શાનદાર પ્રદર્શન થકી દિપ્તી શર્મા બીજી વાર બની ICC પ્લેયર ઓફ ધ મંથ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. ઓક્ટોબર 2026માં શાનદાર પ્રદર્શન કરવા બદલ તેને ICC…

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. ઓક્ટોબર 2026માં શાનદાર પ્રદર્શન કરવા બદલ તેને ICC વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે.

દીપ્તિએ પોતાની બેટિંગ અને બોલિંગ બંનેથી ટીમ ઇન્ડિયાની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ખાસ વાત એ છે કે તેની કારકિર્દીમાં આ બીજી વખત છે જ્યારે તેણે ICC પ્લેયર ઓફ ધ મંથનો ખિતાબ પોતાના નામે કર્યો છે. બીજી તરફ, પુરુષ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર માર્કો જેન્સેનને ઓક્ટોબર મહિનાના શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમના માટે પણ આ પ્રથમ ICC પ્લેયર ઓફ ધ મંથ પુરસ્કાર છે.
દીપ્તિ શર્માએ ઝિમ્બાબ્વે મહિલા ક્રિકેટ ટીમ સામે ઘરઆંગણે રમાયેલી ટી-20 અને ODI શ્રેણીમાં અસાધારણ રમત બતાવી હતી. તેના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે ભારતને બંને ફોર્મેટમાં મહત્વપૂર્ણ સફળતા મળી હતી. આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ICCએ તેને ઓક્ટોબર મહિનાના શ્રેષ્ઠ મહિલા ખેલાડીના પુરસ્કાર માટે નામાંકિત કરી હતી. અંતે તેણે અન્ય બંને પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડીને આ સન્માન મેળવ્યું હતું.

ઓક્ટોબર મહિના દરમિયાન દીપ્તિ શર્મા ભારતીય ટીમની સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંની એક રહી હતી. ઝિમ્બાબ્વે સામેની ટી-20 અને ODI શ્રેણીમાં તેણે પોતાની ઓલરાઉન્ડ ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બંને ફોર્મેટની કુલ છ મેચોમાં દીપ્તિએ એક સદીની મદદથી 155 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેણે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરતાં કુલ સાત વિકેટ ઝડપી હતી.