની મેલી મુરાદને લીધે ચૂર ચૂર થઈ રહ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના 19 કોમ્યુનીટી હોલ સારા માઠા પ્રસંગ માટે બનાવવામાં આવ્યા છે પરંતુ અગ્નિકાંડની ઘટના બાદ 18 હોલને ત્વરીત તાળા મારી દેવામાં આવ્યા છે જેન હાલ છ મહિના વીતી ગયા છતાં હજુ સુધી એકપણ હોલના તાળા ખોલવામાં આવ્યા નથી. રાજય સરકારની એસઓપી પ્રમાણે ઘટતી કામગીરી કરવામાં ખુદ મનપા તંત્રને આળસ આવી રહી છે અને તેના પાપે લગ્ન પ્રસંગે યોજતા પરિવારને પોતાની પરસેવાની કમાણી ગુમાવવાનો વખત આવી રહ્યો છે કારણે મનપા કોમ્યુનીટી હોલ જે નજીવા દરે ભાડે મળતા હોય છે પરંતુ હાલ બંધ હોવાથી ના છુટકે માવતરને મોષાદાટ પાર્ટી પ્લોટ ભાડે રાખી પ્રસંગ યોજવા મજબુર બનવું પડી રહ્યું છે કદાચ એટલે પૈસામાં કોઈ સામાન્ય પરિવાર દીકરી કે વહુના દાગીના પણ બનાવી શકે છે તેટલો વધુ ખર્ચ માત્ર ને માત્ર મનપાની અણઆવડતને લીધે કરવો પડી રહ્યો છે.
હાલ લગ્નસરાની સીઝન ચાલુ છે કે ત્યારે જો મનપાના ભ્રષ્ટ અધિકારો આળસ ખંખેરી જે બંધ છે તે હોલ ત્વરીત કામગીરીઓ કરી લોકોની સુખાકારી માટે ખોલે તો અનેક લોકો જેમણે પ્રસંગનું આયોજન નક્કી કર્યું છે તે લોકોને કોમ્યુનીટી હોલ ઉપયોગ માટે મળે તો ખર્ચમાં પણ મોટી રાહત મળી શકે છે. લોકોની પરસેવાનની કમાણીઓ વ્યય થતો બચાવવાં ત્વરીત કામગીરી કરી મનપા હોલ લોકો માટે ખોલી આપે તેવી માંગણી ગોપાલભાઈ અનડકટ દ્વારા કરવામાં આવી છે.